રણ-મેરામણને કાંઠેથી:ભૂકંપ: પ્રગટી પ્રેમની સરવાણી

11 દિવસ પહેલાલેખક: નિરુપમ છાયા
  • કૉપી લિંક
  • પ્રજાના હકારાત્મક અભિગમને પગલે જ નવસર્જનમાં લોકભાગીદારી શક્ય બની

વર્ષોનાં વહાણાં વહી ગયા પછી વિસરાય જ નહીં એવી ઘટનાનો દિવસ ફરી આવે ત્યારે એની સ્મૃતિઓ ઘેરી બને. કચ્છ માટે એવી જ, ભૂકંપની ઘટનાનો દિવસ ૨૬મી જાન્યુઆરી આવતીકાલે છે ત્યારે ફરીને સ્મૃતિમાં સળવળે.. પણ ના, આજે એની વિદારક સ્મૃતિઓને તાજી કરવાને બદલે કચ્છનો પરિચય સહજ પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો હોય એવાં કેટલાંક લોકોની લાગણીઓ જાણીશું, સમજીશું. એ લાગણીઓમાં કરુણા કે દયાનો નહીં, પણ એક આત્મીયતાનો અનુભવ થાય છે. કચ્છમાં અગાઉ કામ કરી ગયેલા અને ધરતીકંપના સંદર્ભે કોઈને કોઈ વિશિષ્ટ મહત્ત્વની કામગીરી કરી એવા અધિકારી પણ છે અને ભૂકંપની ઘટનાનાં સર્વ પાસાં વિશ્વ સુધી પહોંચાડનાર સમૂહ માધ્યમોના વરિષ્ઠજનો પણ છે.

૧૯૮૬માં જીલ્લા કલેક્ટર તરીકે કચ્છમાં રહેલા મહેશ્વર શાહુ દુકાળનાં વર્ષો દરમિયાન કચ્છને ખૂણે ખૂણે ફરી વળ્યા હતા. બન્નીની મુલાકાત પછી તેમણે નબળાં ઢોરોનાં સ્થળાંતરનું આયોજન કર્યું. તેઓ કહે છે, ‘તરંગી કે અણગમતા લાગતા તંત્રના આ નિર્ણયમાં વિશ્વાસ મૂકીને લોકોએ તેને સફળ બનાવ્યો. (દુકાળના) આવા સમયમાં પણ ગામડાંની મુલાકાતે જતો ત્યારે કચ્છીઓ જે મહેમાનગતિ કરતા તેનું વર્ણન થઇ શકે તેમ નથી.’ કચ્છથી પરિચિત આ અધિકારીને ભૂકંપના બીજા જ અઠવાડિયે નવસર્જન માટે રચાયેલ સત્તામંડળના વહીવટી વડા તરીકે જવાબદારી સોંપાઈ. કચ્છ માટે તો કુદરતના અભિશાપ પછી જાણે વિકાસના અવસરની બારી ખૂલી.

તેઓ લખે છે, ‘અમે અધિકારીઓ જ નહીં, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે પણ સાથે મળીને વૈશ્વિક નાણાં સંસ્થાઓ સમક્ષ રજૂઆત કરી કે પરિસ્થિતિનાં નવસર્જન જોડે નવી સગવડો અને નવી તકો ઊભી કરીને સમગ્ર વિકાસ હાંસલ કરવો જોઈએ જેથી અસરગ્રસ્ત પ્રજા પોતાનાં દુઃખ અને વેદના ભૂલી જાય અને એ વિસ્તાર સમગ્ર રાજ્યના વિકાસનું ચાલકબળ બને.’ આ દૃષ્ટિએ ઔદ્યોગિક વિકાસ, વ્યાપાર ધંધા, કૃષિ વગેરે દ્વારા અર્થતંત્રને વેગ આપી, લોકોને જીવનધોરણ ઊંચું લાવવા નીતિઓ ઘડી. તો બીજી બાજુ પુનર્વસનની ટેક્નોલોજી, મોકળાશ માટે ટાઉન પ્લાનિંગ, માર્ગો, પાણી પુરવઠા, શિક્ષણ, વગેરે અનેક દૃષ્ટિએ યોજનાઓને સાકાર કરી. તેમના શબ્દો છે, ‘પ્રજાના હકારાત્મક અભિગમને પગલે જ નવસર્જનમાં લોકભાગીદારી શક્ય બની હતી.’

