તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારની બપોરે:શું કામ ખૂબસુરત ચહેરાને બગાડો છો?

7 દિવસ પહેલાલેખક: અશોક દવે
 • કૉપી લિંક
 • સિક્સર: કેમ આટલી ઘસી-ઘસીને સાબુના પાણીથી રિક્ષા ધુઓ છો? કોઈ મિનિસ્ટર રિક્ષામાં બેસવાના છે? ના, બેસીને ગયા છે!

ગયા જનમમાં કેટલાં પુણ્યો કર્યાં હશે કે, આ જનમમાં ઈવન, બીજાઓને પણ ગમે એવો ખૂબસુરત ચહેરો ઈશ્વરે આપણને આપ્યો છે. ઈશ્વરની કોઈ કસર બાકી રહી ન જાય, એટલા માટે રોજ સવારે શક્ય હોય એટલો ચહેરાને ઊટકી-માંજીને વધુ સુંદર બનાવીએ, ત્યારે વળી માંડ બે-ચાર લોકો જુએ છે. આમ તો શરીરના કોઈપણ ભાગ ઉપર કંઈક વાગે-બાગે, એ ન ચાલે, પણ વાગવાનું નસીબમાં લખ્યું જ હોય તો પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, શરીરના કોઈપણ ભાગ ઉપર ઘા મારવો હોય તો મારજે (જરા સાચવીને!) પણ મારા ચહેરાને હાથ નહીં લગાડતો. એના ઉપર નાનકડો ડાઘેય ના જોઈએ! અમારા જમાનાના બેહદ ખૂબસુરત હીરો શશી કપૂર, દેવ આનંદ કે શમ્મી કપૂરોએ ચહેરા ઉપર ક્યાંય ટેટૂ મુકાવ્યા નહોતાં-ઢીંચણ ઉપરે ય નહીં. ફાટેલા જીન્સ નહોતાં પહેર્યાં, દિલિપ કુમાર તો એના જથ્થાબંધ વાળથી રૂપકડો લાગતો, પણ એણેય લમણાં પરના વાળ છોલાવીને ઉપરના વાળ જ્વારા વાવ્યા હોય, એવા ઊંચા કરાવ્યા નહોતા. દેવ આનંદને વિશ્વમાં સૌથી વધુ લાડકો એનો ચહેરો લાગતો હોવાથી-આજે તો કોઈ માનશે નહીં, પણ નવી ઊગેલી દાઢી સહેજ પણ દેખાઈ ન જાય, એ માટે એ દિવસમાં ત્રણ-ત્રણ વખત દાઢી કરતો. એની કારમાં ડ્રાઈવર હોય કે ન હોય, રેઝર અને લોશન તો હોય જ! અને તોય, એ લોકો એટલા જ ચાર્મિંગ લાગતા હતા.

