કિંચિત્:એડગર એલન પો

12 દિવસ પહેલાલેખક: મયૂર ખાવડુ
  • કૉપી લિંક
  • એડગર જીવતો લાખનો મરેલો સવા લાખનો

આધુનિક ડિટેક્ટિવ વાર્તાઓ અને વિજ્ઞાનકથાઓના જનક તરીકે એડગર એલન પોને યાદ કરવામાં આવે છે. અમેરિકાના પ્રથમ રોટીજીવી લેખક તરીકેનું તેને બિરુદ મળેલું હતું. માતા-પિતા અભિનેતા હતા. જે વર્ષે તેનું ધરતી પર આગમન થયું એ વર્ષે માતા-પિતાએ શેક્સપિયરનું બહુચર્ચિત એવું નાટક ‘કિંગ લિયર’ ભજવ્યું હતું. આ નાટકમાં એક એડગર નામનું પાત્ર આવે છે. તેના નામ પર જ બાળકનું નામકરણ કરી દેવામાં આવ્યું. એડગર ચાર વર્ષનો હતો જ્યારે તેનાં માતા-પિતાનું અવસાન થયું. જ્હોન એલન નામના વેપારીએ તેને દત્તક લઈ લીધો. પરંતુ એડગર સાહિત્યનો માણસ છે તેવી તેને કિશોરાવસ્થાથી ખબર પડી ગઈ હતી. લોર્ડ બાયરન તેનો પ્રિય કવિ હતો. તેનો હીરો હતો. તેને બનવું તો લોર્ડ બાયરન હતું, પણ તેની નિયતિમાં એડગર બનવું લખ્યું હતું.

દત્તક લેનારા પિતાની ઈચ્છા હતી કે પો પરિવારના પરંપરાગત વ્યવસાય માટે વર્જિનિયા જાય અને પોતાની કુશાગ્ર બુદ્ધિના બળે વેપારને આગળ ધપાવે. એડગરને એ નહોતું કરવું. તેની તન-મનથી ઈચ્છા હતી કે લોર્ડ બાયરન જેવો જ બનું. માથા પર એટલું ગાંડપણ સવાર હતું કે માત્ર 13 વર્ષના આયુષ્યમાં તેણે કેટલીક કવિતાઓ લખી નાખી. પ્રકાશિત કરવાની ભરપૂર ઈચ્છા પણ આડે બિલાડી બની કૂદી પડ્યા અન્નદાતા પિતા. તેમણે પ્રકાશકોને અનુમતિ જ ન આપી.

એક મિનિટ... એક મિનિટ... તમે વાંચ્યે જાવ છો અને હું લખ્યે જાઉં છું. અચાનક એડગર એલન પો જ કેમ? હમણાં આવેલી નેટફ્લિક્સની વેબસિરીઝ ‘વેન્સડે’માં તેમનો રહસ્યમય ઉલ્લેખ છે અને 2023ની રિલીઝ થયેલી ક્રિશ્ચિયન બેલની ‘ધ પર્લ બ્લૂ આઈસ’માં એક આખું પાત્ર એડગર એલન પો પર આધારિત છે, જેની ભજવણી હેરી પોટરમાં સામાન્ય એવો ડડલીનો રોલ કરનારા હેરી મેલિંગે કરી છે.

તો પિતાની વાત ન માનનારા એડગરની જિંદગી આગળ જતાં નર્ક બની ગઈ. પાલક પિતાની પાસે પૈસાની અછત નહોતી. પરંતુ એલનના લેખન પ્રત્યેના અહોભાવને તેઓ પોષી શકે તેમ નહોતા. એક બાજુ રળતરની ચિંતા અને બીજી બાજુ પોતાના સ્વપ્નને સાકાર કરવા માટેના ધમપછાડાએ એડગરની જિંદગી એવી ભયાનક કરી નાખી કે જે પણ નીકળ્યું ભૂત બની નીકળ્યું. જે કોઈ વિચારી ન શકે તેવા અવડા વિચારો, સાંભળીને લોકો ધ્રુજી ઉઠે, કોઈ પાગલ માને, કોઈને એલન આ દુનિયાનો છે જ નહીં એવું લાગે. ગુલામ મોહમ્મદ શેખની કવિતા જેવા અઘરા પણ ધારદાર વિચારો. 18 વર્ષની વયે કેલ્વિન એફ.એસ.​થોમસના નામે તેણે કવિતાઓનું પ્રથમ પુસ્તક પ્રગટ કર્યું.

