ઘ
ણાં લોકો એવું માને છે કે એપિલેપ્સી એટલે કે ખેંચ અથવા વાઈ આવે એ લોકો મગજથી નબળાં હોય છે, પરંતુ આ ભૂલભરેલી માન્યતા છે. તે માનસિક નહીં પણ મગજ સાથે સંકળાયેલી બીમારી છે. આ કોઈ ગંભીર બીમારી નથી કે તેની સારવાર ન થઈ શકે. દવાઓથી 80 ટકા સુધી તેની સારવાર શક્ય છે. જો નિયમિત દવા લેવામાં આવે તો ઘણા કેસમાં દર્દીને કાયમ માટે એમાંથી છુટકારો મળે છે.
એપિલેપ્સી શું છે? મૂળ તો આ મગજનો એક ડિસઓર્ડર છે અને તે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. હા, એનાં કારણ જુદાં જુદાં હોઈ શકે છે. આપણું મગજ અનેક કોષોનું બનેલું છે. આ કોષોમાંથી ઊર્જા સતત નીકળતી રહે છે, જેથી મગજ શરીરનાં બધાં અંગોને વિવિધ સંદેશા મોકલે છે, પણ ક્યારેક કોઇ કારણસર મગજના કોષોમાં ગરબડ ઊભી થાય એ વખતે આ કોષોમાંથી નીકળતા કરંટનું પ્રમાણ અચાનક જ વધી જાય છે અથવા તો ઘટી જાય છે. આ કરંટના વધુ પ્રવાહથી શરીરની કામગીરી પણ ખોરવાઈ જાય છે. એ કારણે વ્યક્તિ અચાનક પોતાના શરીર પરનો કાબૂ ગુમાવી દે છે અને તે નીચે પડી જાય છે. તેનું શરીર એકદમ કડક થઈ જાય છે અને મોઢામાંથી ફીણ નીકળવા માંડે છે. આ સ્થિતિને જ એપિલેપ્સી કહે છે. સરળ ભાષામાં તેને ખેંચ કે વાઈ પણ કહે છે. ઘણી વાર માથામાં કોઈ પ્રકારની ઈજા થાય, વધારે પડતા દારૂનું સેવન કરવામાં આવે કે બ્રેઈન ટ્યૂમરથી પણ ખેંચ આવી શકે છે. આ ઉપરાંત પરિવારમાં ફક્ત માતા કે પિતા બંનેમાંથી એક વ્યક્તિને ખેંચ આવતી હોય તો બાળકને પણ ભવિષ્યમાં ખેંચ આવી શકે છે પરંતુ ખેંચ આવશે જ એવું ચોક્કસપણે ક્યારેય કહી શકાય નહીં. આ ઉપરાંત ગંદા પાણીમાં ઊગેલાં શાકભાજી ખાવાથી પેટમાં બેક્ટેરિયા અને કીટકોનાં ઈંડાં જવાથી હાઈ ફીવર મગજ સુધી પહોંચવાથી પણ આવું થઈ શકે છે.
તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો ઘણાં લોકો વાઈ આવે એટલે ડુંગળી કે ચંપલ સૂંઘાડે છે, પણ આ વાતને કોઇ વૈજ્ઞાનિક સમર્થન મળ્યું નથી. ચાર-પાંચ સેકન્ડથી માંડીને દસ મિનિટ સુધી દર્દીને એપિલેપ્સીનો હુમલો આવી શકે છે. એમાં પીડિત વ્યક્તિને તણાવ, એંગ્ઝાયટી અને ડિપ્રેશનનું જોખમ વધારે રહે છે. તેથી જ્યારે પણ ખેંચ આવે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. ઘણી બધી વાર અકસ્માતને કારણે પણ દર્દીને ખેંચ આવે છે. જોકે, તેને એપિલેપ્સી ન કહેવાય.
સારવાર ઘણાં લોકોને જીવનમાં એક જ વખત ખેંચ આવે છે. આવા લોકોએ ખેંચ ન આવે એ માટે આજીવન દવા લેવાની જરૂર પડતી નથી. હા, કેટલાંક એવાં લોકો પણ છે જેમને કોઈ બીમારીને કારણે ખેંચ આવતી હોય છે. જો એ બીમારીને દૂર કરવામાં આવે તો ખેંચ આવતી બંધ થઈ જાય છે. 70થી 80 ટકા કેસમાં દવા લેવાથી સો ટકા આરામ મળી જાય છે. આ ઉપરાંત વાઈની સારવાર માટે લેવામાં આવતી દવાઓની અસર પ્રજનન ક્ષમતા ઉપર પડતી નથી. ગર્ભાવસ્થા દરમિયાન પણ એવી ઘણી દવાઓ હોય છે જે લઈ શકાય છે. એપિલેપ્સીની ગંભીર સ્થિતિમાં સર્જરીની પણ જરૂર પડી શકે છે. આવા દર્દીઓને કેટલીક સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. જેમ કે મોડે સુધી ન જાગવું, તળેલો ખોરાક ટાળવો, આલ્કોહોલનું સેવન ન કરવું, વધુ ઊંચાઈવાળી જગ્યાએ ન જવું. આશરે 20-30 દર્દીઓને નિયમિત ઔષધિઓ લેવા છતાં ફિટ્સ ચાલુ રહે છે. આ દર્દીઓને મેડિકલી રિફ્રેક્ટરી એપિલેપ્સી હોય છે. એમાંથી ઘણા બધા દર્દીઓમાં એપિલેપ્સી માટે સર્જરીનો વિકલ્પ હોઈ શકે. ઘણાં બધાં પરીક્ષણો પછી સર્જરી માટે દર્દીઓની પસંદગી કરવામાં આવે છે. આ પરીક્ષણોમાં એમઆરઆઈ અને વિડીયો ઈઈજીનો પણ સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.