તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૉક્ટરની ડાયરી:ભલે સત્યને ના સ્વીકારો પરંતુ તમે જૂઠને ના મઠારો પરંતુ

ડૉ. શરદ ઠાકર3 દિવસ પહેલા
 • કૉપી લિંક

સુમિતે પોતાના ખાસ અંગત કહી શકાય એવા ત્રીસેક મિત્રોને ચોંકાવી દીધા. બધાંના ઘરે એક-એક કિ.ગ્રા. કાજુકતરીનું બોક્સ અને સાથે સુંદર મજાનું નાનકડું ગ્રીટિંગ્સ કાર્ડ સુમિતનો ડ્રાઇવર જાતે જઇને હાથોહાથ આવી આવ્યો. બધાંને આશ્ચર્ય એ વાતનું થયું કે તાજેતરમાં સુમિતનાં જીવનમાં એવી કોઇ સારી ઘટના બની ન હતી, જેના માટે સુમિતે બધાંના મોં મીઠાં કરાવવા પડે. મિત્રો શાણા હતા અને સમજુ હતા. એટલે મીઠાઇનું બોક્સ ખોલતાં પહેલાં ગ્રીટિંગ્સ કાર્ડ ખોલીને વાંચી લીધું. અંદર નાનકડી ઢીંગલીનો ફોટો છાપેલો હતો અને નીચે પ્રિન્ટેડ લખાણ હતું. જાણે એ ઢીંગલી પોતે જ બોલતી હોય તેવું. ‘ડિયર આન્ટી એન્ડ અંકલ, આઇ હેવ એરાઇવ્ડ. પ્લીઝ! વેલકમ મી ઇન ધિસ વર્લ્ડ. માયા પાપાઝ નેમ ઇઝ સુમિત. માય મોમ્સ નેમ ઇઝ પ્રિયા. સી યુ સૂન- યોર્સ નિકી.’ કાર્ડનું લખાણ વાંચીને મિત્રો અને એમની પત્નીઓનાં હૃદય એક ક્ષણ માટે ધબકતાં અટકી ગયાં. બધાંએ કાજુકતરી ખાવાને બદલે જાણે સુમિતને જ આખેઆખો ચાવી જવાનો હોય એ રીતે કોલ કરવાનું ચાલુ કરી દીધું. બધાના કોલ એકસાથે તો ક્યાંથી લાગે? એક પછી એક બધા મિત્રોએ એકસરખો સંવાદ કરી લીધો. ‘એલા સુમિત્યા, આ બધું શું છે?’ ‘કાજુકતરી છે.’ સુમિતે બરફ જેવી ટાઢકથી જવાબ આપ્યો, ‘કોઇ દી’ ભાળી નથી કે શું?’ ઊકળી ગયેલો મિત્ર પૂછી બેઠો, ‘ટોપા, હું કાજુકતરીનું નથી પૂછતો, હું એમ પૂછું છું કે આ નિકી કોણ છે?’ સુમિતનો જવાબ વધારે બર્ફીલો થયો, ‘બીજું કોણ હોય? મારી અને પ્રિયાની દીકરી.’ ‘પણ આ પ્રિયા કોણ છે? તું તો હજુ સુધી કાચો કુંવારો છે. લગ્ન કર્યાં વગર દીકરી ક્યાંથી ટપકી પડી?’ હવે હિમાલયનો બરફ થોડોક પીગળ્યો, પણ સુમિતનો જવાબ તો સાવ ટૂંકો જ હતો, ‘બહુ લાંબી વાત છે. ફોનમાં મજા નહીં આવે. રવિવારે બધા ડિનર પર મળીએ, ત્યારે હું મારી જિંદગીના એક રોમાંચક રહસ્ય પરથી પડદો ઉઠાવીશ.’ ફોન પરનો સંવાદ પૂરો થયા પછી બધા મિત્રો મીઠાઇ પર તૂટી પડ્યા. કાજુકતરીની મીઠાશની સાથે સાથે થોડીઘણી વાત પણ તેમના દિમાગમાં ઊતરતી જતી હતી. એટલું તો સ્પષ્ટ હતું કે સુમિતે કોઇને જણાવ્યા વગર ખાનગીમાં લગ્ન કરી લીધાં હતાં. એની પત્નીનું નામ પ્રિયા હતું. આ વાત આટલી હદે ખાનગી રાખવા પાછળ શું કારણ હતું? પ્રિયાને તેણે ક્યાં સંતાડી રાખી હતી? એ આ જ શહેરમાં હતી કે બહારગામ? આ બધા માત્ર સવાલો જ હતા. એના જવાબ જાણવા હોય તો રવિવારે કોઇ સારી જગ્યાએ ડિનર પાર્ટી ગોઠવીને સુમિત પાસેથી પૂરી દાસ્તાન સાંભળવી પડે. મોટા ભાગના મિત્રો મિડલ ક્લાસ સ્થિતિના હતા, પણ એ બધાંના સામાજિક સંપર્કો સારા હતા. વિપુલ ભટ્ટે તેના એક શ્રીમંત ઓળખીતાનું ફાર્મહાઉસ એક સાંજ પૂરતું માગી લીધું. એણે સુમિતને તથા અન્ય મિત્રોને ફાર્મહાઉસનું લોકેશન મોકલી આપ્યું. રવિવારે સાંજે તમામ મિત્રો તેમની પત્નીઓ અને બાળકોને લઇને ફાર્મહાઉસમાં પહોંચી ગયાં. સુમિત પણ આવી પહોંચ્યો. પૂર્વભૂમિકા બાંધવાનો મોકો જ કોઇએ ન આપ્યો. ચોતરફથી શોર ઊઠ્યો,‘પ્રિયાભાભી ક્યાં છે? એને લઇને કેમ ન આવ્યો? ગધેડા! અત્યાર સુધી અમારાથી આ વાત તેં છુપાવી શા માટે?’ સુમિત પ્રાચીનકાળના કોઇ સ્થિતપ્રજ્ઞ મુનિની જેમ મંદ મંદ સ્મિત રેલાવતો બેસી રહ્યો. છેવટે બધાંને થયું કે જો સુમિતને બોલવા દેવો હશે તો આપણે બધાંએ બોલવાનું બંધ કરવું પડશે. આ સાથે જ સ્વયંભૂ સન્નાટો છવાઇ ગયો. સુમિતે બોલવાનું શરૂ કર્યું, ‘પ્રિયા આપણા શહેરની નથી. એ મુંબઇના ધનાઢ્ય પિતાની લાડકી દીકરી છે. એના પપ્પા અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા છે. એમનું અઢળક ધન બે નંબરના ધંધામાંથી જ કમાયા છે.’ આટલું બોલીને સુમિત થોડીક ક્ષણો માટે અટક્યો. એ સાથે જ કોરસમાં ચણભણાટ ચાલુ થઇ ગયો. ‘બાપ ગમે તેવો ગુંડો કે માથાભારે હોય તો શું થઇ ગયું?’ મોટામાં મોટા ડોન ગણાતા પિતાઓ પણ એમની દીકરીને પરણાવતા જ હોય છે ને? ‘હા, પણ એ લોકો પોતાની દીકરીઓને એવાં પાત્રો સાથે પરણાવતાં હોય છે જે એમની પસંદગીના હોય. હું પ્રિયાની પસંદગીનો હતો, એના પપ્પાની પસંદગીનો નહીં. પ્રિયા પણ એના પપ્પાથી થરથર ધ્રૂજતી હતી પણ એ મને છોડવા રાજી ન હતી. અમે ચૂપચાપ લગ્ન કરી લીધાં. પ્રિયાએ મુંબઇ કાયમ માટે છોડી દીધું. જો હું એને આપણા શહેરમાં લઇ આવું તો તમને બધાંને ખબર પડ્યાં વિના ન રહે. પછી વાત ઊડતી ઊડતી મુંબઇ પહોંચી જાય. એનો બાપ અમારા બંનેની સુપારી આપ્યાં વગર ન રહે. એટલે મેં અમદાવાદમાં ભાડાંનો ફ્લેટ રાખીને પ્રિયાને ત્યાં જ સંતાડી રાખી છે. પાડોશીઓ આગળ એનું સાચું નામ પણ જાહેર કર્યું નથી. હું દર શનિ-રવિએ અમદાવાદ આંટો મારી આવું છું. આ અમારો ઘરસંસાર. અને આ તમારાથી વાત ખાનગી રાખવાનું કારણ.’ બધાંના હાથમાં ગરમ ગરમ સૂપના બાઉલ હતા અને ચહેરા પર સહેજ સહેજ ઊગી રહેલી સમજણ હતી. જોકે, હજુ પણ કેટલાક અસંતુષ્ટોના મનમાં નાના નાના સવાલો ઘુમરાઇ રહ્યા હતા. આટલું તો સમજાયું પણ હજુ એક વાત નથી સમજાઇ. જો પ્રિયાભાભીના ડોન પપ્પાથી ગભરાઇને તે આ વાત અત્યાર સુધી છુપાવી રાખી હોય તો આજે શા માટે જાહેર કરી દીધી? હવે મોતનો ભય જતો રહ્યો? સુમિત હસ્યો, ‘હા, પ્રિયા એના બાપનો સ્વભાવ સારી રીતે જાણે છે. એને ખબર છે કે દીકરીનાં ઘરે સંતાનજન્મ થયો એ જાણ્યા પછી એનો માથાભારે બાપ પ્રિયાને મારી નાખવાની મમત છોડી દેશે. જોકે, અમે હજુ પણ સાવધાની તો રાખીશું જ.’ એ પછી પણ થોડાક સવાલો પુછાયા, પણ સુમિત પાસે બધા સવાલોના સંતોષકારક જવાબો હતા. પછી આ જવાબોથી પણ વધારે સંતોષ આપે તેવી વાનગીઓ પીરસાવા માંડી. એટલે બધાં તૂટી પડ્યા. મોડી રાત્રે સુમિતને પિતા બનવા માટે અભિનંદનની સાથે કરન્સી નોટોનો ચાંદલો આપીને બધાં છૂટાં પડ્યાં. સુમિતની રોમાંચક લવસ્ટોરી સાંભળીને બધાં અંજાઇ ગયાં હતાં. સમય પસાર થતો રહ્યો. ધીમે ધીમે મિત્રોની પત્નીઓ તરફથી માગ ઊઠી, ‘સુમિતભાઇ, અમારે પ્રિયાભાભીને જોવા છે. કા તો એમને અહીં લઇ આવો અથવા અમને બધાંને અમદાવાદ આવવાની હા પાડો.’ સુમિતે ઊછળી ઊછળીને જવાબ આપ્યો, ‘હા, કેમ નહીં? પ્રિયા પણ તમને સૌને મળવા માટે ઉત્સુક છે. હું એકાદ અઠવાડિયામાં જ કાર્યક્રમ ગોઠવીને જણાવીશ.’ પણ એ શુભ દિવસ ક્યારેય આવ્યો જ નહીં. એક દિવસ સુમિતે મિત્રોને ફોન કરીને માઠા સમાચાર આપ્યા, ‘આજે સવારે પ્રિયા અને નિકી ફ્લાઇટમાં બેસીને મુંબઇ જતાં હતાં. પ્રિયાના પપ્પાને બધી માહિતી મળી ગઇ હતી. એમણે જ ફોન કરીને પ્રિયાને કહ્યું હતું કે મેં તને માફ કરી દીધી છે, ઢીંગલીને લઇને મને મળવા આવી જા. અમદાવાદથી વિમાન ઊડ્યું એ પછી ત્રીસમી મિનિટે એક વિસ્ફોટ થયો અને એક સળગતો ગોળો ધરતી પર પથરાઇ ગયો. એક પણ માણસ જીવતું બચ્યું નથી.’ સુમિત રડતો હતો. બધાંએ એને છાનો રાખ્યો. સુમિતનું રડવાનું તો શાંત થયું પણ એની વાત સાંભળીને મિત્રોના મનમાં અશાંતિ પેદા થઇ ગઇ. સાંજ સુધીમાં શંકાનો તિખારો આગ બની ગયો. આવડા મોટા વિમાની અકસ્માતના સમાચાર વિશે ટીવી અને સોશિયલ મીડિયા સાવ શાંત હતું! મતલબ કે સુમિત જૂઠું બોલતો હતો. એ પછી તો સુમિત વારંવાર મોટી મોટી ડિંગો હાંકતો રહ્યો અને ઉઘાડો પડતો રહ્યો, ‘હું તો ખાલી શોખ ખાતર બેન્કની નોકરી કરું છું. મારી મુખ્ય કમાણી તો શેરબજારમાંથી આવે છે. ઇન્ટ્રાડે ઉપર ટ્રેડિંગ કરીને હું રોજના બેથી પાંચ લાખ રૂપિયા કમાઇ લઉં છું.’ દેખીતી રીતે જ આ આંકડો વધારે પડતો મોટો અને ખોટો હતો. એ પછી તો અમદાવાદમાં સુમિતનો સાત કરોડનો બંગલો પણ ફૂટી નીકળ્યો. બેંગ્લોરમાં બી. એમ. ડબ્લ્યૂ. કારનો શો રૂમ પણ ઊગી નીકળ્યો. સુમિતના મિત્રોએ હવે એનાથી પ્રભાવિત થઇ જવાનું બંધ કરી દીધું હતું. એમના દિમાગમાં પ્રશ્ન ઘોળાઇ રહ્યો છે: ‘સુમિત આવું શા માટે કરતો હશે? જૂઠું બોલીને, મોટી મોટી વાતો કરીને ઊઘરાવેલું બહુમાન કે મેળવેલી પ્રતિષ્ઠા બહુ લાંબુ ટકતી નથી. આ વાતની એને ખબર નહીં હોય? એ આ સુમિતની કોઇ માનસિક બીમારી હશે?’ આ પ્રશ્ન ફરતો ફરતો મારી પાસે આવ્યો છે, ત્યારથી હું પણ એનો જવાબ શોધી રહ્યો છું. મારે માનસશાસ્ત્ર સમજવા માટે બહાર ક્યાંય નજર દોડાવવાની જરૂર ક્યાં છે? ઘરમાં જ સવાલ અને ઘરમાં જ જવાબ. (શીર્ષક પંક્તિ: તુરાબ ‘હમદમ’) ⬛drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો