સંસાર તૂટતો બચી ગયો:મારા અને પત્નીના બન્નેનાં સ્વભાવમાં પરિવર્તન આવતા છૂટાછેડા અટક્યા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરસભામાં પુસ્તકના વાંચનથી ગુજરાતી ભાષા પર પ્રભુત્વ વધ્યું
  • ‘ભાઈની દીકરી આપણી જ દીકરી કહેવાય’
  • સુખ-શાંતિભર્યું ઘર

અમે સત્સંગી થયાં તે પહેલાં અમારા ઘરમાં ઘણા પ્રશ્નો હતા. મારે અને મારી પત્ની વચ્ચે ઘણી સમસ્યાઓ હતી. મારી પત્નીને અને મારી માતાને પણ એકબીજા સાથે બનતું નહોતું. તેઓને એકબીજા પ્રત્યે અણગમો રહેતો. ઘણીવાર તો પત્ની સાથે આખી રાત ઝઘડા ચાલુ રહેતા. આ ઝઘડા એટલી હદે વધી ગયેલા કે હું રાત્રે બે-ત્રણ વાગ્યે ફોન કરીને મારા સસરાને બોલાવતો અને કહેતો કે તમારી દીકરીને તમે તમારા ઘરે લઈ જાવ. અમારા ઘરનું વાતાવરણ હંમેશાં ખરાબ રહેતું. ડગલે ને પગલે અમે છૂટાછેડા લેવાની જ વાત કરતા. પરિવારના આ બધા પ્રશ્નોની વચ્ચે અમે બી.એ.પી.એસ. સત્સંગના યોગમાં આવ્યાં અને ઘરસભા કરવાની ચાલુ કરી. ઘરસભામાં સત્સંગની જે વાતો આવતી તે અમારાં જીવનમાં ઉતરતી ગઈ. મારો ગુસ્સાવાળો સ્વભાવ પણ બદલાઈ ગયો. મારી પત્નીના સ્વભાવમાં પણ પરિવર્તન આવ્યું. આ ઉપરાંત મારી મમ્મી અને પત્ની વચ્ચેના સંબંધો પણ સુધર્યા. અત્યારે ઘરમાં મંદિર જેવું વાતાવરણ છે. છેલ્લાં ચાર વર્ષથી ઘરસભા કરીને તેનાં મધુર ફળનો અમે આનંદ લઈએ છીએ. - કનુજીભાઈ ઠાકોર, અમદાવાદ

-----------------------

ધન્યતાની અનુભૂતિ

ઘરસભામાં પુસ્તકના વાંચનથી ગુજરાતી ભાષા પર પ્રભુત્વ વધ્યું

થોડાં વર્ષો પહેલાં અમે ઘરસભા શરૂ કરી ત્યારે શરૂઆતમાં અમારાં સંતાનો એમ કહેતાં હતાં કે અમને અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી, હોમવર્ક બાકી છે, વાંચન ઘણું બાકી છે, એટલે અમે ઘરસભામાં નહીં બેસીએ. ધીમે ધીમે તેમને બાળસભામાં જવાથી પ્રેરણા મળી કે આપણે પણ ઘરસભામાં બેસવું જોઈએ. ઘરસભામાં પુસ્તકના વાંચનથી તેનું ગુજરાતી ભાષા ઉપર પણ પ્રભુત્વ વધ્યું છે. સાથે સાથે બાળકોને વિચાર આવ્યો કે ઢોલ કે મંજીરા સહિત ઘરસભામાં ભજન-કીર્તન ગવાય તો વિશેષ આનંદ આવે. તેથી છેલ્લાં બે વર્ષથી અમારા ઘરમાં અમે ઢોલ, મંજીરા અને ખંજરી પણ વસાવ્યાં છે. બાળકો ધૂન, પ્રાર્થના અને કીર્તન વાજિંત્ર સહિત જ ગાય છે, તેથી વાતાવરણ દિવ્ય બની જાય છે. અમારાં માટે ઘરસભા સંજીવની સમાન છે. બાળકો પણ દરરોજ માતા-પિતા અને દાદા-દાદીનાં ચરણ સ્પર્શ કરે છે. બાળકો પળે પળે દિવસમાં દસ-પંદર વખત ઘરસભાની વાતોને જ યાદ કરે છે. વડીલો પણ કદાચ સામાન્ય કંઈક બોલ્યા હોય તો બાળકો તરત વિચારે છે કે આ પ્રસંગમાં મહાપુરુષો હોય તો તેઓ કેવી રીતે વર્તે? ત્યારે વડીલોને પણ આશ્ચર્ય થાય છે કે નાનાં નાનાં બાળકો પાસેથી આપણને કેટલી પ્રેરણા મળે છે! આ રીતે ઘરસભાથી વાતાવરણ દિવ્ય બન્યું છે. - ડો. હેમંતભાઈ પટેલ, મોડાસા

--------------------------

ઘર બન્યું સ્વર્ગ

‘ભાઈની દીકરી આપણી જ દીકરી કહેવાય’

અમે 1990થી ઘરસભા કરીએ છીએ. એ વખતે મારા પુત્રો નાના હતા. ઘરસભાને કારણે મારા પુત્રોમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન થયું. મારા મોટાભાઈ ગામડે રહે છે. તેમની આર્થિક સ્થિતિ સામાન્ય. અમારી સ્થિતિ પણ મધ્યમ, પણ મોટાભાઈની દીકરીનાં લગ્ન વખતે લગ્નના ખર્ચમાં તેમનાથી પહોંચી વળાય તેમ નહોતું. તેથી મેં મારા બચત ફંડના પૈસા ઉપાડીને મોટાભાઈને મદદ કરવાનું નક્કી કર્યું. મેં પત્નીને વાત કરી, તો તે કહે, ‘ભાઈની દીકરી એ આપણી જ દીકરી કહેવાય. ભગવાન સર્વકર્તા છે. તમે ચિંતા કર્યા વિના મદદ કરો. આપણે મદદ કરવી જ જોઈએ.’ પત્નીની આવી સમજણ જોઈને મને આશ્ચર્ય થયું, કારણ કે પૈસો છૂટવો અઘરો, પરંતુ આ ઘરસભાનો જ ચમત્કાર હતો. હાલ અમે સંયુક્ત પરિવારમાં છીએ. મારું પેન્શન આવે છે. મારો મોટો પુત્ર કમાય છે. હા, અમારી આવક માપની છે, પરંતુ એ પણ કહું કે આજ સુધી અમારી વચ્ચે ક્યારેય પૈસા બાબતે કોઈ જ પ્રશ્ન-મતભેદ કે બોલાચાલી થઈ નથી. પરસ્પર વિશ્વાસથી અમારો પૈસાનો વ્યવહાર ચાલે છે. ઘરમાં સાસુ-વહુ પણ મા-દીકરીની જેમ જ રહે છે. મારા બે પૌત્રો પણ ઘરસભામાં આનંદ માણે છે. સત્સંગ અને સંસ્કારનો વારસો ત્રીજી પેઢીમાં પણ એવો ને એવો જ જળવાઈ રહ્યો છે, એ બધો જ ઘરસભાનો પ્રતાપ છે. - સુબોધભાઈ પટેલ, ભરૂચ

--------------------

સુખ-શાંતિભર્યું ઘર

એક સમય એવો હતો કે અમારા પરિવારમાં રસોઈ બાબતે દરરોજ નાની-મોટી ખટપટ થયા કરતી, પણ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી 2008થી અમારા ઘરમાં ઘરસભા શરૂ થઈ છે. ઘરસભાએ અમારા પરિવારને પવિત્ર પ્રેરણાઓથી છલકાવી દીધો છે. ઘરસભા શરૂ થયા પછી અમારા ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. જેમ કે, ઘરસભામાંથી અમને સમૂહભોજનની પ્રેરણા મળી. આ ઉપરાંત આજે અમે પરિવારના બધા સભ્યો બંને સમયે સાથે ભોજન કરવા બેસીએ છીએ. ઘરસભામાં મહાપુરુષોના જીવન-પ્રસંગો વંચાય ત્યારે આપોઆપ એ સુંદર વાતો અમારાં સૌનાં જીવનમાં ઉતરવા લાગી. હવે મારા ઘેર ભોજન બાબતે વાદ-વિવાદ થવાનો બંધ થઈ ગયો છે. ઘરમાં જે બને તેને સૌ ભગવાનનો પ્રસાદ માનીને જમી લે છે. કાલે શું બનાવવું? એવું પૂછવાની પણ હવે જરૂર પડતી નથી. એ કારણે હવે ઘરમાં ખૂબ જ શાંતિ રહે છે. એટલું જ નહીં, અમારાં સંતાનો ધર્મગ્રંથોના વાંચનમાં રસ લેતાં થયાં છે. તેઓ સામે ચાલીને સત્સંગ પરીક્ષા આપે છે. સંતાનો પોતે ઘરસભામાં પ્રસંગ-કથન રજૂ કરે છે. આમ, સંતાનોનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેઓ સભામાં પણ સંકોચ રાખ્યા વિના પ્રવચન કરે છે. આમ, ઘરસભાથી અમારા ઘરમાં શાંતિનું વાતાવરણ સર્જાયું છે. - મનસુખભાઈ સોરઠિયા, જામનગર

અન્ય સમાચારો પણ છે...