પ્રત્યેક વાચકને પોતાના સૌથી પ્રિય લેખક વિશે કંઈક વિશેષ જાણવાની જિજ્ઞાસા હોય છે. અમારા પત્રકાર મિત્રે એક લેખકની નવલકથાનો થોડો અંશ સંભળાવ્યો હતો, જેમાં એનું મુખ્ય પાત્ર એટલે કે હીરો એક અફાટ રણમાં દોડી રહ્યો છે. એ હાંફતા-હાંફતા પણ જીવ બચાવવા દોડી રહ્યો છે, કારણ કે એની પાછળ વિકરાળ સિંહ પડ્યો છે. (પહેલું આશ્ચર્ય : વેરાન રણમાં સિંહ?!) આગળ હીરો ને પાછળ સિંહ. હીરો ફસડાઈ જવાની તૈયારીમાં છે ત્યાં એને એક વૃક્ષ દેખાય છે. (બીજું આશ્ચર્ય : રણમાં વૃક્ષ?!) અને હીરો જાનની બાજી લગાવીને સડસડાટ પેલા ઝાડ પર ચઢી જાય છે. ચાલો, માની લીધું કે એક રણ છે. ત્યાં સિંહ પહોંચી ગયો, પણ સુકા રણમાં વૃક્ષ? વેલ, તમારી એ ત્રણેય જિજ્ઞાસાનો જવાબ પેલા લેખક કઈંક આ રીતે આપે છે: ‘Yes, there has to be a tree…’ હા, ત્યાં વેરાન રણમાં સિંહ આવી પહોંચે તો મારી કથાના નાયકને ઊગારવા મારે વૃક્ષ ત્યાં લાવવું જ પડે ને?!’ જીવનમાં ન ધારેલી કટોકટી સર્જાય ત્યારે ન ધારેલા ઉપાય પણ મળી આવશે એવી આશા આપણને બધાંને હોય છે. આવી જ આશામાં મારો નાયક દોડતો રહે છે અને એને આશારૂપે-ઉપાયરૂપે રણમાં વૃક્ષ નજરે ચઢે છે. આવાં તો અનેક પ્રકારનાં રૂપક સર્જતાં કે અવનવી કલ્પના કરતા આ લેખક છે સ્ટીફન કિંગ. યુવાનીમાં ડ્રગના દૂષણમાં સપડાયેલા સ્ટીફન મરતાં-મરતાં માંડ બચ્યા પછી સારવાર દરમિયાન એમણે ટાઈમપાસ કરવા લખવાનું શરૂ કર્યું અને આજે વિશ્વના પ્રથમ પાંચ અતિ લોકપ્રિય અને અધધધ શ્રીમંત લેખકોની હરોળમાં એમની ગણના થાય છે. સ્ટીફન કિંગના અત્યાર સુધીમાં 78થી વધુ પુસ્તક પ્રગટ થયાં છે, જેમાં ભયકથા-ભૂતકથાઓ વિશેષ છે, કારણ કે ભૂત-પ્રેત તથા હોરર કથા પર સ્ટીફનની ગજબ પકડ છે. એમની પ્રથમ નોવેલ ‘કેરી’ પણ અલૌકિક શક્તિ ધરાવતી એક તરુણી વિશે હતી. એના પરથી બે સુપરહિટ ફિલ્મ બની. એમણે નાટકો લખ્યાં છે, ફિલ્મો લખી છે, કોમિક સ્ટ્રિપ્સ માટે લખ્યું છે. અરે, ઈન્ટરનેટ ઉપર સૌપ્રથમ હપ્તાવાર– ક્રમશ: નવલકથા લખનારા પણ સ્ટીફન કિંગ છે. લેખનમાં રસ ધરાવતા નવોદિતો માટે ‘કેવી રીતે લખવું?’ વિશે એ ઢગલાબંધ લખે છે. પ્રવચન આપે છે. આને લગતાં એમનાં પુસ્તક અને ટીવી ટોક-શો પણ બહુ લોકપ્રિય છે. આજે જેમનાં પુસ્તકોની 350 મિલિયન( 30 કરોડ 50 લાખ)થી વધુ પ્રત વેચાઈ ગઈ છે એવા હોરર માસ્ટર સ્ટીફન કિંગ ગજબની લોકપ્રિયતા સાથે 500 મિલિયન ડોલર (50 કરોડ ડોલર)ની નેટવર્થ ધરાવે છે. લેખન ઉપરાંત અનેક પ્રકારની પ્રવૃત્તિમાં સતત વ્યસ્ત હોવા છતાં આજે પણ 74 વર્ષીય સ્ટીફન કિંગ રોજ સવારે ચારેક કિલોમીટર ચાલવા જાય પછી લખવા બેસે. રોજિંદા સરેરાશ 1000 શબ્દ તો લખવા જ, એવો એમનો વર્ષો જૂનો નિયમ છે, જેમાં એ ભાગ્યે જ ગાબડું પાડે. સ્ટીફન અવારનવાર અવનવા તુક્કા કરતા રહે છે. એકવાર એમણે જાહેર આમંત્રણ આપ્યું કે વાચક પોતાની ખૂબી-ખામીનો પરિચય આપતી ટૂંક નોંધ મોકલે. એમાંથી મને જે પસંદ પડશે એ વાચકને એના જ નામ સાથે મારી આગામી નોવેલમાં પાત્ર તરીકે વણી લઈશ. એની આ ‘રેન્ટ અ કેરેક્ટર’ સ્કીમને એવો તો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો કે ડઘાઈ ગયેલા સ્ટીફ્ને હાથ જોડી- ‘સોરી’ કહી આ ‘ભાડેવાળાં પાત્ર’ની યોજના આટોપી લેવી પડી. ⬛ bharatm135@gmail.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.