નીલે ગગન કે તલે:દિવાળી, દસ દસ દિવાળી

મધુ રાય2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગગનવાલાના એક સ્નેહી છે, જે રમઝાન દરમિયાન રોજા રાખે છે, પોતે નાગર બ્રાહ્મણ હોવા છતાં, બીજા મજહબના લોકો સાથે બિરાદરી બતાવવા. એમના કેટલાક મુસ્લિમ મિત્રો પણ દિવાળી અને બેસતા વર્ષે એમની સાથે મિજબાની કરે છે, કેમકે હમ સબ એક હૈં. માનવજાતે પુરાણકાળથી ઋતુ બદલાય ત્યારે, વાવણી થાય ત્યારે ને ફસલ લણાય ત્યારે એક યા બીજી રીતે જશન મનાવવાનો ઉદ્યમ કીધો છે. વિવિધ સંસ્કૃતિઓમાં વિવિધ રીતે હરખ વ્યક્ત કરાય છે. ગગનવાલા પોતે વિશ્વનાગરિક હોવાના નાતે બધા તહેવાર મનમાં ને મનમાં માણે છે, યાને જાગતાંવેંત જીવતા હોવાની હરરોજ દિવાળી! દુનિયાના અન્ય તહેવારોમાંથી થોડાક વિશે થોડીક માહિતી ભેગી કરીને વાચકો ચરણકમળમાં મૂકીએ છીએ, મનોરંજનાર્થે, એયયયને જે જે, બાપલિયા, સાલમુબારક! ખ્રિસ્તી દેશોમાં અને એટલે હવે આખી દુનિયામાં સૂર્યપંચાગ અનુસરાય છે, પણ આપણે ત્યાં વિક્રમ સંવત કે શાલિવાહન સંવત્સર ચાન્દ્ર પંચાગ અનુસરે છે. આપણી જેમ આરબો, યહૂદીઓ, વગેરે તથા ચીની પ્રજા પણ પણ ચન્દ્રની ગતિ અનુસાર મહિના ગણે છે અને જે દિવસે રાજકુમાર ગૌતમને પીપળાના બોધિવૃક્ષની નીચે બ્રહ્મજ્ઞાન થયેલું તે દિવસને મહાયાન બૌદ્ધ ચીની પ્રજા બોધિ દિન તરીકે ઊજવે છે. પણ જાપાનમાં બોધિ દિવસ ૮મી ડિસેમ્બરે ઉજવાય છે. યહૂદી લોકોનો મહોત્સવ છે હાનુક્કા જેમાં 28 નવેંબરથી 6ઠી ડિસેમ્બર સુધી મેનોરા નામે દીપશિખાઓમાં દીપોત્સવ થાય છે. ઇસવી સન પૂર્વે 165માં ગ્રીક સીરિયન લોકો ઉપર યહૂદીઓના વિજયની ઉજવણી કરવા. શિયાળુ અયનકાળ વિધવિધ દેશોમાં વિધવિધ રીતે ઉજવાય છે. ડેન્માર્ક, નોર્વે અને સ્વીડન જેવા દેશોમાં ઇસુ ખ્રિસ્તના જન્મની પહેલાં થોર નામે સ્કેન્ડનવિયન દેવની ઉપાસના કરવા યુલ નામક વૃક્ષનું લાકડું ભઠ્ઠામાં બાળીને ઉજવાય છે યૂલ મહોત્સવ. ઉપરાંત સેઇન્ટ લૂસિયાસ ડે નામે બીજા ઉત્સવમાં કિશોરીઓ મનોરમ વસ્ત્રો પહેરી માથે દીપક ગોઠવી સંત લુસિયાને અંજલિ આપે છે. તે ઉત્સવને પણ દીપોત્સવ કહેવાય છે. ઇરાનમાં સૂર્યદેવને મિહિર અથવા મિથરા કહેવાય છે અને તિમિર ઉપર પ્રકાશના વિજયનો યાને સૂર્યોપાસનાનો ઉત્સવ યાલ્દા ઉજવાય છે. પુરાણકાળના રોમન લોકો વાવણીની મોસમને સેતુરનાલિયા કહેતા અને તેનો ઓચ્છવ નાચગાન ને રમતગમતથી થાય છે. ચીનમાં દોન્ગ ઝી નામે ફસલની ઉજવણી 21થી 23 ડિસેમ્બર દરમિયાન કરાય છે. પોલન્ડમાં ઇસવી સન પૂર્વેથી ગોદી ફેસ્ટિવાલ માણવામાં આવે છે. પાકિસ્તાનના કલાશા લોકો સાત દિવસ સુધી શુદ્ધિનાં આચરણથી નાચગાન, કીર્તન ને મશાલ સરઘસ દ્વારા ચાઓમાસ ઉત્સવ ઊજવે છે. ગ્વાતેમાલામાં માયા જાતિના મૂલવાસીઓ ડિસેમ્બરની 21મીએ સૂર્યોત્સવ મનાવે છે, ભપકાદાર સરઘસ કાઢીને ને અંગબળની મનોરમ કસરતો પ્રદર્શિત કરીને. યૂરોપ અમેરિકામાં નાતાલ તાને ક્રિસમસની જેમ આફ્રિકામાં ડિસેમ્બર 26થી જાન્યુઆરી 1 સુધી ક્વાન્ઝા ઉજવાય છે. એમાં પણ દિવાળી ને હાનુક્કાની જેમ કિનેરા નામે દીપશિખાઓમાં દીપક પ્રગટાવી સાલમુબારકની માફક કહેવાય છે ‘હાબારી ગાની’. જાન્યુઆરીની 21થી ફેબ્રુઆરીની 20 દરમિયાન શિશિર ઋતુની સમાપ્તિનો દિવસ છે વસંતનો પહેલો દિવસ જે ચીની નવું વર્ષ હોય છે. તે આવે છે. તેમાં સુદ એકમથી પૂનમ સુધી ફટાકડાની ફટફટ તથા ખાવાપીવાના જલસા સાથે ચીની ડ્રેગનનો વિકરાળ નાચ થાય છે ને બાળકોને લાલ પરબીડિયાંમાં ગુડલક મનીની લહાણી થાય છે! અને મુસ્લિમ પ્રજા ઊજવે છે રમઝાનનો એક આખો માહ જેનો છેલ્લો દિવસ ઇદ ઉલ ફિત્ર પણ ચાન્દ્ર પંચાંગ અનુસાર આવતો હોઈ દર વર્ષે જુદીજુદી તારીખે આવે છે. તેમાં ઉપવાસની સાથેસાથે કુટુંબકબીલા સાથે ખેરાતનાં કામ કરવામાં આવે છે. અને અલબત્ત ગુજરાતમાં તો આસો માસ આખો ગરબી ને ગરબા ને વિજયાદશમી ને શરદપૂનમ ને વાઘબારસ ને ધનતેરસ ને ચોપડાપૂજન ને કાળી ચૌદસ ને દિવાળીના ફાફડા જલેબી ને બેસતા વરસનાં કઢેલાં દૂધ ભેળા ભાઇબીજના પાંચપાંચ દિવસ રાજ્ય આખું દૈનિક જીવનનાં શટર પાડીને શ્વાસ લે છે સુખના! જય આશાપુરા દેવી!⬛ madhu.thaker@gmail.com