મેનેજમેન્ટની abcd:ડિપ્રેશનના દુશ્મન - પારસીઓ

બી.એન. દસ્તૂર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષમાં એકવાર પારસીઓના નવા વર્ષ- નવરોઝ ઉપર, દેશની પ્રગતિમાં એમનાં જબરદસ્ત યોગદાનને યાદ કરવાનો શિરસ્તો છે. એમનાં સંસ્કારોની, સેન્સ ઓફ હ્યુમરની ચર્ચા પણ થશે. પારસી ડિક્શનરીમાં કૃતજ્ઞતા જેવો શબ્દ નથી. ‘થેન્ક યુ’નો તો અતિરેક છે. સવારે દસ કલાકે જન્મેલા બાળકના હાથમાં પચાસનું પત્તું મૂકશો તો મમ્મી એને કહેશે, ‘દીકરા, આન્ટીને થેન્ક યુ કે’વ.’ રાત્રે ડાઈનિંગ ટેબલ ઉપર આખું કુટુંબ ભેગું થાય ત્યારે જમતાં પહેલાં બાળકો બોલશે, ‘થેન્ક યુ મમ્મી, થેન્ક યુ ડેડી.’ વડીલો સમજાવે, ‘દીકરા, ખાવાનું ખોદાયજી બનાવેચ, પન આપતા નથી. તમારો બાપ રાત-દિવસ મે’નત, મજૂરી કરેચ તેથી તને એ ખાવા મલેચ.’ જો કોઈ થેન્ક યુ કહેવાનું ચૂકી જાય તો ડોસાજી કમેન્ટ કરશે, ‘તારી માએ સૂંઠ ખાઈને ઊંટ જનેલો છે.’ ઘરમાં વાસણો ભલે ખખડતાં હોય, એક અદ્્ભુત શિરસ્તો છે ‘મલી, ભેટીને’ બહાર જવાનો. ઘરની બહાર પગ મૂકતાં પહેલાં ઘરનાં દરેકને હળવું આલિંગન આપીને ‘બાય’ કહેવું ફરજિયાત છે. ઘરનાં સિનિયર સિટીઝન કહેશે, ‘રોજી લઈને વે’લ્લો આવજે, ને ઓફિસનાં લફરાં ઓફિસના લોકરમાં રાખીને આવજે.’ સવારે મોડા ઊઠવા માટે બાળકને ઠપકો ભલે મળ્યો હોય પણ એને ખબર હોય જ કે સ્કૂલે જતાં પહેલાં એની મમ્મી એને વહાલ કરવાની જ છે. બાળકના ‘બેસ્ટ ફ્રેન્ડ’ ઉપર બાજ નજર રાખવાનો પણ શિરસ્તો છે. વર્ષમાં એકાદ બે વાર ‘બેસ્ટ ફ્રેન્ડ’નાં માવતરોને ડિનર ઉપર બોલાવી એમનો એટિટ્યૂડ જોવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે. નાની ઉંમરથી જ બાળકો એમની મમ્મીને રસોડામાં મદદ કરે, રસોઈ કરતા શીખે અને આવી ટ્રેનિંગની બદોલત, પતિ એની પત્નીને રસોડામાં બનતી મદદ કરે. રવિવારનું ‘ધાન શાક’ અને ડેઝર્ટ માટેનું ‘લગનનું કસ્ટર’ બનાવવાની જવાબદારી પણ નિભાવે. દોસ્તી નિભાવવામાં પારસીઓનો જવાબ હોતો નથી. ‘દીકરા, દરેકની વેલ્યૂઝો જુદી હોય. આપરે તો એની પોઝિટિવ વેલ્યૂઝો જોવાની.’ અન્ય કોમોની જેમ પારસીઓમાં માનસિક બીમારીઓ હોય છે, પણ ડિપ્રેશન સાથે અમને દુશ્મની છે. નાનપણથી જ દિમાગમાં એ‌વું ભરવામાં આવે છે કે ‘દીકરા, ગઈ કાલ તો મરી ગઈ, આવતી કાલની ડિલિવરી થઈ નથી. જે છે તે આજે અને અત્યારે છે. મોજમસ્તી કરી લે, કાલનો ભરોસો નહીં.’ છતાં, ‘દીકરા, બુઢાપામાં આપરી ઓલાદ પાસે હાથ લાંબો કરવા જેવું ખરાબ કંઈ નથી. જીવતાંજીવત તારા પૈસા તારી પાસે જ રાખજે.’ સેન્સ ઓફ હ્યુમરની વાત કરો તો પારસી કદી ‘મરી જતો’ નથી. ‘પપ્પા તો ફોટો ફ્રેમમાં ચાલી ગીઆ.’ ‘કાકાજી બરાબર બેટિંગ નહીં કરતા તા, સ્લીપમાં કેચ આપી દીધો.’ સમાપન પારસી જોકથી. ‘સાઠ વરસનો સોરાબ હવે લગન કરવા માગેચ. પન લગન કરતા પે’લ્લાં કોઈ સારી સ્કૂલની બાજુમાં ઘર શોધેચ’ અને ‘છોમલી, તને કીછ કરતાં કોને સીખઈવું?’- ‘બેરામજી છેઠે.’⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...