નવસારી જીલ્લામાં નાયબ કલેક્ટર તરીકે કાર્યરત, સાહિત્યના અભ્યાસુ અને જાણીતા સર્જક કિરીટ દૂધાત સંવેદનશીલ હોવાથી આ આપદા વિષે જાણીને સ્વને રોકી ન શક્યા. પોતાને કચ્છમાં નિમણૂક આપવા અધિકારીને વિનંતી કરી. જોકે, તે સમયે નહીં, પણ એક વર્ષ બાદ ભચાઉમાં અધિક કલેક્ટર તરીકે તેમને જવાબદારી સોંપાઈ. હંગામી આવાસમાં અન્ય અધિકારીઓ પણ નજીક નજીક રહેતા. અન્ય કર્મચારીઓ પણ હંગામી ઓફિસમાં જ રહેતા એટલે મોડી રાત સુધી કામ કરવાની સુગમતા રહેતી. પ્રથમ ગામતળની મુલાકાત પછી સંવેદનશીલ હૃદયનો પ્રતિભાવ હતો, ‘એ ગામતળ હતું, પણ ત્યાં ગામ નહોતું.’ પુનર્વસનનાં દરેક પગલે હકારાત્મક અભિગમ દાખવી પ્રભાવી કાર્ય કરનાર દૂધાત સાહેબ લાખો કુટુંબો ખરાબ દશામાં રાહત છાવણીમાં દોઢ-બે વર્ષ રહ્યા અને માન્યામાં ન આવે તેટલી ઝડપે ઊભાં થઇ ગયાં એ અભૂતપૂર્વ ઘટના નોંધી લખે છે, ‘આ પ્રકૃતિ સામે બાથ ભીડી સદીઓથી ટકી રહેલી આ પ્રજાએ ૨૦૦૧ના ધરતીકંપ પછી હતી તેનાથી પણ બળૂકી થઈને બહાર આવવા જે ભીષણ પુરુષાર્થ આદર્યો તેના ત્રણ-ચાર વરસ રોજેરોજ સાક્ષી થવાનું સદ્્ભાગ્ય મળ્યું એ મારા જીવનની મોટી ઉપલબ્ધિ છે.’

હૃદયમાં તિરાડ સર્જતી ૨૬/૧ની ઘટના પછી તરત જ સમૂહ માધ્યમોના પ્રતિનિધિઓ પોતાનાં ઉપકરણોના થેલા સાથે ભુજ પહોંચેલા એવું સ્મરણમાં છે. વિખ્યાત દૃશ્ય સમૂહ માધ્યમકર્મી દિબાંગનો પરિચય તો સહુને હોય. કચ્છમાં અઠવાડિયાંઓ વિતાવી કેમેરાનાં માધ્યમથી પ્રાકૃતિક આપદાની વેદના વચ્ચે માનવીય તારને સજાવતી વાતો ટેલિવિઝનના પડદે ઉતારી. પણ વિશેષ તો દર્દના છેવાડે જીવન જીવવાની અસીમ ઝંખનાને તેમણે હૃદયમાં ઝીલતાં લખ્યું, ‘મારી ભીતર ઊંડા ખૂંચેલા ભુજ અને કચ્છની ભૂગોળને સપાટી પર લાવવામાં સમય લાગે છે. અલબત્ત સમયનો આ ભાગ જ મને જિંદગીના નવા વિમર્શોની વચ્ચે લઈ જાય છે. પણ અહીં સવાલે મારા હોય છે અને જવાબેય મારા..’ ખંડેર બનેલા ભુજમાં તૂટેલાં અને વેરવિખેર મકાનોની બહાર ચોક કે શાહીથી પોતે ક્યાં મળશે એવા લખાયેલા સંદેશાઓ, બિદડામાં સર્વોદય હોસ્પિટલમાં પથરાયેલી પાંચસો પથારી સાથે પ્રસરતી અજાણ સંબંધોની સુગંધ, વિભિષિકા વચ્ચે હાસ્યની પળો શોધતા લોકો વગેરેને તેમણે કંપતે હાથે અભિવ્યક્ત કર્યાં. મશીન યુગમાં પણ હાથેથી હથોડા ઠોકી બેજોડ જહાજ તૈયાર થતાં એ માંડવીમાં એક મહિલાના ચહેરા પર એક વર્ષ પછી પણ વંચાતો ભૂકંપનો ભય પણ તેમાં ઉમેરાય છે અને કહે છે, ‘...કદાચ દેશના આ ભાગને મુશ્કેલ સંજોગોએ દર્દ સાથે જીવવાની આદત પાડી દીધી હશે.’

એવા જ સમૂહમાધ્યમકર્મી ધીમંત પુરોહિત તો ૧૯૯૮ના વિનાશક વાવાઝોડાં અને ભૂકંપની વિભીષિકા એ બંનેના સાક્ષી બન્યા પછી લખ્યું, ‘એક પછી એક મુલાકાત બાદ અમારો સંબંધ પત્રકાર અને એના સમાચાર માત્રનો ન રહેતા ધીરે ધીરે અંતરંગ બનતો બનતો પારિવારિક સ્વજન જેવો બની ગયો.’ કચ્છની આગવી સંસ્કૃતિના ઉઘડતા કેલિડોસ્કોપ અને વિશ્વમાં ક્યાંય ન જોવા મળતી વેરાઈટી કચ્છમાં જોવા મળે છે એની વાત પણ તેઓ કરે છે. ‘ભૂકંપ પછી કચ્છની બદલાયેલી સ્કાયલાઈન’ પાછળ કચ્છની પ્રજાનાં ખુમારી અને ખમીરને મહત્ત્વનાં ગણાવે છે.

કચ્છને ‘બીજા ઘર સમું’ માનતા દૃશ્ય માધ્યમના સંવાદદાતા બ્રિજેશકુમાર સિંહના આ શબ્દોમાં કચ્છ માટે આત્મીયતા નીતરે છે, ‘કચ્છ મારા માટે સ્ટોરી એસાઈન્મેન્ટથી વધુ તો હું જેને પસંદ કરું છું..એવાં..પાસે જવાના પ્લેટફોર્મ તરીકે વધુ છે.’ બહારથી અહીં આવતા કે રહેતા લોકોને પણ કચ્છ અને કચ્છીયત ગમતીલાં બને એ કેટલું ગમે!

અન્ય સમાચારો પણ છે...