એક તો આપણે મૂળભૂત રીતે જ કાળા… સોરી, ઘેરા બદામી રંગના ને એમાંય સિલેટીયા કલરના ટેટાં મુકાવીએ, એટલે છીએ એના કરતાં વધુ સુંદર દેખાવાની તો વાત જ પતી ગઈ. કેમ ‌વધુ ને વધુ કાળિયા લાગીએ, એની ફિકરમાં બંને હાથ ટેટાં મુકાવીને ચીતરાવી મારીએ છીએ. પણ રામ જાણે, કોણે મનમાં ઘુસાડી દીધું છે કે, માથે લાંબા-લાંબા ઝફરીયા રાખીએ કે ડામર ચોંટ્યો હોય, એવી દાઢીઓ રાખીએ તો વધારે હેન્ડસમ લાગીશું! આ લોકોને કપાળ ઉપર તો દાઢી ઊગતી નથી, નહીં તો ત્યાંય ઉગાડે! આવા લોકોની બાય નહીં ખિજાતી હોય? આપણી ક્રિકેટટીમમાં દાઢીવાળા કેટલા છે? મનમાં કશુંક ઘૂસી ગયું છે કે, દાઢી રાખવાથી ‘માચો’ લગાય છે, એટલેકે પૌરૂષાતનથી ભરપૂર! કહે છે કે, અસ્તવ્યસ્ત દાઢી રાખવાથી બેટ્સમેન પચ્ચા રન તો ઊભા-ઊભા મારી શકે છે ને દાઢીવાળા બોલર સામે ભલભલો બેટ્સમેન દસ-બાર રનમાં ચાલતીનો થઈ જાય છે! દાઢા રાખવાથી પચ્ચા રન વધારે થતા હોય કે ઈનિંગ્સમાં 6-7 વિકેટો લઈ આવતો હોય તો જયઅંબે… ભ’ઈ, તું તારી આગળ બે જણાએ ઊંચકીને ચાલવું પડે, એટલી દાઢી રાખ, પણ આ તું જે તારા અધરવાઈઝ, સુંદર ચહેરાને કુરૂપ કરીને અમને બતાવી રહ્યો છે, એ જરી વધારે પડતું છે. તારા લાંબા ઝફરીયા કે ગાલે ભીની ચા ચોંટાડેલી હોય એવી ભરચક દાઢી તારે નહીં, અમારે જોવી પડે છે. દૃશ્યો અમારાં ખરાબ થાય છે.

ચેન્જ કેવો આવ્યો છે કે, મુલાયમ ચહેરામાં હવે હેન્ડસમ નથી દેખાવાતું. એને માટે ચહેરો જરા કડક, બદમાશીભર્યો અને બેફિકરો જોઈએ. હવે લિસ્સા ચોકલેટ ફેસવાળા જમાના ગયા! અંગ્રેજીમાં rugged handsome (ઉચ્ચાર ‘રગેડ’) કહેવાય, એટલે કે ઘણાં વર્ષો પહેલાં વેસ્ટર્ન (જેને અમારી પ્રજા ‘કાઉબોય-ફિલ્મો’ કહેતી!) ફિલ્મોમાં ક્લિન્ટ ઈસ્ટવૂડ, ટેરેન્સ હિલ, બડ સ્પેન્સર કે ખતરનાક ખલનાયક લી વેન ક્લિફ મોઢે આવી કચરા ચોંટેલી દાઢીઓ રાખતા. ખાસ તો, બદમાશ લાગવા/દેખાવા માટે આવા ફિતૂરો કરવા પડતા. અમારી પાસે અમદાવાદમાં ઘોડા તો ક્યાંથી લાવવા. અમે અમારા કોઈ વાંક વગર બદમાશ લાગતા. સાઈકલ પર બેસીને ક્લિન્ટ ઈસ્ટવૂડ જેવા દેખાવાના ધખારા થતા. પ્રોબ્લેમ એટલો કે, દાઢી ઊગતી નહોતી. ગાલ ઉપર સૂકી ચાના ચાર-પાંચ દાણા વેરાયા હોય, એટલી જ ઊગતી, પણ એ લોકોના તો ચહેરા જ મૂળથી દેખાવડા હતા ને બદમાશ દેખાવા માટે દાઢા-બાઢા વધારતા, જ્યારે અમે લોકો મૂળથી જ રણછોડભ’ઈ મફાભાઈ પટેલના ચહેરાવાળાને એય દાઢા વધારીને ‘મરદ’ દેખાવા જઈએ, એમાં જોનારા બહુ-બહુ તો અમને ટાયર-પંક્ચરવાળા સમજીને ‘જા અલ્યા… નંદુના ગલ્લે બે ચા કહી આય તો!’ કહીને કચરો કરી નાંખતા. ખાડિયામાં અમે એકબીજાને ગુરુ, શેઠ, બોસ, માલિક, દાદુ (કે પાર્ટી બહુ ગમતી ન હોય તો, ‘ભીડ’ કહીને બોલાવીએ. ‘એને આઘો રાખજો… બહુ મોટી ભીડ છે!) કે નોટ કહીને બોલાવવાના. ફોઈએ પાડેલા નામથી તો જવાહરલાલ નહેરુય નહોતા બોલાવતા, પણ લટકતા નાડાંવાળા લેંઘો પહેરીને પોળને નાકે ઊભા રહેનારનેય કહેવાનો ‘બોસ’ જ! ‘બોસ, જાઓ જરા બે અડધી લઈ આવો ને!’

