તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીવાન-એ-ખાસ:ચૂંટણીના પરિણામો અને ગુજરાતનો મતદાર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના ટેકેદારોનું કહેવું છે અમારા નેતા બંગાળમાં કોંગ્રેસની હારની ખુશી મનાવી રહ્યા હોય ત્યારે અમે કોંગ્રેસને જીતાડવાનો પ્રયત્ન કરી શકીએ?

આખો દેશ કોરોનાથી પીડિત છે ત્યારે પણ વિવિધ રાજ્યોના ચૂંટણી પરિણામોએ ભારે ઉત્સુકતા જગાડી. ખાસ કરીને બંગાળની ચૂંટણીના પરિણામો જાણવાની ઉત્સુકતા ગુજરાતમાં પણ ઘણાંને હતી. વીતેલા વર્ષોમાં આપણે જોયું છે કે ગુજરાત સિવાયના રાજ્યોની ચૂંટણીમાં ગુજરાતના મતદારને ઝાઝો રસ હોતો નથી. આ વખતે ચૂંટણી જાણે ગુજરાતમાં જ લડાઈ રહી હોય એ પ્રકારે મતદારોનું વૈચારિક ધ્રુવીકરણ થઈ ગયું હતું. આનું કારણ કદાચ એ પણ હોય કે દરરોજ કોરોનાના સમાચારો જાણીને કંટાળેલી પ્રજાએ કોરોનાથી ધ્યાન હટાવવા માટે ચૂંટણીઓમાં આટલો રસ લીધો હોય. બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પોંડીચેરીના ચૂંટણીના પરિણામો ચોક્કસપણે આવનારાં વર્ષોના રાજકીય સમીકરણો બદલી શકે એમ છે. ચૂંટણીના પરિણામો જોતાં એમ લાગ્યું કે કોંગ્રેસ પક્ષનું ધોવાણ સંપૂર્ણ રહ્યું. ચૂંટણી પહેલાંથી જ કોંગ્રેસે હાર સ્વીકારી લીધી હતી એમ લાગે છે. સેનાપતિવિહિન લશ્કર જે રીતે યુદ્ધ લડીને પરાસ્ત થાય છે, એવી જ હાલત કોંગ્રેસની દરેક રાજ્યમાં થઈ. બીજી તરફ સામ્યવાદીઓ બંગાળમાંથી ફેંકાઈ ગયા, પરંતુ કેરળમાં એમણે ગઢ ટકાવી રાખ્યો. એ જ રીતે ભાજપે આસામ સાચવી રાખ્યું, પરંતુ બંગાળમાં અપેક્ષિત દેખાવ કરી શક્યું નહીં. જોકે બંગાળમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત ત્રણ બેઠક મેળવી શકેલું ભાજપ 72 બેઠક સુધી પહોંચ્યું એ ભાજપના નેતાઓ માટે આશ્વાસન જેવું કહેવાય. બંગાળમાં સરકાર બનાવવી ભાજપ માટે આસાન નહોતું જ. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ભાજપે કયારે પણ બંગાળમાં સરકાર બનાવી નહોતી. આ ઉપરાંત, બંગાળના લઘુમતી મતદારો સંપૂર્ણપણે ભાજપ વિરોધી હતા, એટલે ભાજપે બહુમતી મતદારો પાસેથી જ મતની અપેક્ષા રાખવી પડે એમ હતી. જોકે બહુમતી મતદારોમાંથી પણ મમતા બેનર્જીના વફાદાર મતદારો ઘણા હતા જ. વર્ષોથી બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો બંગાળમાં સ્થાયી થયા છે અને એમને મતદાર અધિકાર પણ આપી દેવામાં આવ્યો છે. આ બધા મતદારો સ્વાભાવિક રીતે જ ભાજપને મત નહીં આપે. આમ છતાં ભાજપને એક મોટું આશ્વાસન એ મળ્યું કે ખૂબ જ લોકપ્રિય ગણાતાં મમતા બેનર્જીને નંદીગ્રામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હરાવી શક્યા. દક્ષિણ ભારતમાં કોંગ્રેસ અને ભાજપ બંનેમાંથી કોઈ ખાસ ઉકાળી શકે એવી શક્યતા હતી જ નહીં. કોંગ્રેસને જીતની થોડી આશા આસામમાં હતી, પરંતુ તેને ત્યાં પણ સફળતા મળી નહીં. બંગાળ, કેરળ, તામિલનાડુ અને આસામમાં સ્થાનિક પક્ષો જ વિજયી નિવડ્યા એના પરથી લાગે છે કે ભવિષ્યની ચૂંટણીઓમાં પણ સ્થાનિક પક્ષને અવગણી શકવાનું કોઈને પોષાય એમ નથી. બંગાળમાં ભાજપની હાર થઈ એનાથી ગુજરાતમાં સોશિયલ મીડિયા પર કેટલાકે તૃણમૂલ કોંગ્રેસને વધાવી લીધી છે. એમ લાગે છે કે ગુજરાતના કેટલાક મતદારો કોંગ્રેસને ભૂલીને હવે તૃણમૂલ કોંગ્રેસ તરફ આકર્ષાયા છે. કોંગ્રેસના કેટલાક ટેકેદારોનું કહેવું છે કે અમારા નેતાઓ બંગાળમાં કોંગ્રેસની હારની ખુશી મનાવી રહ્યા હોય ત્યારે અમે કઈ રીતે કોંગ્રેસને જીતાડવાનો પ્રયત્ન કરી શકીએ? કોરોનાના સમયમાં આ બધા રાજ્યમાં ચૂંટણી યોજાઈ એનાથી ફક્ત સામાન્ય પ્રજા જ નહીં, પરંતુ ન્યાયાધીશો પણ નારાજ થયા હતા. હવે આવનાર બે-ત્રણ વર્ષમાં કોઈ પણ ચૂંટણી યોજવી સહેલી નહીં હોય, કારણ કે કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત હંમેશાં રહેશે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી, પરંતુ કોરોનાની અસરને કારણે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાય એ નક્કી નથી. ગુજરાતમાં જોકે મમતા બેનર્જીની લોકપ્રિયતા જોતાં એવું લાગે છે કે તૃણમૂલ કોંગ્રેસ કદાચ ગુજરાત વિધાનસભાની બેઠક પર પણ એમના ઉમેદવારો ઊભા રાખશે. આમ થશે તો મુખ્ય જંગ ભાજપ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સંભવી શકે છે. ત્રીજા ફોર્સ તરીકે કદાચ ‘આમ આદમી પાર્ટી’ની પણ ગણતરી કરવી પડે!⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...