હવામાં ગોળીબાર:તમને ચૌદશિયા નડે છે?

મન્નુ શેખચલ્લી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવાં લોકોને બીજાના કામમાં ટાંગ અડાડવામાં અને બીજાઓના હિતેચ્છુ હોવાનો દેખાવ કરતાં કરતાં એમની જ પથારીઓ ફેરવવામાં ગજબનો આનંદ આવતો હોય છે

આજે ધનતેરસની ઉપર કાળી ચૌદશ છે. આનો શાસ્ત્રોના એંગલથી શું અર્થ થાય એની આપણને ખબર નથી, પણ જિંદગીમાં આપણે ચૌદશિયા ટાઈપનાં લોકોથી ક્યારેય બચી શકતાં નથી. આવાં લોકો નિશાળમાં સૌથી પહેલી બેન્ચ ઉપર બેસતા ચાંપલા સ્ટુડન્ટથી લઈને કોઈની સગાઈમાં ફાચર મરાવનારા સગાં સુધી અને પાછલી સીટ ઉપર બેસીને ડ્રાઈવરને સતત શીખામણ આપનારા દોઢ-ડાહ્યાઓથી લઈને છેક ન્યૂઝ ચેનલમાં આવતા એક્સપર્ટો સુધીની રેન્જમાં મળી આવતાં હોય છે. (એ પણ મફતના ભાવે.)આવાં લોકોને બીજાના કામમાં ટાંગ અડાડવામાં, બીજાની સતત પંચાત કરવામાં અને બીજાઓના હિતેચ્છુ હોવાનો દેખાવ કરતાં કરતાં એમની જ પથારીઓ ફેરવવામાં ગજબનો આનંદ આવતો હોય છે. આવી ચૌદશોથી બચવું મુશ્કેલ છે, છતાં થોડા નટખટ ઉપાયો અજમાવવા જેવા છે… (1) પૈસા ઉધાર માગો કંઈ પણ બહાનું કાઢો, ધંધામાં લોસ ગયો છે, ઘરમાં બીમારી છે, ઘરેણાં ચોરાઈ ગયાં છે, દાનેશ્વરી બની જવું છે… અથવા અંબાણી જોડે શરત લાગી છે… આવું કોઈ બહાનું કાઢીને એની પાસે કમ સે કમ બે-પાંચ લાખ રૂપિયા ઉધાર માગો! એ ચૌદશિયો તરત જ આઘો આઘો રહેવા માંડશે! પછી જ્યારે પણ એ દેખાય ત્યારે સામેથી જઈને પચાસ હજાર, પાંચ હજાર, છેવટે 500 રૂપિયા પણ માગતા જ રહો! બેટમજી એ જાતે જ તમારાથી દૂર ભાગતો ફરશે! આવા સંજોગોમાં એને ઘેર ફોન કરીને રૂપિયા માગો! અરે, ઓનલાઈન પચાસ રૂપિયા તો આપ? પછી જુઓ, મજા! એ તમને ટાળતો જ રહેશે. (2) અફવાની બત્તી પકડાવી દો આવા ચૌદશિયા મોટાભાગે બોસના ચમચા તો હોય જ, પણ એમનેય બોસની પીઠ પાછળ સત્તર જાતની વાતો કરવાનું બહુ ગમતું હોય છે. આવા ચમચાને અમસ્તાં વાત વાતમાં કહી દેવાનું કે યાર, એક રાત્રે એક હાઈવેની હોટલ કમ રેસ્ટોરન્ટમાં મારો એક ફ્રેન્ડ રોકાયેલો ત્યારે આપણા બોસને એણે કોઈ ગોરી ગોરી સ્ત્રી સાથે મસ્ત મિજાજમાં બહાર નીકળતા જોયેલા…પણ શ્યોર નહીં હોં? મોટેભાગે તો બોસ જ હતા! બસ, પછી જુઓ…એ આખી ઓફિસમાં પોતાના નિંદારસનું રાયતું ફેલાવશે! ભૂલેચૂકે જો વાત બોસ સુધી પહોંચી તો સ્ટાફના દસમાંથી નવ જણા એનું જ નામ દેવાના! લે બેટા, લેતો જા! (3) ખાનગી વાતનું સસ્પેન્સ અમસ્તાં અમસ્તાં પૂછવાનું કે યાર, તને એક ખાસમખાસ ખાનગી વાત પૂછવાની હતી! એનું કુતૂહલ સળવળે એટલે તરત જ વાત ફેરવી નાંખવાની! પછી ફરી પાછું યાદ કરાવવાનું. યાર, તું એકલો હોય ત્યારે મને કહેજે ને, એક ખાનગી વાત પૂછવાની છે, કેમ કે તને જ આવી બધી ખબર હોય! આમ સળંગ જુદી જુદી રીતે પંદર-વીસ મુદ્દતો પાડ્યા પછી છેવટે પેલો બહુ ઊંચોનીચો થઈ ગયો હોય ત્યારે બાજી ‘ફિટાઉસ’ કરતા કહી દેવાનું ‘કંઈ નહીં, જે જાણવું હતું એ તો મળી ગયું!’ (4) ડાઉટ પેદા કરો ચૌદશિયા લોકોને કુથલીમાં બહુ રસ હોય! ખાસ તો એ જાણવામાં, કે લોકો એની પીઠ પાછળ શું બોલે છે! આવાં ચૌદશિયાઓને સતત ડાઉટમાં રાખો. બે-ચાર જણા ભેગાં મળીને મામૂલી ટોપિક ઉપર વાત કરતા હો છતાં પેલો આવે કે તરત બધાં એકસામટાં ચૂપ થઈ જાય! જાણે કે એના વિશે જ કંઈ વાત થતી હતી એવો દેખાવ કરો! એ ચૌદશિયાના પેટમાં જરૂર તેલ રેડાવાનું ચાલુ થશે! પછી એકલા હો અને ફોનમાં વાત કરતા હો તો પણ એને જોતાંની સાથે જ ‘પછી વાત કરીએ’ એમ કહીને ફોન કટ કરી નાંખો. એ જાય, પછી, કે નજીકથી પસાર થતો હોય ત્યારે, જાણીજોઈને સાવ ધીમા અવાજે ઘુસપુસ કરો! જુઓ બેટમજીની શી હાલત થાય છે! (5) ડર ઘુસાડો સાવ સામાન્ય સવાલો કોઈ ડિટેક્ટિવની જેમ પૂછો. ‘તારી બર્થ-ડેટ કઈ? આજે કયો વાર થયો? રવિવારે તું ક્યાં હોય છે?’ પરંતુ ફટાફટ નહીં, ટુકડે ટુકડે… ગંભીર ડાચું કરીને, બહુ વિચારમાં હો એ રીતે! છેલ્લે ખભે હાથ મૂકીને દયા ખાતા હોય એમ કહેવાનું ‘બોસ, પોસિબલ હોય તો કોઈ જ્યોતિષીને બતાડી જુઓ હોં!’ કસમ સે… આ છેલ્લા ઉપાય પછી તો એ ચૌદશ તમને પણ પોતાના કરતાંય મોટી ‘ચૌદશ’ માનવા માંડશે.⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...