તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શબ્દના મલકમાં:સાહિત્ય આપણને શાણપણ શીખવે છે?

મણિલાલ હ. પટેલ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

કિતા આનંદ આપે છે એ તો ખરું, પરંતુ કવિતા-સાહિત્ય સમજણ પણ આપે છે. સમજણ આપણને શાણપણ (વિઝ્ડમ) સુધી દોરી જાય છે. એટલે કહી શકાય છે કે કવિતા જીવનને બદલી દે છે. આપણી ભાવનાઓ, લાગણીઓને વિશુદ્ધ બનાવવાનું કાર્ય પ્રત્યક્ષ કે પરોક્ષ રહીને કલાઓ કરતી આવી છે.../કરતી રહે છે. આપણે આપણા પ્રાણવંતા પૂર્વજ એવા મહત્ત્વના લેખકોને એટલા માટે વાંચતા રહીએ છીએ કે એમના સાહિત્યમાંથી આપણને જીવનબળ મળે છે. આનંદ-ઉલ્લાસ-ઉત્સાહ સાથે નૂતન ઊર્જા તથા સમજણ મળે છે. આપણે અહીં કવિ વીર નર્મદની વાત કરીને ઉપરોક્ત વાતને વધારે સમજીએ. આ એક જ એવો ગુજરાતી કવિ છે, જેના નામ આગળ ‘વીર’ એવું વિશેષણ લાગે છે. એવું તો કવિ નર્મદાશંકર લાભશંકર દવેએ શું કર્યું હશે? ઇ.સ. 1833થી 1886 જેટલું ટૂંકું જીવન જીવી જનાર આ નરબંકાએ - 1. નવજાગરણનું સાહિત્ય 2. સમાજ સુધારણા અને 3. અન્યાય સામેની લડાઇ આ ત્રણે બાબતો માટે જીવન દાવ પર લગાવીને ગુજરાતી પ્રજાને જગાડી ઊંચે મસ્તક રાખીને જીવવા પ્રેરી... જાતે દાખલો બેસાડવા વિધવા સાથે લગ્ન કર્યાં - ઘરમાં પત્ની હતી તોય! એ જમાનો અંધશ્રદ્ધાઓ અને કુરિવાજોથી દબાયેલો હતો. નર્મદે હાકલ કરી : ‘દાંડિયો’ નામના હસ્તલિખિત સામયિક વડે લોકોને લલકાર્યા! ‘યાહોમ’- કરીને પડો ફત્તેહ છે આગે!! આજે આપણો યુવાન તો ઘણીવાર માત્ર બાઘો થઇને જાહેરાત જોઇ રહે છે : ‘ડર કે આગે જીત હૈ...’ - નર્મદે તો આરંભે જ કહેલું કે : ‘હિંમત રાખીને કૂદી પડો! ફત્તેહ – જીત મળવાની જ છે.’ સુરતમાં ચાર રસ્તા ઉપર ઊભા રહીને એણે દાંડી પીટી! નર્મદની ઘણીબધી વાતો (કવિતા/લેખો/નિબંધો) આજે પણ આપણી નવી પેઢીને પ્રેરિત કરવા ટટ્ટાર ઊભી છે. સાંભળો : એ કહે છે :- ‘ઝટ ડહોળી નાખો રે મનજળ સ્થંભ થયેલું! ’ જે વિચારજળ મનમાં થંભી ગયું છે- એને ઊઠો! જલદી ડહોળી નાખો! બંધિયાર તો સડી જશે. અર્થાત્ જૂના વિચારોમાં ડૂબેલા ન રહો. તમારા વિચારો તમારી લાગણીઓ લઇને જાહેરમાં આવો... કુરિવાજો ભગાડો! વિધવાને પુનર્વિવાહ કરવાં દો, ન્યાતમાં સ્ત્રીઓને ચોળી પહેરીને આવવા દો. એમને ભણાવો, બાળ વિવાહ અટકાવો! ખોટા ન્યાતવરા ને દેખાડા-દંભ બંધ કરો!! નર્મદ કવિતા વિશે નિબંધ લખે છે. નર્મદ આત્મકથા લખીને દાખલો બેસાડે છે. નર્મદ આપણને ‘લાગણી’ અને ‘દેશાભિમાન’ જેવા શબ્દો આપે છે. નવો શબ્દકોશ પ્રથમ વાર તૈયાર કરે છે. ઘરમાં ચણા ખાવાના ચાર જ આના હતા તે ય બચતા નથી... પણ આ નવજાગરણકાળનો નવો સૂર્ય છે... એ ઊગીને જ રહે છે. નર્મદ કહે છે : આવો : ભેગા મળો. વાતો કરો - વ્યાખ્યાનની કળા શીખો, નવો જમાનો આવ્યો છે. ઘરની બહાર નીકળો... મુંબઇ જાવ, વિલાયત જાવ! મહેનત કરો.... મજા કરો! નર્મદ કહે છે કે : ‘લોકોને બૈરી કરવાનું ગમે છે ને મને કવિતા કરવાનું, તો હું કવિતા જ કરીશ!’ નર્મદના પિતા લાભશંકર દવે ‘લહિયો’ હતા. વિધુર બાપને નર્મદ દોસ્તની જેમ સાચવતો. નર્મદે સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં પહેલ કરી. પોતાના સમાજ સામે બાથ ભીડી! સતત કાર્ય કરતો રહ્યો! છેવટે એક કાવ્યમાં - ‘અવસાન સંદેશ’માં પોતાની ખુમારી પ્રગટાવતા લખે છે : ‘નવ કરશો કોઇ શોક રસિકડા! નવ કરશો કોઇ શોક! યથાશક્તિ રસપાન કરાવ્યું: સેવા કીધી બનતી પ્રેમી અંશને રુદન આવશે! શઠ હરખાશે મનથી, સત્ય રસિક વીર ટેકીપણું-અરિ પણ ગાશે દિલથી!...’ ⬛ ⬛ ⬛ ‘કબીરવડ’ કાવ્યનો આ કવિ... આજેય કબીરવડની જેમ છવાયેલો છે... નર્મદ ભૂલવ્યો ભુલાય એમ નથી! ⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો