મનદુરસ્તી:‘ફ્લાવર સમજે ક્યા? ફાયર હૈ મૈં... મૈં ઝૂકેગા નહીં!’

ડૉ. પ્રશાંત ભીમાણી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર મોબાઇલ નંબર કે સોશિયલ મીડિયા પર બ્લોક કરવાની ટેવ પણ સંબંધોને બ્લોક કરવા તરફ લઇ જાય છે

‘ડોક્ટર, છેલ્લા ત્રણ મહિનાથી મારે માટે જીવવું અઘરું થઇ ગયું છે. મને થાય છે કે હું રિલેશનશિપમાં કેમ પડી! મને એમ કે પાવન મારી પાછળ પાગલ છે, પણ હવે સમજાય છે કે હું જ પાગલ હતી કે પાવનની પાછળ ક્રેઝી થઇ ગઇ. ડોક્ટર, પાવનનું નામ માત્ર પાવન છે પણ એનો કોઇ ઇન્ટેન્શન પવિત્ર નથી લાગતો. તે એટલું બધું ઝઘડે છે અને વાતે વાતે રિસાઇ જાય છે કે મને થાક લાગે છે. ગમે તેટલી એની ભૂલ હોય... એ વાત ક્લીયર પણ થાય પરંતુ ક્યારેય સોરી નહીં કહેવાનું. વળી, પાછો મને આજકાલ પેલા ‘પુષ્પા’ મૂવીના એક્ટર અલ્લુ અર્જુનની જેમ ડંફાશો મારે, ‘ફ્લાવર સમજે ક્યા? ફાયર હૈ મેં... મૈં ઝૂકેગા નહીં.’ આવું બોલે ત્યારે તો એટલી ભયંકર ચીડ ચડે કે મારી પાસે જે કોઇ વસ્તુ હોય એ એના મોં પર મારું. એમાં ને એમાં એક વાર મેં મોબાઇલ પણ પછાડ્યો હતો.’ આદ્યાએ પાવનની હાજરીમાં રડતાં રડતાં કહ્યું. વેલેન્ટાઇન્સનો મહિનો પ્રેમીઓના સંબંધોની સારવારનો મહિનો હોય એમ લાગે છે. અઢળક નવા પ્રેમસંબંધો બંધાઇ તો જાય છે પણ થોડો સમય જતા હાંફી જાય છે. જ્યારે નવાસવા મળવાનું થાય ત્યારે માત્ર અરસ-પરસ ઇમ્પ્રેશન જમાવવાની કોશિશો થયા કરે છે. કેટલાંક રૂપથી ઈમ્પ્રેશન જમાવે છે તો કેટલાંક ગુણથી, કેટલાંક પૈસાથી તો કેટલાંક પ્રતિષ્ઠાથી. કેટલાંક બહાદુર બનીને તો કેટલાંક દયામણા થઇને. કેટલાંક બોલ્ડ બનીને તો કેટલાંક શરમાળ બનીને. ગમે તે થાય પણ બસ સામેના પાત્રને યેનકેન પ્રકારેણ જીતવાની જીદ ક્યારેક ‘પ્રેમ’ના નામે બદનામ થાય છે. પ્રેમસંબંધો આજકાલ બંધાય છે પણ જલદી અને તૂટે છે પણ જલદી. વ્યક્તિને ટૂંકમાં બધાંમાં ઇન્સ્ટન્ટ પરિણામ જોઇએ છે. પ્રેમભંગનુ સૌથી મોટું કારણ સંવાદનો અભાવ અથવા એ સંવાદને ખુલ્લા મને સમજવાની અશક્તિ હોય છે. જ્યારે પ્રેમી સાથે પોતાની જરૂરિયાતો અને ઇચ્છાઓ વિશે ખુલીને સન્માનપૂર્વક વાત કરવી એ વિશ્વાસપાત્ર સંબંધોની ઇમારતનું ખાત મુહૂર્ત છે અને એને મોકળાશથી સાંભળીને સ્વીકાર કરવો એ ભાવનું ભૂમિપૂજન છે. પ્રેમભંગનું સૌથી મોટું કારણ એ છે કે, એ મોહભંગ હોય છે, પ્રેમભંગ નહીં. સાચો પ્રેમ કાચી સમસ્યાઓથી તૂટે તેવો નિર્બળ નથી હોતો. કેટલાંક યુગલો પરસ્પરની ભૂલોને એટલા માટે યાદ રાખે છે કે તેનો ભવિષ્યમાં ઝઘડામાં હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય, પણ આવી ઘાતક યાદોનું ફળ મોટે ભાગે મીઠું નથી હોતું. એની કડવાશ સંબંધોમાં એવું ઝેર ઘોળે છે કે પછી આરોપ-પ્રત્યારોપની ‘શસ્ત્ર-રેસ’માં પડી જવાય છે. વારેવારે પોતાના વ્યક્તિને દુઃખ થાય તે રીતે ટોકતા રહેવું એ બદલો લેવાની ભાવનાનું જ એક સ્વરૂપ છે. આનો અર્થ બિલકુલ એવો નથી કે પાર્ટનર સાથે ‘સંતમય’ જીવન જ હોય. મતભેદો હોવા એ વ્યક્તિત્વના ભેદોનો આવિર્ભાવ છે. એ તો રહેશે જ, પણ એના ઉકેલ તરફ જવાના પ્રયાસો અનિવાર્ય છે. ઘણી વાર જાણે-અજાણે પોતાની વ્યક્તિની જાહેરમાં પોતાનાથી મજાક થઇ જતી હોય છે. આને બંને તરફથી હળવાશથી લેવાય તો વાંધો નહીં. પરંતુ એ જોવું જરૂરી છે કે પોતાની વ્યક્તિનું જાહેરમાં સન્માન જળવાય. વારંવાર મોબાઇલ નંબર કે સોશિયલ મીડિયા પર બ્લોક કરવાની ટેવ પણ સંબંધોને બ્લોક કરવા તરફ લઇ જાય છે. બ્લોક-અનબ્લોક ખરેખર માનસિક હોય છે, ડિજિટલ નહીં. આ બધી બાબતોમાંથી એટલું તો નક્કી થાય છે કે પ્રેમમાં ઝૂકવું એટલે નમવું નહીં, પણ સજોડે ઉપર આવવું. અહંકાર અને પ્રેમને આડવેર છે. આદ્યા અને પાવનનું રિલેશનશિપ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. હવે બંને તરફ લાગણીનાં પોઝિટિવ પુષ્પોની આપ-લે શરૂ થઇ ગઇ છે. વિનિંગ સ્ટ્રોક : ‘હું’-પણું એ ‘અમે’-પણાંનો સૌથી મોટો શત્રુ છે, ખાસ કરીને પ્રેમની બાબતે...⬛ drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...