નિધીએ એક વડાપાઉં લીધું. બપોરે એણે ઓફિસમાં પંદર રૂપિયાવાળી ચા-નાસ્તાની કૂપન લેવાનું ટાળ્યું હતું, કેમ કે એ પંદર રૂપિયા બચાવીને એનાથી સાંજે વડાપાઉં ખાવા માંગતી હતી. એણે આ મહિને ઘરેથી ઓફિસ અને ઓફિસેથી ઘરે આઠ કિલોમીટર ચાલતા જઈને છસ્સો રૂપિયા પણ બચાવ્યા હતા. એનાથી આજે એ ઈયરબડ્સ ખરીદવાની હતી. સેકન્ડ હેન્ડ તો સેકન્ડ હેન્ડ. એના મનમાં એ વિચારીને ગલગલિયા થયા કે હવે એ પણ રોજ રાત્રે જમ્યા પછી ઝૂંપડપટ્ટીમાં આવેલા એના ઘરના ઓટલે બેસીને કાનમાં ઈયરબડ્સ ખોસીને રોફથી મોબાઇલ વાપરી શકશે. એ ઈયરબડ્સના વિચારોમાં જ ડૂબેલી હતી કે એક નાનકડી, ગરીબ, ગંદી-ગોબરી દેખાતી છોકરીએ એની પાસે આવીને ભીખ માંગવા હાથ લંબાવ્યો. એની અવદશા જોઈને નિધીનું હૃદય દ્રવી ઊઠ્યું અને એણે પોતાનું વડાપાઉં એ છોકરીને આપી દીધો. ચાર-પાંચ દિવસથી એ વડાપાઉં ખાવા માંગતી હતી. આજે તક મળી તો એ વડાપાઉં પણ એનાથી પેલી છોકરીને અપાઈ ગયું. એની સાથે મોટેભાગે આવું જ બનતું. એ પોતે ગરીબ હતી. તો પણ કોઈ દુ:ખી વ્યક્તિને જુએ કે તરત જ એનાથી મદદ થઈ જતી. એ ફિક્કું હસી અને સેકન્ડ હેન્ડ ઈયરબડ્સ ખરીદવા માટે એક દુકાનમાં ગઈ. ત્યાં જઈને એણે છસ્સો રૂપિયામાં સેકન્ડ હેન્ડ ઈયરબડ્સ ખરીદ્યા. દુકાનદારે એને બે વાર ચેક કરી લેવાનું કહ્યું અને સાથે સાથે એવી સૂચના પણ આપી કે એક અઠવાડિયા સુધી જો એ ઈયરબડ્સમાં કોઈ ફોલ્ટ આવે તો એ પરત થઈ શકશે, પણ એક અઠવાડિયા પછી એ દુકાનદારની કોઈ જવાબદારી રહેશે નહીં.
પછી તો લગભગ વીસેક દિવસ સુધી એ ઈયરબડ્સ સરસ રીતે ચાલ્યા. એ દરમિયાન જ્યારે એ ઓફિસેથી છૂટીને નીકળે અને ગીતો સાંભળવા માટે ઈયરબડ્સ લગાવે ત્યારે થોડી વાર સુધી એમાંથી ફૂસફૂસ જેવો અવાજ આવતો હતો, જે પાંચ-સાત મિનિટ પછી બંધ થઈ જતો હતો. એ અવાજ સંભળાય ત્યારે નિધીને એવું લાગતું હતું કે જાણે કોઈ છોકરી એને કંઈક કહેવાની કોશિશ કરી રહી હોય. એ ત્રીજા જ દિવસે દુકાનદાર પાસે ગઈ, પણ કમનસીબે એ સમયે એવો અવાજ જ ન આવ્યો અને એ ભોંઠી પડી. વીસમે દિવસે વધુ કમનસીબીભરી ઘટના ઘટી. ઈયરબડ્સ બગડી ગયા. એ નિરાશ થઈ ગઈ. એ દિવસે ઓફિસમાં એનું મન કામમાં ચોંટ્યું જ નહીં. એ વારે વારે બગડેલા ઈયરબડ્સ ચેક કરતી હતી. સાંજે છૂટીને ઘરે જતી વખતે એણે ગુસ્સાથી ઈયરબડ્સ નાખી દેવા માટે પર્સમાંથી કાઢ્યા, પણ એને થયું કે છેલ્લી વાર ચેક કરી લઉં. એણે ઈયરબડ્સ ચેક કરવા માટે કાનમાં ખોસ્યા કે તરત જ એમાંથી કોઈ છોકરીનો અવાજ આવ્યો, ‘પ્લીઝ હેલ્પ મી…’ એ સાંભળતા જ એણે ગભરાઈને ચીસ પાડીને ઈયરબડ્સ ફેંકી દીધા. બે-ચાર ક્ષણ સુધી બીકથી ધ્રૂજ્યા પછી પોતાને કોઈ ભ્રમ તો નથી થયો ને, એ ચકાસવા માટે એણે ઈયરબડ્સ ઊઠાવીને જેવા કાનમાં ખોસ્યા કે તરત જ છોકરીનો અવાજ સંભળાયો, ‘તમે ખૂબ જ દયાળુ છો. મને તમારી મદદની જરૂર છે. મારી વાત સાંભળ્યા પહેલાં ઈયરબડ્સ ફેંકી ના દેશો પ્લીઝ...