અજવાળાનો ઓટોગ્રાફ:શું માનવ જિંદગીઓ ફક્ત હોસ્પિટલમાં જ હોય છે?

ડૉ. નિમિત્ત ઓઝા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી મોટી સમસ્યા એ છે કે આપણા દેશમાં પુલ કરતાં અનેકગણા વધારે તો નિયમો તૂટે છે

હાહાકાર મચી ગયેલો, યાદ છે? કોવિડ પેન્ડેમિક દરમિયાન રાજકોટ અને અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાથી કેટલાક દર્દીઓ ગૂંગળાઈ મરેલા તો આઈ.સી.યુ.માં સારવાર લઈ રહેલા કેટલાક દર્દીઓ અગ્નિની જ્વાળાઓમાં વિલીન થઈ ગયેલા. આ બંને દુર્ઘટનાઓ કેટલી ભયાનક, પીડાદાયક અને કરુણ હતી! બીમારીમાં સપડાયેલાં લોકો જે સ્થળ પર રાહત, નિરાંત અને પીડામુક્ત જિંદગીની અપેક્ષા લઈને જતાં હોય, એ જ સ્થળેથી આકસ્મિક અને અણધાર્યું મોત મળે તો? દુઃખ થાય. ગુસ્સો આવે. મનમાં અનેક પ્રશ્નો ઉદ્્ભવે જેવા કે અચાનક આગ કેવી રીતે લાગી? ઇલેક્ટ્રિકલ ઓવરલોડિંગ હતું કે શોર્ટ-સર્કિટ? ફાયર સેફ્ટી નહોતી? ફાયરનું NOC હતું? છેલ્લું ઇન્સ્પેક્શન ક્યારે થયેલું? ઈમરજન્સી એક્ઝિટ નહોતી? દુર્ઘટના થઈ ત્યારે જવાબદાર વ્યક્તિઓ ક્યાં હતી? થાય, આવા અનેક સવાલો થાય અને થવા જ જોઈએ. માત્ર નાગરિકોનાં મનમાં જ નહીં, તંત્રનાં મનમાં પણ થવા જોઈએ. જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના કે અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય ત્યારે તેની આકરી તપાસ થવી જોઈએ. આવી દરેક દુર્ઘટનામાં ‘act of omission’ અને ‘act of commission’ કઈ હતી એ નક્કી થવું જ જોઈએ. એટલે કે (1) જેનું પાલન થવું જોઈએ એવી કઈ શિસ્ત, તકેદારી, કાળજી કે નિયમોની અવગણના કરવામાં આવેલી અને (2) જે ટાળવા જેવી, ગેરકાયદેસર કે નિયમ-વિરુદ્ધ હોય એવી કઈ જોખમી પ્રવૃત્તિ પૂરી સભાનતા સાથે કરવામાં આવેલી? જો આ બે પ્રશ્નોના જવાબ ન મળે તો દુર્ઘટના શું કામ થઈ? અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા શું કરવું જોઈએ? જેવા મહત્ત્વના મુદ્દાઓ વણઉકેલ્યા રહી જાય અને As expected, આવી બબ્બે કરુણાંતિકાઓ પછી સરકાર, પોલીસ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને નાગરિકોનો ગુસ્સો તબીબો પર ઉતર્યો. અને એ સમજી શકાય તેમ હતું. રાજ્યની તમામ હોસ્પિટલ્સમાં તાત્કાલિક ફાયર-સેફ્ટી સૌથી મહત્ત્વની બાબત બની ગઈ. ફાયર NOC ન મેળવ્યું હોય એવી તમામ હોસ્પિટલ્સને સીલ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા. રાજ્યની મોટાભાગની ખાનગી હોસ્પિટલ્સમાં રાતોરાત ફાયર-સેફ્ટીનાં સાધનો નાંખી દેવામાં આવ્યાં. ફાયરના પાઈપ અને સ્પ્રિન્ક્લ્સ લગાડવા માટે હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી. એટલું જ નહીં, હોસ્પિટલની ઈલેક્ટ્રિક સર્કિટ અને સેફ્ટી ચેક કરવા માટે PGVCLમાંથી ઇન્સ્પેક્શન થવા લાગ્યાં. આગ બુઝાવવા હોસ્પિટલ સ્ટાફને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી. અમને