સમયના હસ્તાક્ષર:ચૂંટણી આવે છે... ‘પાર્ટી-કલ્ચર’નું ભવિષ્ય ઘડાશે

વિષ્ણુ પંડ્યા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષનું પાટિયું સાબૂત રાખવું હોય તો કાર્યકર્તા અને સભ્યો બનાવવા પડે, લોકોની વચ્ચે જઈને વિશ્વાસ સંપાદિત કરીને ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવાના હોય છે. માત્ર ડિપોઝિટ ગુમાવનારા બહાદુરો જ હોય તો એવા પક્ષનું કોઈ ખાસ વજૂદ નથી

પહેલાં પાંચ (રાજ્યોની વિધાનસભા) અને પછી એક (કેન્દ્ર સરકાર માટે લોકસભા) ચૂંટણી પર બધાંની નજર છે પણ સૌથી વધુ તો રાજકીય પક્ષોની તૈયારી છે. આ તૈયારી તેના પરિણામ સાથેની છે. કેટલાક પ્રાદેશિક પક્ષો સ્થાનિક સત્તા મેળવવા અને તેને માટે એકલા, બીજા પક્ષોની સાથે રહીને ચૂંટણી માટે તૈયાર છે એટલે મતદાન પૂર્વેનું ગઠબંધન કરવા માગે છે, કેટલાક એકલા લડીને વધુ બેઠકો મેળવે અને પછી સત્તા પ્રાપ્ત કરવા માટેનું જોડાણ યા સમર્થનનો ખેલ રચશે. આનાથી થોડી અલગ સ્થિતિ રાષ્ટ્રીય સ્તરના પક્ષોની છે. આમાંના કેટલાક તો માત્ર મતદાનના આધારે મુખ્ય રાજકીય પક્ષોની યાદીમાં આવે છે, જે ચૂંટણી પંચ નક્કી કરે છે. રાજકીય પક્ષ બનાવવાનો અધિકાર કોઈને પણ છે, તેને ટકાવવાનો પ્રયાસ નેતા અને કાર્યકર્તાએ કરવો પડે છે, પક્ષનું પાટિયું સાબૂત રાખવું હોય તો કાર્યકર્તા અને સભ્યો બનાવવા પડે, લોકોની વચ્ચે જઈને વિશ્વાસ સંપાદિત કરીને ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવાના હોય છે. માત્ર ડિપોઝિટ ગુમાવનારા બહાદુરો જ હોય તો એવા પક્ષનું કોઈ ખાસ વજૂદ નથી. પ્રમુખ રાજકીય પક્ષનો અંદાજ આજની ઘડીએ સરળ છે. દરેક પક્ષનો એક ઇતિહાસ અને વર્તમાન હોય છે અને તે તેના પાર્ટી-કલ્ચરનો પરિચય આપે છે. કલ્ચર શબ્દનો વ્યાપક અર્થ તો સંસ્કૃતિની અડોઅડ છે. તેના બીજા ઘણા અર્થો છે. રાજનીતિની પોતાની અનેક ખાસિયતો હોય છે. સમય જતાં તે આદત બની જાય અને દરેક ચૂંટણીમાં તે ભાષણો, ઢંઢેરાઓ, વાયદા અને વચનોમાં દેખાય છે. કોંગ્રેસ આપણો સૌથી જૂનો પક્ષ છે. શરૂઆતમાં તે વિનંતીપત્રને ઉદ્દેશ્ય માનતો. બ્રિટિશ રાજ્ય પ્રત્યેની વફાદારી તેનાં અધિવેશનોમાં ગવાતા લોંગ લિવ વિક્ટોરિયા, પ્રસ્તાવો અને ભાષણોમાં આવતી. એટલે તો સુરતના અધિવેશનમાં ‘જહાલ’ અને ‘મવાલ’ જેવા બે ભાગ પડી ગયા. સમય જતા કોંગ્રેસમાં એક સમાજવાદી જૂથ ઊભું થયું અને આઝાદી પછી તે કોંગ્રેસની ખિલાફ સમાજવાદી પક્ષ તરીકે સ્થાપિત બન્યું. જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન, ડોક્ટર લોહિયા, અશોક મહેતા વગેરે તેના નેતાઓ હતા. મજાની વાત એ હતી કે કોંગ્રેસની જેમ સમાજવાદી પક્ષ પણ ભારતમાં સમાજવાદી સમાજ રચનામાં માનતો હતો. કોંગ્રેસ કલ્ચર અનેક પરિબળોનો એક મંચ બની રહ્યો. તેમાં ફિરોઝશાહ મહેતા, ગોપાલકૃષ્ણ ગોખલે, સુરેન્દ્રનાથ બેનર્જી જેવા ‘ઉદારવાદી’ નેતાઓ હતા, તો લોકમાન્ય તિલક અને અરવિંદ ઘોષ જેવા ઉગ્ર માર્ગના આગ્રહીઓ પણ હતા. 