પ્લીઝ...હેલ્પ મી…’ અવાજ સાંભળીને ફરી બીકથી નિધીએ ઈયરબડ્સ કાઢી નાખ્યા, પણ આ વખતે ફેંકી ના દીધા. એને થયું કે ઈયરબડ્સ ફેંકીને ભાગી છૂટવું જોઈએ, પણ એના દયાળુ સ્વભાવે એને એમ કરતા રોકી અને બીકથી ધ્રૂજતા હાથે એણે ફરી ઈયરબડ્સ કાનમાં ખોસ્યા. એમાંથી અવાજ આવ્યો, ‘હું કેટલાયે દિવસથી તમને કહેવાની કોશિશ કરું છું, પણ સંગીતના અવાજમાં મારો અવાજ દબાઈ જાય છે અને તમને ફૂસફૂસનો અવાજ આવે છે. આ ઈયરબડ્સ મારા છે અને એટલે જ આટલા એરીયામાં એ ઈયરબડ્સથી હું તમારી સાથે વાત કરી શકું છું.’
‘તમે કોણ છો?’ નિધીએ ફાટેલા સ્વરે સવાલ કર્યો, જેનો જવાબ ઈયરબડ્સમાંથી મળ્યો. ‘મારું નામ સંગીતા છે. અહીં સામે જે ગોડાઉન છે. એમાં એક ખોખામાં મારી કોહવાયેલી લાશ પડી છે. મારા પ્રેમીએ મને ત્યાં મારી નાખી હતી અને પછી ખોખામાં મારી લાશ મૂકીને મારું પર્સ, ઘરેણાં, મોબાઈલ અને આ ઈયરબડ્સ લઈને ભાગી ગયો. એ ઈયરબડ્સ એણે વેચી દીધા હશે, જે તમે ખરીદ્યા હશે. મારો આત્મા અહીં જ ભટકી રહ્યો છે. એટલે મારા ઈયરબડ્સથી હું તમારો સંપર્ક કરી શકી. તમે દિલના ચોખ્ખા છો. એટલે તમને મારો અવાજ સંભળાયો. પ્લીઝ...આ વાતની જાણ પોલીસને કરો. મને ન્યાય અપાવો, નહીંતર મારો આત્મા ભટક્યા કરશે. પ્લીઝ…’
* * *
નિધીએ પોલીસને બાતમી આપી એના પરથી સંગીતાની લાશ મળી અને એ ઈયરબડ્સ એણે જે દુકાનમાંથી ખરીદ્યા હતા, એના સીસીટીવી ફૂટેજ દ્વારા ખૂની પણ ઝડપાઈ ગયો. એ કેસનો ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર જાણતો હતો કે નિધીને ભૂતે પોતાની લાશ બતાવી એ વાતનો ઉલ્લેખ કરવાથી કોર્ટમાં નિધી પણ અટવાઈ શકે એમ હતી, કેમ કે ભૂતનું અસ્તિત્વ કોર્ટમાં સાબિત કરવું અશક્ય હતું. એટલે એમણે ગોડાઉનમાં સાફસફાઈ કરતી વખતે એ લાશ દેખાઈ એવો ઉલ્લેખ કરીને એ મુજબના સાક્ષીઓની વ્યવસ્થા કરી. એટલે નિધિને હેરાન ન થવું પડ્યું.
* * *
ઈન્સ્પેક્ટરે જ્યારે નિધીને એ ઈયરબડ્સ પાછા આપ્યા ત્યારે નિધીને બીક લાગતી હોવા છતાંયે એણે એ કાનમાં ખોસ્યા અને એમાંથી અવાજ આવ્યો,
‘થેન્ક યુ…’
* * *
એ વાતને આજે બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હવે નિધીના કુટુંબની આર્થિક હાલત ખૂબ જ સદ્ધર છે. હજી પણ નિધી ઈચ્છે કે ના ઈચ્છે પણ એનાથી જરૂરિયાતમંદોની મદદ થઈ જ
જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.