ડોક્ટર્સને બહુ હેરાનગતિ થઈ. અપમાનજનક પણ લાગ્યું, કારણ કે સરકારી અધિકારીઓ ક્યારેક બહુ ઉદ્ધતાઈથી વાત કરતા. આખા ફાયર ડિપાર્ટમેન્ટે રાજ્યભરનાં તબીબો અને હોસ્પિટલ્સની ઊંઘ હરામ કરી નાંખી. પણ... એ જરૂરી હતું, કારણ કે એ દર્દીઓની સુરક્ષા માટે હતું. અને માટે જ દરેક ડોક્ટર, દરેક હોસ્પિટલ, દરેક નર્સિંગ હોમે એનો સહેજ પણ વિરોધ કે આનાકાની કર્યા વગર લાખો રૂપિયા ખર્ચીને ફાયર-સેફ્ટીના દરેક નિયમોનું પાલન કર્યું અને કરવું જ પડે! જો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવી હોય તો એનો એક જ રસ્તો છે, નિયમોને ચુસ્તપણે વળગી રહેવું. પણ સાચું કહું? અમારી ઊંઘ હરામ થઈ કારણ કે તંત્ર જાગ્યું. એ સમયે એક વાત તો સમજાઈ ગઈ. પ્રાઈવેટ હોસ્પિટલના સુપર-સ્પેશિયલિસ્ટ કન્સલ્ટન્ટ હોઈએ તો શું થયું? IAS અધિકારી અને સરકારની સામે આપણું કશું જ નથી ચાલતું. એ સમયે મને તેમની કાર્યપદ્ધતિ અને વ્યવહાર સામે ફરિયાદ હતી પણ ઈરાદા સામે નહીં, કારણ કે તેમનો આશય માનવ જિંદગીઓ સલામત કરવાનો હતો. કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો હતો. ભલે ગમ્મે તેટલો શિક્ષિત, પ્રતિષ્ઠિત કે ઉચ્ચ અધિકારી હોય, દેશના દરેક નાગરિકને એ યાદ રહેવું જોઈએ કે કાયદાથી ઉપર કોઈ નથી, કારણ કે અલ્ટિમેટલી કાયદાનું નિર્માણ જ માનવ જિંદગીઓની રક્ષા માટે થયેલું છે. દર્દીઓની સલામતી માટે આવા સો ઇન્ક્વાયરી કમિશન, ઇન્સ્પેક્શન કે Compliance Notice મંજૂર. પણ મારો એક નાનો એવો સવાલ છે. શું માનવ જિંદગીઓ ફક્ત હોસ્પિટલમાં જ હોય છે? રસ્તા, વાહન કે પુલ પર નથી હોતી? ત્યાંના NOC કોણ અને ક્યારે ચેક કરશે? મોરબી પુલ હોનારત જેવા સાપરાધ માનવ-વધ પછી શું તંત્ર એટલી જ કાર્યક્ષમતાથી એક્શનમાં આવશે? એ જોવાની મને ઉત્સુકતા છે. આવી દુર્ભાગ્યપૂર્ણ માનવ-સર્જિત હોનારત પછી કેટલા પુલનાં ફિટનેસ સર્ટિફિકેટ ચેક કરવામાં આવશે? કેટલા ઓવરબ્રીજની વહન-ક્ષમતા નક્કી કરવામાં આવશે? કેટલા રસ્તાઓનાં ઇન્સ્પેક્શન થશે? કેટલા કોન્ટ્રાક્ટર્સ કે સિવિલ એન્જિનિયર્સને Compliance Notice આપવામાં આવશે? માય ડીયર ગવર્મેન્ટ, અન્યનો કાન પકડવો સહેલો છે પણ જાતને સુધારવી અઘરી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આપણા દેશમાં પુલ કરતાં અનેકગણા વધારે તો નિયમો તૂટે છે. હોસ્પિટલ બાબતે તો સતર્ક થઈ ગયા, પણ જ્યાંથી રોજની હજારો નાગરિકોની અવરજવર હોય એવા પબ્લિક કન્સ્ટ્રક્શનનાં કામોમાં શિસ્ત અને કાયદાનું પાલન કોણ કરાવશે? જો ખરેખર આપણને માનવ જિંદગીઓ વહાલી હોય તો ફક્ત હોસ્પિટલનું જ નહીં, રસ્તા અને પુલના મેન્ટેનન્સનું પણ એટલું જ ધ્યાન રાખીએ. માનવ જિંદગીઓ બધે સરખી જ હોય. એ આઈ.સી.યુ.માં રહેલી હોય કે પુલ પરથી પસાર થતી હોય.⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...