એડગર એક અજીબ લેખક હતો એવું માનનારા ઘણાં છે. એ સિવાય તે બોક્સર હતો, લાંબી કૂદનો ખેલાડી હતો, સ્વિમિંગનો તેને એટલો શોખ હતો કે વર્જિનિયાના ગૂઢ અરણ્ય મધ્યે આવેલી જેમ્સ નદીમાં તે સાત કિલોમીટર સુધી તર્યો હતો. આ કારણે જ તે અમેરિકાની આર્મીમાં જોડાયો હોવો જોઈએ. જોકે આર્મીની શિસ્તતાએ તેને કંટાળો ઉપજાવ્યો અને તેણે અલવિદા કહી દીધું. 22 વર્ષની ઉંમરે તેણે ત્રણ પુસ્તકો લખી નાખ્યા હતા. કોઈને પસંદ આવ્યા હોય કે ન આવ્યા હોય પણ એડગર લખીને જીવતો હતો અને એટલે જ તેને અમેરિકાના પ્રથમ પ્રોફેશનલ રાઈટર તરીકે ઓળખવામાં આવે છે. ‘સેટરડે વિઝીટર મેગેઝિન’ની સ્પર્ધામાં તેની જીત થતાં તેનું લેખનનું સ્તર ઊંચકાયું. સાઉથર્ન લિટરરી મેસેન્જરમાં તેને સંપાદકની પોસ્ટ મળી ગઈ. અહીં તેને અન્ય લેખકો સાથે બિલકુલ બનતું નહોતું. જાણે બાપે માર્યાં વેર હોય!

1841ની સાલમાં એડગરે ‘ધ મર્ડર્સ ઇન ધ રૂ મોર્ગ’ નામની ડિટેક્ટિવ વાર્તા લખી. જે પ્રથમ ડિટેક્ટિવ ફિક્શન ગણવામાં આવે છે. આ વાર્તામાં ઓગસ્ટ ડ્યુપિન નામનું રહસ્યનો ઉકેલ લાવતું પાત્ર છે. જે બાદમાં એડગરની અન્ય કેટલીક કથાઓમાં પણ ડોકિયું કરે છે. એવું માનવામાં આવે છે કે ‘ધ મર્ડર્સ ઇન ધ રૂ મોર્ગ’ નામની ટૂંકી વાર્તાએ આર્થર કોનન ડોયલને શેરલોક હોમ્સને સર્જવાની પ્રેરણા આપી હતી. વૈજ્ઞાનિકોમાં લોકપ્રિય બન્યું એ પૂર્વેની આ વાત છે. એડગરે એક નિબંધ લખ્યો. ‘યુરેકા અ પ્રોઝ પોઈમ.’ પ્રોઝ પોઈમ એટલે ગદ્યકાવ્ય. જેમાં તેણે બિગબેંગ થીયરીનો ઉલ્લેખ કર્યો હતો. એડગરે એવી સાયન્સ ફિક્શન અને ભૂતકથાઓ લખી કે તેના પરથી બે લેખકોને પ્રેરણા મળી. નંબર એક એચ.પી.લવક્રાફ્ટ અને નંબર બે. જુલ્સ કે જૂલે વર્ન. લેખક તો જોટો ન જડે એવો હતો, પણ અંત સુધી પૈસા માટે બોક્સિંગ કરતો રહ્યો. તેની કથાઓ જેટલી રહસ્યમય હતી, મોત પણ એટલું જ રહસ્યમય રહ્યું.

અન્ય સમાચારો પણ છે...