તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સો ટચની વાત:તમને ક્યારેય હસવું આવે છે ખુદની ભૂલો ઉપર?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાસ્ય તમને નિર્મળ કરી દે છે. ભૂતકાળના કચરાને બહાર ફેંકીને નવી જીવનદૃષ્ટિ આપે છે

આજની મશીનયુગની લાઈફમાં હાસ્ય તો જાણે ક્યાંય ગાયબ થઈ ચૂક્યું છે. કદાચ એટલે જ અવારનવાર હાસ્ય કવિ સંમેલનો યોજાતાં હોય છે કે જેથી લોકો થોડાં હળવાં બને અને પોતાનાં ટેન્શનને ભૂલીને થોડી વાર હસવાની મજા લઈ શકે. હકીકતમાં હસવું-હસાવવું, જોક્સ એ મજાક પૂરતું જ સીમિત રહે છે. ખરેખર તો જીવનમાં હાસ્ય હોય તો જીવવું સહેલું થઇ જાય છે. કહેવાનો અર્થ કે બીજા ઉપર હસીને લોકો ખુશ થઈ જાય છે અને આ હાસ્યરસનો એક નાનકડો પરપોટો છે. દેશના વિદ્વાનો તો હાસ્યરસને નવ રસમાંનો એક ગણે છે. ખરેખર તો હાસ્ય એ મનની એવી પ્રસન્ન દશા છે, જેમાં શરીર અને મનનું સ્વાસ્થ્ય બને છે. વ્યંગ્ય, મજાક અને વિનોદવૃત્તિ એટલે જીવનનાં પોઝિટિવ પાસાં. જીવનને ક્યારેય બહુ ગંભીરતાથી ન લેવું જોઈએ. આ તો એક રંગમંચ છે. પડદો પડશે, આપણે જતાં રહીશું તેથી એમાં ગૂંચવાઈ જવાની જરૂર નથી. આ ભાવ રાખીને જે જીવે છે તે ખુશ રહી શકે છે. જોકે, દુ:ખની વાત એ છે કે ભારતીયોનાં મનમાંથી એ પ્રસન્નતા ખોવાઈ ગઈ છે. યુએનઓ દ્વારા પ્રકાશિત હેપ્પીનેસ રિસર્ચ અંતર્ગત 157 દેશો વચ્ચે ભારતનો નંબર 118મો છે. એનો અર્થ કે આપણે ખુશ રહેવાનું ભૂલી ગયાં છીએ. એક વિચાર કરવા જેવો છે કે હાસ્ય વગરની દુનિયાની કલ્પના કરી શકાય ખરી? નહીં ને? તમે કોઈને મળો કે કોઈ તમને મળે અને તમે જરાય સરખું હસો નહીં મતલબ કે સ્માઈલ ન આપો તો કેવું લાગે? અરે, આપણા ચહેરા પણ હાસ્ય વિના સાવ મુરઝાયેલા લાગે. એ વાત સાચી છે કે જે લોકો ખુશ નથી, તેઓ હસી શકતાં નથી. જેઓ હસી શકતાં નથી, તેઓ બીમાર રહેવા લાગે છે અને બીમાર લોકો બીજા ઉપર હસે છે. હકીકતમાં સાચું હાસ્ય તો એ છે, જે ખુદ પર હસે, પોતાની ભૂલો પર, પોતાની નાદાની પર હસે. જોકે, ભારતીયો બહુ ગંભીર બની ગયાં છે. હસવા માટે આપણને બીજાની નિંદાની જરૂર પડે છે. બીજા ઉપર વ્યંગ કરવો કે તેમને બુદ્ધુ બનાવવા આપણને ગમે છે. અરે, સ્વસ્થ બનાવવામાં અને ધ્યાનમાં ઊંડા ઊતરવા માટે હાસ્યમાં અદ્્ભુત ક્ષમતા છે. સાચે જ હાસ્ય અદ્્ભુત ટોનિક છે, જે સૌને ખુશ રાખે છે. આપણાં સૌનાં જીવનમાં તાજગી ભરવા માટે હાસ્ય જરૂરી છે. ઓક્સિજની જેમ જ હાસ્ય વિના જીવવું અત્યંત મુશ્કેલ થઈ જાય છે. હાસ્ય આપણાં અને સૌનાં જીવનને ખૂબ જ પ્રસન્નતાથી ભરી દે છે. હાસ્ય ધરાવતી કોઈ પણ વ્યક્તિ ઓછી દુ:ખી જોવા મળે છે. અને જો દુ:ખ આવે તો તેને પણ તે વ્યક્તિ હસીને અલવિદા કરી શકે છે. કોઈ એક વિચારકે તો એવું પણ કહ્યું છે કે જે લોકો હસી ન શકે તેમનો ક્યારેય ભરોસો કરી શકાય નહીં. આ રીતે હાસ્યનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. માત્ર સુખમય જીવન માટે જ નહીં, આરોગ્યની દૃષ્ટિએ પણ હાસ્યનું હોવું બહુ જરૂરી છે. હાસ્ય વ્યક્તિની કોઈ પણ પ્રકારની પીડાને, દુ:ખોને સહેલાઈથી ઘટાડે છે. અરે, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી હંમેશાં કહેતા, ‘જો મારામાં વિનોદ-વૃત્તિ (સેન્સ ઓફ હ્યુમર) ન હોત તો મેં ક્યારનોય આપઘાત કરી લીધો હોત.’ જગને હસાવનાર ચાર્લી ચેપ્લિન પણ કહી ગયા છે, ‘આખા દિવસમાં જો તમે એક પણ વાર ન હસ્યા હો તો સમજો કે તમારો આખો દિવસ નકામો ગયો.’ એટલે જીવનમાં મસ્ત રહેવા માટે હાસ્યની જડીબુટ્ટી હોવી જરૂરી છે. હાસ્ય તો ઈશ્વરે મનુષ્યને આપેલી અણમોલ ભેટ છે. હાસ્ય દિલોદિમાગના ઊંડાણમાં પ્રવેશે છે. નિષ્ણાતો પણ કહી ગયા છે કે જે લોકો દિલ ખોલીને હસે છે તે લોકો લાંબા સમય સુધી યુવાન દેખાય છે. એક મહત્ત્વની વાત યાદ રાખજો કે હસતાં રહેતાં લોકો આત્મહત્યા નથી કરતા. તેમને હૃદયરોગનો હુમલો નથી આવતો. તેઓ અનાયાસે જ મૌન જગતને જાણી લે છે, કારણ કે હાસ્ય અટકી જતાં અચાનક મન પણ થંભી જાય છે અને નીરવ શાંિત છવાઈ જાય છે. હાસ્ય તમને નિર્મળ કરી દે છે. ભૂતકાળના કચરાને બહાર ફેંકીને નવી જીવનદૃષ્ટિ આપે છે. તેથી હંમેશાં હસતા રહો. ⬛

અન્ય સમાચારો પણ છે...