અત્ર-તત્ર-સર્વત્ર:તમારે ફરી જોવું છે મહાભારતના કુરુક્ષેત્રનું મહાયુદ્ધ?

ભરત ઘેલાણી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની સ્પેસ એજન્સી ‘નાસા’એ અંતરિક્ષમાં લેટેસ્ટ ‘જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ’ લોન્ચ કર્યું. ‘અંતરિક્ષની આંખ’ ગણાતા આ દૂરબીન વિશે જાણો

જ્ઞાની પુરુષ બે પ્રકારના હોય. એક જ્ઞાની ‘તત્કાલ’ સેવા જેવા હોય છે. તક મળતાંની સાથે જ તમારા પર એ રીતસર એમના જ્ઞાનનું જબરું આક્રમણ કરે, જાણે યુદ્ધમાં થતું હોય એવું ‘કાર્પેટ બોમ્બિંગ.’ ન છટકી શકો-ન બચી શકો. બીજી તરફ, એક જ્ઞાની એવા પણ હોય છે, જે અમુક-તમુક વિષયમાં તમે પાંગળાં હોય ને એ ખુદ પારંગત હોય તો પણ તમને અણસાર સુદ્ધાં આવવા ન દે કે એ વિષયમાં તમે કેવાં કાચાં છો. આવા જ્ઞાનનો સોય સુદ્ધાંનો ભાર ન હોય એવી વ્યક્તિને તાજેતરમાં ફરી એક વાર મળવાનું થયું. જેમનું નામ વિશ્વભરમાં પંકાયેલું છે એવા મુંબઈના ‘નહેરુ પ્લેનેટેરિયમ’ના પૂર્વ વડા ખગોળ વિજ્ઞાની ડો. જે. જે. રાવલ આજે 79ની વર્ષની આયુએ પણ બ્રહ્માંડનાં અકળ રહસ્યોના તાગ મેળવવામાં સતત ઓતપ્રોત રહે છે. બ્રહ્માંડના આ અલગારી આદમીની ખગોળ જેવાં અટપટા શાસ્ત્રનું નવું નવું જાણવાની બાળસહજ જિજ્ઞાસા તમને અવાક કરી મૂકે. એમની ખાસિયત એ છે કે વિજ્ઞાનની વાતમાં પણ એ આપણી પૌરાણિક કથાઓના યથાર્થ સંબંધ શોધી આપે-જોડી આપે! તાજેતરમાં અમેરિકાની સ્પેસ એજન્સી ‘નાસા’એ અંતરિક્ષમાં લેટેસ્ટ ‘જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ’ લોન્ચ કર્યું. માનવી માટે ‘અંતરિક્ષની આંખ’ ગણાતા આ દૂરબીન વિશે વાત નીકળી તો રાવલસાહેબ કહે: ‘ચંદામામા આપણાં ઘરથી માંડ 3 લાખ, 84 હજાર કિલોમીટરના જ અંતરે છે, જ્યારે આ નવું ટેલિસ્કોપ ધરતીથી 10 લાખ કિલોમીટર દૂર ભ્રમણકક્ષામાં ગોઠવાઈને અનંત બ્રહ્માંડમાં તાકીને ઘણી બધી સાવ અજાણી માહિતી લઈને પૃથ્વી પર પહોંચતી કરશે.’ એ પછી જૂનાં ‘હબલ’ અને નવા ‘વેબ્સ’ ટેલિસ્કોપ વિશે જાતભાતની રસપ્રદ માહિતી આપતા એ કહે છે કે કોઈ આપણને કહે કે ટેલિસ્કોપ તો ભૂતકાળને જોઈ શકે છે, ત્યારે આપણને કૌતુક થાય. એક ઉદાહરણ લઈએ: દૂર દૂરનાં આકાશપિંડને જોઈએ ત્યારે હકીકતમાં આપણે એનો ભૂતકાળ જ જોઈએ છીએ, જેમકે સૂર્ય-પૃથ્વી વચ્ચે 15 કરોડ કિલોમીટરનું અંતર છે. સૂર્યના પ્રકાશની ગતિ એક સેકન્ડની 3 લાખ કિલોમીટરની છે એટલે એને પૃથ્વી પર પહોંચતા સવા આઠ મિનિટ લાગે, માટે આપણે સૂર્યને જોતાં હોઈએ ત્યારે આપણને એની સવા આઠ મિનિટ પહેલાંની સ્થિતિ જોવા મળે છે- નહીં કે તત્ક્ષણની! હવે આ જ થિયરી પર આગળ વધીએ તો આપણી સમક્ષ કુરુક્ષેત્રનું મહાયુદ્ધ પણ તાદૃશ્ય થઈ શકે. ધારી લો કે તમે પૃથ્વીથી પાંચ હજાર પ્રકાશ વર્ષના અંતરે આવેલા એક ગ્રહ પર વસો છો. તમારી પાસે એક એવું શક્તિશાળી દૂરબીન છે, જે પૃથ્વીનું નિકટ દર્શન કરી શકે છે. હવે તમે પેલું પાવરફુલ ટેલિસ્કોપ આજના પાટનગર દિલ્હીથી 170 કિલોમીટરના અંતરે આવેલા કુરુક્ષેત્ર વિસ્તાર પર ફેરવો તો પેલા ગ્રહ પરથી તમને પૃથ્વી પર પાંડવો-કૌરવો વચ્ચે ચાલી રહેલા મહાભારતના ધમસાણ યુદ્ધનાં દૃશ્યો જોવા મળશે. આવા ‘એક્શન રી-પ્લે’નું કારણ એ જ કે કુરુક્ષેત્રનું યુદ્ધ 5000 વર્ષ પૂર્વે થયેલું, તે વખતે ત્યાંથી નીકળેલો પ્રકાશ આ ઘટનાના સમાચાર તમે છો એ ગ્રહ પર હવે પહોંચાડે છે એટલે તમે એ યુદ્ધ આજે જુઓ છો! આમ, આ મહાભારતનો જંગ જે આપણે પૃથ્વીવાસીઓ માટે ભૂતકાળ છે તે જ ઘટના કોઈ માટે વર્તમાન તો કોઈ અત્યંત દૂરના ગ્રહ માટે ભવિષ્યમાં બનનારી ઘટના પણ બની શકે. જે રીતે આપણું વિશ્વ-અંતરિક્ષ વિસ્તરતું જાય છે તેમ કોઈ ઘટના ક્યારેય નાશ પામશે જ નહીં. ક્યાંંક ને ક્યાંક તો એ વર્તમાન તરીકે ધબકતી જ રહેશે અને એટલે માત્ર સાધુ-સંતો જ નહીં, ખગોળ વિજ્ઞાનીઓ પણ કહે છે કે આ બ્રહ્માંડ બડંુ માયાવી છે. જે દેખાય છે એ સાચું નથી હોતું, તેમ જે સાચું છે એ ઘણી વાર નજરે પણ ચઢતું નથી!⬛ bharatm135@gmail.com

અન્ય સમાચારો પણ છે...