1915 પછી તો ગાંધીજી કોંગ્રેસના વિચારનું પ્રતીક બની ગયા. ત્યારે પણ કોંગ્રેસમાં એક સ્વરાજ પક્ષ અસ્તિત્વમાં હતો. લાલા લાજપતરાય, દેશબંધુ ચિત્તરંજન દાસ વગેરે તેના નેતા હતા. સમય જતા તેમાંના મોતીલાલ નેહરુ અને બીજા ગાંધીજીની સાથે થયા. એક રસપ્રદ બાબત એ છે કે વલ્લભભાઇ ગાંધીજીના શ્રેષ્ઠ સાથી અને અનુગામી રહ્યા, પણ તેમના ભાઈ વિઠ્ઠલભાઈ સ્વરાજ દળના નેતા તરીકે જીવનના અંત સુધી ગાંધીજીના કટ્ટર વિરોધી રહ્યા અને ત્રિપુરી મહાસભાના તીવ્ર વિવાદ પછી સુભાષ ચંદ્ર બોઝ વિદેશ ગયા ત્યારે વિઠ્ઠલભાઈના વિચાર વાહક બની રહ્યા હતા. કોંગ્રેસે 1920માં ખાદી વિચાર પ્રસ્તુત કર્યો. ખાદી ફરજિયાત થઈ અને ખાદી ટોપી પ્રતીક બની ગઈ. તેના પછી 1947થી આખું કલ્ચર બદલાવા માંડ્યું. જોકે, સ્વદેશી આંદોલનના પાયામાં 1905ની ‘બંગ-ભંગ’ વિરોધી ચળવળ હતી, જ્યારે ગાંધી નેતા નહોતા પણ વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર મુખ્ય કાર્યક્રમ બની જતો. અરે, ગાંધીજીના વિચાર અને કાર્યક્રમોના સામા છેડે સશસ્ત્ર ક્રાંતિનો બ્રિટનમાં રહીને પ્રભાવી પ્રચાર કરનારા પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ તો તેમના અખબાર ‘ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ’માં લખ્યું હતું કે ભારતમાં રાજ્ય કરનારા બ્રિટિશરોની સંખ્યા કેટલી છે? બેશક, ભારતીયો કરોડોની સંખ્યામાં છે. તે બધા એક જ સપ્તાહ આ બ્રિટિશરોને કોઈ પણ વસ્તુ પૂરી ના પડે, તેના ઘરનું સફાઈકામ ના કરે, તેની રસોઈ ના બનાવે, દરજી તેના કપડાંનું સિલાઈકામ ના કરે તો થોડાક દિવસોમાં જ આવા અસહકારથી તેઓ દેશ છોડીને ભાગી જાય. કોંગ્રેસ કલ્ચરમાં એક મુદ્દો મુસ્લિમ સમુદાય માટેનો ઉમેરાયો. તે સમયે 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ ચૂકી હતી અને બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણા તો ‘હોમ રુલ’ સંગઠન દ્વારા પ્રખર રાષ્ટ્રવાદી નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. ગાંધીજીની ખિલાફત ચળવળનો પણ વિરોધ કર્યો. સમય જતા તે કોંગ્રેસની કામગીરીથી અલગ પડ્યા અને મુસ્લિમ લીગના માધ્યમથી ‘દ્વી-રાષ્ટ્રનીતિ’ના પ્રવકતા બન્યા અને મુસ્લિમો માટે પોતાના દેશની માગણીમાં સફળ થયા. સ્વતંત્રતા પછી કોંગ્રેસનું કલ્ચર મિશ્ર રાખવાના પ્રયત્નો તો થયા, પણ કેરળમાં મુસ્લિમ લીગની સાથે ગઠજોડ, કેરળ અને બંગાળમાં સામ્યવાદીઓનો પ્રભાવ અને સરકારોની રચના, કોંગ્રેસમાંથી અલગ પડેલા સમાજવાદીઓનો પોતાનો પક્ષ, હિન્દુ મહાસભા અને રામ રાજ્ય પરિષદનો આંશિક પ્રભાવ, કાશ્મીરનો સળગતો પ્રશ્ન, બીમાર સરદાર વલ્લભભાઇનું અવસાન, રશિયા તરફી ઝુકાવ, ચીની આક્રમણ, પાકિસ્તાની આક્રમણ, ખલિસ્તાની અલગાવ અને ઈશાન ભારતમાં અલગાવવાદી હિંસા… આ મુદ્દાઓની વચ્ચે પ્રાદેશિક પક્ષોએ પ્રભાવ બતાવવા માંડ્યો, સત્તામાં ભાગીદારી વધી અને તેમાંથી પેદા થયેલી પરિસ્થિતિમાં કોંગ્રેસને મજબૂત રાખવાનો કોઈ પ્રભાવી મુદ્દો રહ્યો જ નહીં. હા, ઇન્દિરા ગાંધીએ ‘ગરીબી હટાઓ’નો મોહક નારો આપ્યો એટલે જીત મેળવી. તેને કટોકટીના હુકમોથી ધરાશાયી બનવું પડ્યું. બીજા પક્ષોનું કલ્ચર આગામી ચૂંટણી દરમિયાન ક્યારેક જોઈશું. { vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...