ઓફબીટ:હસવામાં નાટક... નાટકમાં હસવાનું...

અંકિત ત્રિવેદી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

16 મી સદીમાં લિયોંક્વેલો નામના લેખકે એક ઓપેરા લખ્યો હતો: જોકરો અને કોમેડિયનો...! આ સંગીતિકામાં મુખ્ય પાત્ર જોકર છે જે પોતાની છાતીમાં જ છરી મારીને આ ટ્રેજેડીની અંતિમ લીટી બોલે છે : એક દિવસ છાતીમાં છરો મારીને આપણી કોમેડી આપણે જ પૂરી કરવી પડે છે. જિંદગીમાં જીવવા જેવું કેટલું બધું આપણે જ છરો માર્યા વગર પૂરું કરી નાંખ્યું છે? જેનો અંત હજુ વાર છે. બે અંક ભજવાઈ શકે એટલી જિંદગી સ્ટેજ પર બચી છે અને ઓડિયન્સ જેવા સંબંધો હજુ એને વિસ્મયથી જોઈ શકવા જેવા આતુર છે. છતાંય, આપણે ભજવ્યા વગરના વેશ જેવા ગ્રીનરૂમમાં લટકી લટકીને જૂનાં થઇ જઈએ છીએ... આપણે હસવા જઈએ છીએ, પણ ખરેખર તો આપણે આંસુને પાછલા બારણેથી આંખોમાં આવવાનું ઈજન આપીએ છીએ. ખડખડાટ હસતા માણસની આંખોમાં ચમકદાર આંસુનાં મોતીની જ્યોતિ હશે...! જીવવામાં આપણે બધું જ બાજુ પર મૂકીને નિભાવવામાં ધ્યાન આપીએ છીએ. કોઈ ‘ના’ પાડે છે તો સ્વીકારી નથી શકતા અને કોઈને ‘ના’ પાડવા માટેનાં કારણોમાં ઘડિયાળને શરમાવીએ છીએ. અધકચરું આપણને વહાલું લાગે છે. તબિયતથી જીવવા માટે નિયતની જરૂર પડે છે. આપણને કોઈ શું કામ હેરાન કરી શકે? આપણે શા કારણે કોઈનાથી હેરાન થઈએ. બહુ બહુ તો કોઈ આપણને પ્રેમ કરી શકે! અને એના પ્રેમને વશ થવું કે નહીં એ આપણા હાથની વાત હોવી જોઈએ. હસવાનું નાટક આપણે રોજ કરીએ છીએ. ખબર ન પડે એમ પાંપણો મીંચાઈ જાય ત્યારે એ નાટક ઉપર ઊંધો પડદો પાડી દે છે. સવારે તરોતાજાં અજવાળું જાણબહાર હસવાનું નાટક ચાલુ કરે છે. આપણા હાથમાં નથી- એવું ઘણું બધું આપણને ડંખે છે. આપણા હાથમાં છે એવું ઘણું બધું માણવાનું બાકી રહી જાય છે. જિંદગી અને આવડત બે ફેફસાંમાંથી લીધેલા સરખા જ શ્વાસો છે. શોખ જિંદગીને એનેસ્થેસિયામાં રાખે છે. નિંદ્રા અને તંદ્રા વચ્ચેની સ્થિતિમાં શોખ કેળવે છે જાતને! માણસ જન્મે છે ત્યારે એના ખભા પર વંશ હોય છે. જિંદગીનાં કોરાં પાનાંઓ વિસ્મયના નામે બોલે છે. આશ્ચર્ય એ જ કોરાં પાનાં પર હાંસિયો પાડે છે અને રુંવાટી ફૂટવાની ક્ષણો અને મૂછો ઊગવાની ક્ષણો એકબીજા પર હાવી થઇ જાય છે. વૃત્તિ મૃત્યુ સુધી અણનમ ખેલાડીની જેમ આપણા શ્વાસની રમત છે. અરીસાએ આપણને બને ત્યાં સુધી જેવા છીએ એવા દેખાડવાનો પ્રયત્ન કર્યો. એ રસ્તાને જેની ઉપર આપણી સમજણ ભાંખોડિયા ભરતાં ભરતાં ક્યારે ‘પગભર’ બની ગઈ એની ખબર જ ન પડી! એ હાથ જે કોઈકની હૂંફનો સરવાળો કરવા માટે જન્મ્યા હતા, પણ માત્ર ચેકબુકની ‘સહી’ કરવામાં વ્યસ્ત રહ્યા! એ ટેરવાંઓનો સ્પર્શ ફૂલોને પણ ઝણઝણાવતો હતો, એ હવે મોબાઈલના સ્ક્રીન પર બહેરાશ અનુભવે છે. આત્માના ટફનગ્લાસનું નામ ‘શરીર’ છે. એને પણ સર્વિસ કરાવવી પડે છે. સાફ કરવાની જરૂરિયાત છે. અડકી અડકીને મેલાં થઈ ગયેલા મોબાઈલના સ્ક્રીન જેવી જિંદગી થોડાંક મોજ-શોખ માટે સ્વયંને પોતાને હવાલે કરવી જોઈએ. ફ્રેશ થવા માટે બહારગામ જવાની જરૂર નથી. આપણે જ્યાં છીએ એ જગ્યાને ‘જીવંત’ કરવાની જરૂર છે. તમને કેટલાંયે છેતર્યાં એનું લિસ્ટ ઊંઘમાં યાદ આવે તો તમારે બદલે ઓશીકું ઊંઘે છે અને તમારા પર કેટલાંયે કેટલો ઉપકાર કર્યો એ યાદ રાખીને એમને માટે તમે ઊંઘો છો ત્યારે તમારી સાથે આખું ઘર શાંતિથી ઊંઘે છે.⬛ ઓન ધ બીટ્સ ‘મેં સાંભળ્યું છે આપની દરિયાદિલી વિશે, ખારાશ એક વાર મળે તો ખબર પડે.’ -જવાહર બક્ષી ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...