આજના છોકરાઓય જાણે એમની પોતાની નકલ કરતા હોય, એવું લાગે છે. ઈશ્વરે જે કંઈ ચહેરો આપ્યો હોય-જરૂરી નથી બધા ખૂબસુરત હોય! પણ બુદ્ધિની કમાલ જોઈ લો, સાહેબ… એમના ઊટપટાંગ વાળ જુઓ. પરમાત્માએ મર્દમાં જન્મ આપ્યો છે, અને સામે ચાલીને સ્ત્રૈણ્ય બનાવવા માટે જોનારને ચીતરી ચઢે એવી અંબોડી વાળશે, પોની લટકાવશે અથવા તો કોઈ મંદિરની પછવાડે ચલમ લઈને પડ્યા રહેતા બાવા જેવી મેલીઘેલી જટાઓ રાખશે. કોમિક તો ત્યાં લાગે કે, ઉપર ટેરેસના ભાગમાં જથ્થાબંધ વાળ રાખવાના અને બંને લમણાં છોલાઈ નાંખ્યા પછી એના ઉપર છોલેલા લિસોટા પડાવવાના! તારી ભલી થાય ચમના… હજી સુધી આંખો ઉપરની બંને ભ્રમરો કેમ છોલાઈ નથી?

આવી જટાઓ ઉપર નામ પૂરતી કાતર ફેરવવા કટિંગ સલૂનો નહીં, હેર કટિગ ‘સ્ટુડિયો’ થયા છે… ચાર્જ રૂ. 800થી રૂ. 1000. પપ્પાના પૈસે જાહોજલાલી ભોગવવાની હોવાથી આવા હજાર રૂપિયા ચૌદ-પદર વાળ સેટ કરાવવાના આપ્યા પછી યારદોસ્તોમાં એકબીજાના જીવો બળાવવાની મૌસમ શૂ થાય, ‘ઓહ, ડોન્ટ ટોક રબિશ, યાર… આટલા સસ્તામાં હેરસ્ટાઈ કરાવવા જાઓ તો પછી આવા જ કપાય ને!’ હમણાં વળી બીજો લોચો વાગ્યો છે- છોકરીઓના ફાટેલા જીન્સ માટે! નવાઈ તો લાગી શકે કે, વૈભવ બતાવવા માટે હજારોની કિંમતનો ડિઝાઈનર્સ ડ્રેસ છોકરીને બેશક વધારે આકર્ષક બનાવે છે. આખું કે ચડ્ડીના માપનું જીન્સ પણ કોઈ બૂરી બાત નહીં હૈ. બરોબર ઢીંચણ પાસે અને એનાથી નીચે જીન્સના ચીંથરા ઊડી ગયા હોય. જોનારની માને ઘણી ખમ્મા, પણ હવે છોકરીઓ જાંઘ ઉપરેય ફાટેલા કાપા મુકાવીને વધુ ને વધુ ‘સેક્સી’ દેખાવાના પ્રયત્ન કરે છે. એમાં પ્રચંડ આશાઓ લઈને બેઠેલા તોફાની જુવાનીયાઓને શ્રદ્ધા બેસે છે કે આજે વાત આટલે ઊંચે ગઈ છે તો…! મારે માથે તો ગણીને 345 વાળ છે. હું ઈચ્છું તોય લાંબા રાખી શકુ એમ નથી. સલૂનવાળો 40 સેકન્ડમાં તો સફાચટ કરી આપે છે અને સિક્સર મારે છે, ‘સાહેબ, માથે બહુ ભાર નથી લાગતો? બધું કઢાઈ નાંખો ને!’ ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો