તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપણી વાત:બંગાળના ગુજરાતીઓને દીદી ગમે કે ભાઈઓ?

વર્ષા પાઠક11 દિવસ પહેલા
 • કૉપી લિંક

આ વર્ષે ભારતના જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, એમાં પુડ્ડુચેરી, આસામ, કેરળ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. દરેક રાજ્યની અંદર શોરબકોર થઇ જ રહ્યો હશે, પરંતુ બહારના લોકોનું ધ્યાન પણ ખેંચાય એવો જબરદસ્ત, હાઇ વોલ્યુમ ઘોંઘાટ તામિલનાડુ અને બંગાળમાં થઇ રહ્યો છે. આમાં કંઈ આશ્ચર્ય પણ નથી, વર્ષોથી થતું આવ્યું છે. સાઉથની ચૂંટણીમાં બહારના લોકોને પણ રસ પડે છે, કારણ કે ત્યાં ગ્લેમર હોય છે. દક્ષિણ ભારત ગણાતા ચારેય રાજ્યની ચૂંટણીઓમાં ફિલ્મસ્ટારો સીધી કે આડકતરી રીતે ઝુકાવતાં રહે છે. આ વખતે પણ કૂદશે. બંગાળી કલાકારો પણ પોલિટિક્સથી સાવ દૂર નથી રહેતાં, તેમ છતાં સાઉથ ઇન્ડિયન સ્ટાર્સની જે આભા, લોકપ્રિયતા હોય છે, એની તોલે ન આવે, પરંતુ બંગાળની પોતાની એક સુપરસ્ટાર છે - તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)પાર્ટીની જનની અને વર્તમાન ચીફ મિનિસ્ટર મમતા બેનર્જી. સફેદ કોટન સાડી અને પગમાં રબ્બરના સ્લીપર પહેરતી મમતાદીદીની સ્ટાઇલ અને ડાયલોગ ડિલિવરી ભલભલા ફિલ્મસ્ટારને જ નહીં, ખંધા રાજકારણીઓને પણ હંફાવે એવી છે. માઈક્રોફોન વિનાય એનો અવાજ દૂર દૂર સુધી પહોંચે અને એ ગુસ્સે થાય પછી તો કોઈનાં નહીં. હમણાં એમનો બધોયે ગુસ્સો નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર ઊતરે છે. દીદી કહે છે કે આ ગુજરાતી ભાઈઓને બંગાળ સિવાય કંઈ દેખાતું નથી. જ્યારે જુઓ ત્યારે દિલ્હી છોડીને અહીં હાલ્યા આવે છે, પણ હું બંગાળની વાઘણ છું. એમની મેલી મુરાદ અહીં પાર નહીં પડવા દઉં. એક સમયે ઉત્તર ભારતમાં બહુજન સમાજ પાર્ટીના બહેનજી માયાવતીનો એવો દબદબો હતો. અત્યારે એમનો સૂરજ સાવ આથમી ગયો છે એમ તો ન કહેવાય, પણ ઘનઘોર કાળા વાદળની પાછળ છુપાઈ જરૂર ગયો છે. સોનિયા ગાંધી રાષ્ટ્રીય કક્ષાના કોંગ્રેસ લીડર છે, એમની પુત્રી પ્રિયંકામાં ઘણા લોકોને કોંગ્રેસનો અને દેશનો પણ ઉદ્ધાર લાગે છે, નિર્મલા સીતારામન આપણાં નાણાંમંત્રી છે અને એવી બીજી ઘણી સ્ત્રીઓ રાજકારણની મજબૂત ખેલાડી ગણાય છે. એમ તો તામિલનાડુના અમ્મા જયલલિતાની બહુ નજીક ગણાતી અને અમ્માની છત્રછાયા ગુમાવ્યા બાદ ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં પહોંચી ગયેલી શશીકલા પણ હવે બહાર નીકળીને પછી પોલિટિક્સના મેદાનમાં આવી છે, પણ અત્યારે એ બધીયે સ્ત્રીઓ એક જગ્યાએ ભેગી થાય તો સૌથી ઊંચો અવાજ તો મમતાદીદીનો જ સંભળાય. દીદી ગિન્નાયાં છે. એમનાં પર મુસ્લિમતરફી હોવાનો આક્ષેપ કરતાં લોકો કહે છે કે મમતા બંગાળને બાંગ્લાદેશ બનાવી નાખશે. બહુ ખિજાઈને દીદીએ હમણાં કહી દીધું કે, ભાજપ ગુજરાતી પાર્ટી છે અને હું બંગાળ પર ગુજરાતનું રાજ નહીં ચાલવા દઉં. હવે બાંગ્લાદેશથી ગેરકાયદે પશ્ચિમ બંગાળમાં ઘૂસી આવતાં લોકો તો ફફડતા જીવે પણ અહીં રહેવાને ટેવાઈ ગયાં છે, પણ અત્યારે દીદી અને એમના ટીએમસીએ દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાન પર જે તુચ્છભાવે ગુજરાતી હોવાનું લેબલ મારી દીધું છે અને એ લોકો સત્તા પર આવ્યા તો બંગાળી સંસ્કૃતિનું સત્યાનાશ વાળી નાખશે, એ બધું સાંભળીને ત્યાં રહેતાં ગુજરાતીઓ શું વિચારતાં હશે? સામાન્ય રીતે ગુજરાતની બહાર વસતાં ગુજરાતીઓ બહુમતી, ભાજપ અને મોદીના ટેકેદાર ગણાય છે. બંગાળ એમાં અપવાદ નથી. આમ તો બંગાળમાં ગુજરાતીઓની સંખ્યા ઘટતી ઘટતી લગભગ પિસ્તાલીસ હજારથીય ઓછી થઇ ગઈ છે અને જે છે એમાંથી પણ મોટા ભાગનાંને, ખાસ કરીને યુવાવર્ગને તક મળે તો ત્યાંથી ઉચાળા ભરી જાય. સાહિત્ય અને સંસ્કૃતિની બાબતમાં પોતાને ભારતમાં શિરમોર ગણાવતા બંગાળે કોઈ બિનબંગાળી લેખક કે કલાકારને મોટું સમ્માન આપ્યું હોવાનું મને તો યાદ નથી. અત્યારે મોદી-શાહ-નડ્ડાની ત્રિપુટી આશાભરી નજરે બંગાળના ગુજરાતીઓને પોતાની વોટ બેંક તરીકે જોઈ રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે ત્યાં પેઢીઓથી વસતાં ગુજરાતીઓ સાંસ્કૃતિક દૃષ્ટિએ પોતાને બંગાળી ગણે છે કે ગુજરાતી? સંગીત હોય કે સાહિત્ય, બંગાળીઓને પોતાનું જ સર્વશ્રેષ્ઠ લાગે છે અને એટલે જ મમતાદીદીએ આગામી ચૂંટણીના પ્રચારમાં આર્થિક કે સામાજિક પ્રશ્નોની જગ્યાએ બંગાળી સંસ્કૃતિ, કલ્ચરને મોટો મુદ્દો બનાવી દીધો છે. વાતવાતમાં એ ત્યાંના લોકોને રવીન્દ્રનાથ ટાગોર યાદ દેવડાવે છે, પરંતુ અહીં તકલીફ એ છે કે બંગાળનું બીજું અમૂલ્ય રત્ન ગણાતા સ્વામી વિવેકાનંદ પર તો આરઆરએસ અને ભાજપે વર્ષોથી માલિકીભાવ જમાવી દીધો છે. સરદાર પટેલની જેમ જ વિવેકાનંદને પણ એ લોકો પોતાના આદર્શોનું પ્રતીક ગણાવે છે અને ભાજપનો જન્મ જેમાંથી થયો છે એ જનસંઘની તો સ્થાપના જ બંગાળપુત્ર શ્યામાપ્રસાદ મુખર્જીએ કરેલી. વર્તમાનકાળમાં બંગાળના જે પનોતા પુત્ર માટે બંગાળીઓ ગૌરવ લઇ રહ્યા છે, એ ક્રિકેટર અને બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી વિશે છાશવારે અફવા ઊડે છે કે ઉડાવાય છે કે એ વિધિસર ભાજપમાં જોડાઈ જશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ, અમિતભાઈના પુત્રરત્ન છે. દીદીને ટેન્શન થવું સ્વાભાવિક છે. બંગાળની એ વાઘણ કહે છે કે બહારનાંને અહીં પગદંડો જમાવવા નહીં દઉં, પણ એ જેને ગુજરાતી પાર્ટી કહે છે, એણે જાણે કસમ ખાધી છે કે બંગાળ ન મળે ત્યાં સુધી પગ વાળીને બેસવું નહીં. બંગાળમાં વસતાં ગુજરાતીઓને કોણ પોતાનું લાગતું હશે?⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો