જાણવું જરૂરી છે:ડાયાબિટીસથી જાતીય જીવન બગડે?

ડૉ. પારસ શાહ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમસ્યા : મારી ઉંમર ઓગણચાલીસ વર્ષની છે. મારી જાતીય જિંદગી ખૂબ જ સારી કહી શકાય તેમ છે. પરંતુ મને છેલ્લા એક મહિનાથી ડાયાબિટીસનું નિદાન થયેલ છે. મને ખબર છે ડાયાબિટીસના દર્દીઓને નપુંસકતા આવતી હોય છે. મારે માત્ર એ જાણવું છે કે મારું જાતીય જીવન ના બગડે એ માટે શી કાળજી લેવી જોઇએ? ઉકેલ : ઇન્દ્રિયમાં નપુંસકતા આવવા માટે ડાયાબિટીસ એક ખૂબ જ મોટું કારણ છે. ડાયાબિટીસ નહીં ધરાવનાર પુરુષોની સરખામણીએ જોઇએ તો ડાયાબિટીસ ધરાવનાર પુરુષોને નપુંસકતા આવવાની શક્યતા ત્રણ ગણી વધુ રહેલી છે. સેક્સમાં સમસ્યાનો અનુભવ માત્ર પુરુષોને જ થાય તે સત્ય નથી. ડાયાબિટીસને કારણે મહિલાઓના જાતીય જીવનમાં પણ તકલીફ ઉદ્્ભવી શકે છે. આનો મતલબ એ થયો કે ડાયાબિટીસને જો કાબૂમાં રાખવામાં આવે તો સેક્સમાં તકલીફ થવાની શક્યતા પચાસ ટકા કરતાં પણ ઓછી થઇ જાય છે. હવે ડાયાબિટીસને કાબૂમાં કેવી રીતે રાખવો? ડાયાબિટીસને કાબૂમાં રાખવો કોઇ અશક્ય વસ્તુ નથી. તેને મિત્ર તરીકે રાખવો કે દુશ્મનની જેમ રાખવો એ તમારા હાથમાં છે. સૌ પ્રથમ તો નિયમિત દવા લો. ખાવામાં ચરી પાળો અને નિયમિત એક પણ દિવસ પાડ્યા વગર દરરોજ પિસ્તાળીસ મિનિટ ચાલવાનું રાખો. જો આ ત્રણેય વસ્તુ નિયમિત કરશો તો ડાયાબિટીસ તમારા શરીરમાં મિત્રની જેમ રહેશે અને ત્રણમાંથી એક પણ વસ્તુની આળસ કરી તો તે તમારો દુશ્મન બનશે અને આખા શરીરને નુકસાન કરશે. આંખો, કિડની, લિવર, ઇન્દ્રિય જેવાં તમામ શરીરનાં અંગ ઉપર અનકન્ટ્રોલ ડાયાબિટીસના કારણે નુકસાન થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીઓનું જાતીય જીવન પહેલાં જેવું જ રહે તે માટે નીચે મુજબ કાળજી લેવી જોઇએ. * ડાયાબિટીસને કાબૂમાં રાખો. તેનાથી નપુંસકતા આવી જ જશે તે વાતનો ડર મનમાંથી દૂર કરી નાખો. * સેકસ-લાઇફને બીબાંઢાળ, રુટિન ન બનવા દેશો. યોગ્ય આહાર, વ્યાયામ ને ચાલવા ઉપર ધ્યાન આપો. * એકાદ-બે વાર જાતીય જીવનમાં ફેલ થાવ તો ચિંતા ના કરશો. જો ખરેખર પ્રોબ્લેમ ઊભો થાય તો સેક્સોલોજીસ્ટને મળવામાં સંકોચ ના રાખશો. * શિશ્નની ચોખ્ખાઇ મહત્ત્વની છે, કેમ કે ડાયાબિટીસમાં ચેપ ઝડપથી લાગી શકે છે. ડાયાબિટીસ અને હૃદયરોગ ધરાવનાર માટે હમણાં એક નવી દવા બજારમાં આવી છે. તેનું નામ છે. પી.ડી.ઇ-5 (PDE-5) છે. આ એક પાઉચમાં પાઉડર સ્વરૂપે આવે છે. તે સવારે ભૂખ્યા પેટે અડધો ગ્લાસ પાણીમાં એક પેકેટ નાખીને લેવાની હોય છે. આના કારણે ઇન્દ્રિયમાં, હૃદયમાં અને મગજમાં લોહી લાવતી નળીમાં બ્લોકેજ થતાં અટકે છે કે જેથી ભવિષ્યમાં નપુંસકતા આવવાની, બાયપાસ કરવાની શક્યતા ઓછી થઈ જાય છે. હૃદયમાં સ્ટેન્ટ મુકાવેલ અને ભૂતકાળમાં બાયપાસ ઓપરેશન કરાવેલી વ્યક્તિઓએ પણ દરરોજ લેવી જોઇએ કે જેથી ભવિષ્યમાં આમ ફરી થવાની શક્યતા ખૂબ જ ઓછી થાય છે. આ PDE-5 પેકેટ થોડાં મોંઘાં જરૂર છે, પણ ફાયદો ખૂબ જ છે. આની કોઇ જ આડઅસર નથી.⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...