અજવાળાનો ઓટોગ્રાફ:શું પ્રેમ સંબંધનું કોઈ ભવિષ્ય હોવું જરૂરી છે?

ડૉ. નિમિત્ત ઓઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કે રીતે આપણે ક્યાં સુધી મળ્યાં કરીશું? શું આપણે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ છીએ? આપણે લગ્ન માટે ક્યારે વિચારીશું? લિવ-ઈનમાં રહેશું? તો ફ્લેટ ક્યારે બુક કરાવીશું? હું તારા નામનું ટેટુ કરાવી લઉં? આપણે બેબી ક્યારે પ્લાન કરીશું? કોઈ પણ પ્રેમ સંબંધમાં, ભવિષ્યને લગતા આ પ્રશ્નોની યાદી અંતહીન છે. જે ક્ષણે ગમતી વ્યક્તિ આપણી નજીક આવવા લાગે છે, એ જ ક્ષણથી આપણે ભવિષ્યને પ્રશ્નો પૂછવા લાગીએ છીએ. આપણે હંમેશાં એક સ્ટેપ આગળ વિચારીએ છીએ. જેઓ પહેલીવાર મળ્યાં છે, તેઓ ડેટિંગ વિશે વિચારે છે. ડેટિંગ કરી રહેલાં, રિલેશનશિપ વિશે અને રિલેશનશિપમાં પ્રવેશેલાં, લગ્ન વિશે. પ્રેમના ‘એસ્કેલેટર’માં ધીમે ધીમે ઉપર જતાં હોઈએ, તેમ છતાં પણ આગલું પગથિયું ચડી જવાની ઉતાવળ શું કામ આવે છે? પ્રેમના જે પ્લેટફોર્મ પર આપણે મોજથી ઊભાં હોઈએ, ત્યાંથી દોડીને આગલા સ્ટેશન સુધીની ગાડી પકડી લેવાની જરૂર ક્યાંથી ઊભી થાય છે? પ્રેમની વર્તમાન ક્ષણમાં આપણી અંદર એવો તો કયો અજંપો અને અસ્થાયીપણું છે કે આપણને ભવિષ્યનું પ્લાનિંગ અને સલામતી જોઈએ છે. કોઈ જગ્યાએ નોકરી મળે, તો તરત જ આપણે બોસને નથી પૂછતાં કે પ્રમોશન ક્યારે મળશે? મમ્મી-પપ્પા કે ભાઈ-બહેનને તો આપણે ક્યારેય નથી પૂછતાં કે આપણા આ સંબંધનું ભવિષ્ય શું છે? જે મિત્રોમાં આપણે વર્ષોથી ઈમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યાં છીએ, એ મિત્રોને પણ ક્યારેય નથી પૂછ્યું કે આપણી મિત્રતાનું ભવિષ્ય શું? તો ફક્ત કોઈ પ્રેમ સંબંધનું જ ભવિષ્ય જાણવામાં આટલી બધી અધીરાઈ, બેચેની અને ઉદ્વેગ શું કામ? એનું મુખ્ય કારણ છે અસલામતી. ભવિષ્ય અંગેની અસલામતી અને અનિશ્ચિતતા આપણાં સુખદ વર્તમાનને ઓગાળતી રહે છે. પ્રેમનું ભવિષ્ય સિક્યોર કરવામાં, આપણે પ્રેમની વર્તમાન ક્ષણ ગુમાવી દઈએ છીએ અને હકીકત એ છે કે પ્રેમનું કોઈ ભવિષ્ય જ નથી હોતું. પ્રેમનું ફક્ત વર્તમાન હોય છે. એ પ્રેમ હોય કે પ્રિયજન, અવસ્થા હોય કે અનુભૂતિ, કશુંક ગમતું ગુમાવી દેવાનો ડર આપણને ભવિષ્ય નિશ્ચિત અને સલામત કરી લેવા માટે મજબૂર કરે છે. સુક્કા ભઠ્ઠ રણ જેવા જીવતરમાં, વરસાદના કોઈ ઝાપટાની જેમ આવી ચડેલા અને આપણને ભીંજવી રહેલા પ્રેમને આપણે ગુમાવવા નથી માંગતા. અને એટલે પ્રેમનું ભવિષ્ય જાણવા માંગીએ છીએ. તો આ સમસ્યાનો ઉપાય શું? ‘ક્લાઉડ નાઈન’ સુધીની આહલાદક મુસાફરી કરાવતા પ્રેમની, જો આવતીકાલ જ નિશ્ચિત ન હોય તો એ અજંપાભર્યા આનંદની વેલિડિટી કેટલી? આ સમસ્યાનો ઉપાય પ્રિય મહિલા ફિલોસોફર હાના એરન્ટના એક પુસ્તકમાં રહેલો છે. ‘Love and Saint Augustine’ નામના પુસ્તકમાં તેમણે લખ્યું છે કે ‘પ્રેમનો એકમાત્ર હેતુ, તમને નિર્ભય બનાવવાનો છે.’ વાસ્તવિકતા એ છે કે પ્રેમ અને ડર, એ બંનેમાંથી કોઈ એક ક્ષણે આપણે કોઈ એક જ લાગણી અનુભવી શકીએ છીએ. બંનેનો એકસાથે અનુભવ શક્ય નથી. માટે આ બેમાંથી આપણે કોઈ એક લાગણીની પસંદગી કરવાની છે. જો સંબંધના ભવિષ્ય અંગેનો ડર કે અસલામતી હશે, તો પ્રેમ નબળો પડતો જશે અને જો પ્રેમ મજબૂત હશે, તો નીડરતા આપોઆપ આવી જશે. હાનાએ લખ્યું છે, ‘જે સંબંધ સલામતી ઝંખે છે, એ પ્રેમમાં ખૂબ બધું ફ્રસ્ટ્રેશન હોવાનું, કારણ કે પ્રેમનો મૂળ સ્વભાવ જ અનિશ્ચિતતા છે. પ્રેમને ફક્ત વર્તમાન ક્ષણ સાથે નિસબત હોય છે. પ્રેમ ભવિષ્યની જવાબદારી નથી લેતો.’ અને માટે જ પ્રેમમાં રહેલાં દરેકનું લક્ષ્ય, સલામતીને બદલે નીડરતા હાંસિલ કરવાનું હોવું જોઈએ. ભવિષ્યમાં આવનારા અનિચ્છનીય વળાંકો, અણધાર્યા બનાવો કે દુર્ઘટનાની સામે નિર્ભયતા મેળવવાનું. અને એ તો જ શક્ય બનશે જો આપણું લક્ષ્ય પ્રેમ જાળવી રાખવાને બદલે, પ્રેમમાં ઓતપ્રોત થઈ જવાનું હશે. સાવ અલ્પ ક્ષણો માટે કરેલો પ્રેમ કેટલાકને સદીઓ જીવાડતો હોય છે, તો કેટલાંક લોકો પ્રેમની હાજરીમાં પણ ભયભીત થઈને નિશ્ચેતન અવસ્થામાં જીવતાં હોય છે. જેઓ પ્રેમના મૂળ ઉદ્દેશ્યને પામી જાય છે, તેઓ બેફિકર અને બિન્દાસ્ત બની જાય છે. બાકીના, પ્રેમનું ભવિષ્ય શોધતાં રહે છે. જો આ ક્ષણમાં રહેલો પ્રેમ ભરપૂર હશે, તો એ આવનારી ક્ષણમાં જે કંઈ પણ થાય એની પરવા નહીં કરે. AMC (એન્યુઅલ મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટ) તો પ્રોડક્ટનો હોય, પ્રેમનો નહીં. જે ક્ષણે આપણાં મનમાં કશુંક સાચવી કે જાળવી રાખવાની ઈચ્છા પ્રગટે છે, એ જ ક્ષણથી આપણે એને સમગ્રતાથી માણવાનું ચૂકી જઈએ છીએ. આગાહીઓ કે ભવિષ્યવાણી તો હવામાન વિભાગમાં કરવાની હોય, હેત વિભાગમાં નહીં. અહીં તો બધું જ અનિશ્ચિત અને અણધાર્યું હોય, એક વર્તમાન ક્ષણ સિવાય. અને પ્રેમ ફક્ત વર્તમાન ક્ષણમાં જ થઈ શકે છે. આવનારી ક્ષણમાં છૂટા પડી જવાની તૈયારી સાથે જેઓ વર્તમાન ક્ષણને જીવી જાણે છે, પ્રેમ ફક્ત તેઓ જ કરી શકે છે. જે હૃદયને સતત તૂટવાનો ડર હોય છે, એ ક્યારેય પોતાની પૂરી ક્ષમતાથી ધબકી નથી શકતું. દ્રુતગતિમાં ધબકવા છતાં પણ ગમ્મે તે ક્ષણે અટકી જવું, એ હૃદયની નિયતી છે અને પ્રેમની પણ. ધબકાર કે શણગાર, પ્રેમ કે પ્રાણ, અહીં કશું જ કાયમી નથી.⬛ vrushtiurology clinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...