તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સક્સેસ સ્ટોરી:વિશ્વભરમાં સ્વચ્છતાની મિસાલ કાયમ કરનારા ડો. બિન્દેશ્વર પાઠક

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડો. પાઠકે ખુલ્લામાં શૌચ, બીજા પાસે શૌચાલય સાફ કરાવવાનું અને પ્રદૂષણ જેવી તમામ સામાજિક બુરાઈઓ અટકાવવાનું જન આંદોલન ઊભું કર્યું

ખુલ્લી જગ્યામાં મળ-મૂત્ર દેશને ગંદો નહીં પણ અત્યંત શરમજનક સ્થિતમાં મૂકે છે. આ હકીકતને સૌથી પહેલાં ધ્યાનમાં રાખીને પોતાના સ્તરે એનું નિવારણ કરનારા પ્રથમ માણસ ડો. બિન્દેશ્વર પાઠક છે. ડો. બિન્દેશ્વર પાઠક વિશ્વવિખ્યાત ભારતીય સામાજિક કાર્યકર્તા અને ઉદ્યમી છે. તેમણે 1970માં ‘સુલભ ઈન્ટરનેશનલ’ની સ્થાપના કરી. આ એક એવું સામાજિક સંગઠન છે, જે ખાસ કરીને માનવ અધિકાર, પર્યાવરણ સ્વચ્છતા, ઊર્જાના પરંપરાગત સ્ત્રોત અને શિક્ષણ દ્વારા સામાજિક પરિવર્તન વગેરે ક્ષેત્રોમાં કાર્ય કરે છે. ડો. પાઠકે સુલભ શૌચાલયો દ્વારા દુર્ગંધ વિનાના બાયોગેસ પ્રયોગની શોધ કરી. આ સુલભ ટેક્નિકનો પ્રયોગ ભારત સહિત અનેક વિકાસશીલ રાષ્ટ્રોમાં થાય છે. ડો. બિન્દેશ્વર પાઠક એ હસ્તી છે, જેમની સ્વચ્છતાની વિચારધારાએ માત્ર ભારત જ નહીં, પણ આખી દુનિયામાં મિસાલ કાયમ કરી. લગભગ પાંચ દાયકા અગાઉ તેમણે શરૂ કરેલું અભિયાન વિશાળ આંદોલન બની ગયું. તેમણે ખુલ્લામાં શૌચ, બીજા પાસે શૌચાલય સાફ કરાવવાનું અને પ્રદૂષણ જેવી તમામ સામાજિક બુરાઈઓ અટકાવવાનું જન આંદોલન ઊભું કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. સમાજમાં સુધારો આવ્યો અને તેમની સંસ્થા સુલભ ઈન્ટરનેશનલે સ્વચ્છતાનું એક મોડલ બનાવ્યું જેણે સ્વચ્છતા ઉપરાંત રોજગાર અને આત્મનિર્ભરતા ક્ષેત્રે સફળતા મેળવી. ડો. બિન્દેશ્વર પાઠકનો જન્મ ભારતના બિહારમાં રામપુર ગામમાં થયો. 1964માં તેઓ સમાજશાસ્ત્રમાં સ્નાતક થયા. 1967માં બિહાર ગાંધી જન્મ શતાબ્દી સમારોહ સમિતિમાં પ્રચારક તરીકે તેમણે કાર્ય કર્યું. બિહારથી શરૂ થયેલું સુલભ શૌચાલય અભિયાન બંગાળ સુધી પહોંચ્યું. 1990 સુધીમાં તો માત્ર ભારત જ નહીં, વિદેશમાં આ અભિયાન જાણીતું બની ગયું. એ પછી તો સંસ્થાનું નામ ‘સુલભ ઈન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઈઝેશન’ થઈ ગયું. એ પછી તો સંયુક્ત રાષ્ટ્રસંઘની આર્થિક અને સામાજિક પરિષદ દ્વારા સુલભ ઈન્ટરનેશનલને વિશેષ સલાહકારનો દરજ્જો મળ્યો. સુલભ ઇન્ટરનેશનલ એક નોન- પ્રોફિટ એનજીઓ છે. ડો. પાઠકે એવી રણનીતિ અપનાવી કે શૌચાલયનો ઉપયોગ કરો, પણ એની સ્વચ્છતાની કિંમત ચૂકવો. આ ઓટો રન સિસ્ટમના પરિણામે જ દેશમાં આઠ હજાર કરતાં પણ વધારે સુલભ શૌચાલય છે. સેનિટેશન આઇકોન ડો. પાઠકને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવાર્ડથી બિરદાવવામાં આવ્યા છે. 1999માં ડો. પાઠકને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 2003માં વિશ્વના 500 ઉત્કૃષ્ટ સામાજિક કાર્ય કરનારા લોકોમાં ડો. પાઠકનો સમાવેશ થયો. આ ઉપરાંત ડો. પાઠકનું એનર્જી ગ્લોબલ પુરસ્કારથી પણ સન્માન કરવામાં આવ્યું. ઈન્દિરા ગાંધી પુરસ્કાર, સ્ટોકહોમ વોટર પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે. જે લોકો એમ માને છે કે કોઇ કામ ખોટું નથી પણ તેને કરવાની રીત સાચી કે ખોટી હોય છે, તેઓ જ આ ક્ષેત્રમાં સફળ થશે.⬛ prakashbiyani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...