કોરા કાગળ પર પેન ખૂલ્લી પડી છે અથવા લેપટોપની કોરીધાકોર સ્ક્રીનને તમે એકીટસે જોઈ રહ્યા છો. હવે શું લખવું એની અવઢવ છે. જોઈતો વિષય મળતો નથી. કોલમની ડેડલાઈન ઝડપથી નજીક ને નજીક સરકી રહી છે. તમે તાણ–ટેન્શન–સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. દૃશ્ય પલટાય છે : જૂનો મિત્ર મળે છે. મહામારી વખતે ફોન પર ‘સલામત છો ને?’ એવી અલપ-ઝલપ વાત થતી રહેતી. આજે કોવિડ કાળ પછી પહેલી વાર મળી રહ્યા છો. કોવિડ દરમિયાન કંપનીએ ખર્ચ ઓછા કરવાને નામે સ્ટાફની છટણી કરી એમાં એણે પણ જોબ ગુમાવી હતી. નાની-મોટી બચતથી જેમ તેમ બે વર્ષ ઘર ચલાવ્યું. નવી જોબ મળે ત્યારની વાત ત્યારે પણ એ પહેલાં દીકરીનાં લગ્ન લેવાનો અવસર માથા પર છે. મૂંઝાયેલા મિત્રની આ બધી વાત સાંભળીને તમે પણ ચિંતામાં પડ્યા. ‘મિત્ર આ બધું કઈ રીતે પાર પાડશે?’ એ વિચારે તમે પણ ત્રસ્ત થઈ ગયા. ટેન્શન તમારું પણ વધી ગયું. તબીબોની ભાષામાં આને ‘સેકન્ડ હેન્ડ સ્ટ્રેસ’ કહે છે. આપણને થાય : સ્ટ્રેસ એટલે સ્ટ્રેસ. એમાં ફર્સ્ટ અને સેકન્ડ શું? ના, એમાં ફરક છે. માનસિક દબાણ-તાણ તો આપણાં સૌનાં જીવનની એક રોજિંદી ઘટમાળ છે. આમાં મોટાભાગનાં ટેન્શન આપણે ખુદ ઊભાં કરેલાં હોય છે. આમ છતાં, જ્યારે બીજી કોઈ વ્યક્તિ એની વ્યથાની વાત કરે. એને દુ:ખે દુ:ખી થઈએ એવા સિનારિયો-પરિસ્થિતિને તમે ‘સેકન્ડ હેન્ડ સ્ટ્રેસ’ તરીકે ઓળખાવી શકો. આપણે રોજિંદી ભાષામાં આવા સ્ટ્રેસને સહજ રીતે ‘ટેન્શન’ તરીકે પણ ઓળખાવીએ છીએ. પહેલી નજરે બન્ને વચ્ચે ખાસ તફાવત જણાતો-દેખાતો નથી. હકીકતમાં છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ: તમારી કોલમની ડેડલાઈન માથે છે. એનો ભાર વર્તાવા લાગે એ તમારું ટેન્શન અને કોલમને અનુરુપ વિષય નથી મળતો એવી પરિસ્થિતિમાં તમે અટવાઈ ગયા છો. એ વખતે મન પર જે દબાણ આવે એ સ્ટ્રેસ. હવે આ જ પ્રકારની પરિસ્થિતિ બીજાની હોય અને એ તમારી સમક્ષ વર્ણવે પછી તમે પણ જે ભાવ અનુભવવા માંડો એ સેકન્ડ હેન્ડ સ્ટ્રેસ. આમ તો ‘ટેન્શન અને સ્ટ્રેસ એટલે શું?’ એ વિશે અનેકવિધ વ્યાખ્યા અને સમજ આપવામાં આવી છે. સ્ટ્રેસ (કે પછી ભલે એ સેકન્ડ હેન્ડ હોય) એટલે દ્વિધાભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા મથતી વ્યક્તિની મનોદશા. જ્યારે ટેન્શનની પરિભાષા આ એક વાક્યથી સમજાઈ શકાય : ‘બોસ તમારા કામથી ખુશ નથી. તમને પાણીચું આપવાની પેરવીમાં છે.’ એવી જાણ થાય પછી તમે ચિંતામાં પડી જાવ : ‘આવું થશે તો હું શું કરીશ?’ એવા બધા આગોતરા વિચારોથી તંગદિલી અનુભવવા માંડો એનું નામ ટેન્શન. આ પ્રકારના દબાણથી માથું-ડોક-પેટમાં દુખાવો જેવાં શારીરિક લક્ષણો પણ દેખાય. ટૂંકમાં ટેન્શન અંદરથી ઉદ્્ભવે, જ્યારે બહારનાં પરિબળ સ્ટ્રેસ ઉત્પન કરે છે. હવે સ્ટ્રેસ- ખાસ કરીને, સેકન્ડ હેન્ડ સ્ટ્રેસને કઈ રીતે નિવારી શકીએ? એ વિશે વિવિધ મનોચિકિત્સકોએ માર્ગદર્શનરૂપે સૂચવેલા ઉપાય અલપ-ઝલપ જોઈ જઈએ.. બગાસાં બડા ‘ચેપી’ હોય છે. એકને આવે પછી બાજુવાળાનેય આવે.. સેકન્ડ હેન્ડ સ્ટ્રેસનું પણ એવું છે. આવો ‘ચેપ’ ફેલાવનારને દૂર રાખો. પોતાનાં પ્રશ્ન લઈને આવનાર વ્યક્તિ ફ્રેન્ડ કે સ્વજન હોય તો એની તકલીફ જલદી દૂર થાય એવા તાત્કાલિક ઉપાય સૂચવીને એના દ્વારા તમને પહોંચતા સેકન્ડ હેન્ડ સ્ટ્રેસ અટકાવી દો. આમ છતાં એ વ્યક્તિ એની એ જ વાત અને એ જ રોદણાં રળવા વારંવાર આવીને તમને સેકન્ડ હેન્ડ સ્ટ્રેસનો શિકાર બનાવતી રહે તો એને સિફતથી ટાળો, ટાળતાં રહો. મનોચિકિત્સક જેને ‘ટોક્સિક નેગેટિવિટી ધરાવતા પર્સન’ તરીકે ઓળખાવે છે એવી આ વ્યક્તિ પર ભૂલથી પણ ગુસ્સે ન થતા કે ધુત્કારતા નહીં. એ તો એના પ્રશ્નોથી મૂંઝાયેલી છે. તમારો ગુસ્સો-તમારી ખીજ બૂમરેંગની જેમ તમારી પાસે જ પાછી આવશે ને તમારું જ સ્ટ્રેસ લેવલ વધારશે. ટૂંકમાં, ન છૂટકે આવી વ્યક્તિને ટાળવી રહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.