બ્લેક એન્ડ વ્હાઈટ:પરગ્રહવાસીઓનાં અવકાશયાનના ભેદભરમ!

13 દિવસ પહેલાલેખક: આશુ પટેલ
  • કૉપી લિંક
  • અમેરિકાએ યુએફઓના વિડીયોઝ જાહેર કરવાનો ઇન્કાર કરીને વિવાદ જગાવ્યો છે ત્યારે જાણીએ યુએફઓના રહસ્યમય ઇતિહાસ વિશે થોડી રસપ્રદ વાતો

અમેરિકન નૌસેના પાસે યુએફઓ એટલે કે અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ્સ (પરગ્રહવાસીઓનાં અવકાશયાન, જેનો ઊડતી રકાબી તરીકે પણ ઉલ્લેખ થાય છે) સંબંધિત બે ડઝનથી વધુ વિડીયોઝ છે એ જાહેર કરવા જોઈએ એવી માગણી થઈ એના અનુસંધાનમાં અમેરિકન નૌકાદળે 12 સપ્ટેમ્બર, 2022ના દિવસે એ વિડીયોઝ જાહેર કરવાનો ઈન્કાર કર્યો. અમેરિકન નેવીએ કહ્યું કે ‘યુએફઓના એ વિડીયોઝ જાહેર કરવામાં આવે તો અમેરિકાની સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે એમ છે.’ અમેરિકન નૌકાદળના અધિકારી ગ્રેગરી કૈસને કહ્યું કે ‘આ માહિતી જાહેર કરવામાં આવે તો રાષ્ટ્રીય સલામતીને નુકસાન પહોંચશે. કારણ કે અમેરિકન સૈન્ય, અમેરિકન નૌકાદળ અને એની નબળાઈઓ અથવા ક્ષમતાઓ વિશેની માહિતી અમેરિકાના વિરોધીઓને મળી શકે છે. યુએફઓ સંબંધિત વિડીયોઝના કોઈ પણ હિસ્સાને જાહેર કરવા માટે અલગ કરી શકાય એમ નથી. અમેરિકાનું લશ્કર અને અમેરિકન સ્પેસ એજન્સી નાસા દાયકાઓથી અનઆઇડેન્ટિફાઈંગ ઓબ્જેક્ટ્સ સંબંધિત સંશોધન કરી રહ્યાં છે અને એના વિશે કંઈક ને કંઈક રહસ્યમય વાતો બહાર આવતી રહે છે. પૃથ્વી પર યુએફઓના આગમન વિશે પણ સમયાંતરે સમાચારો આવતા રહે છે. 1950થી તો યુએફઓ વિશે ખૂબ ચર્ચાઓ થતી રહી છે ત્યારે યુએફઓના રહસ્યમય અસ્તિત્વ વિશે, એના રહસ્યમય ઇતિહાસ વિશે થોડી રસપ્રદ વાતો જાણવા જેવી છે. સૌપ્રથમ ઇસવીસન પૂર્વે 1440માં ઈજિપ્તની એક વ્યક્તિએ યુએફઓ દેખાયો હોવાનો દાવો કર્યો હતો (જોકે, એ દાવો ખોટો હતો એવું મનાય છે). એ પછી ઇસવીસન પૂર્વે 218માં ઈટલીના રોમ શહેરમાં યુએફઓ દેખાયો હોવાનો દાવો કરાયો હતો. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 74માં રોમન રીપબ્લિકમાં જ યુએફઓ દેખાયો હોવાનો દાવો કરાયો હતો. ઇસવીસન પૂર્વે 74માં રોમન આર્મી લ્યુક્યુલસની આગેવાની હેઠળ પોન્ટુસના શાસક મિથરિડેથસ પાચમા સામે યુદ્ધના મેદાનમાં ઊતરી હતી. બંને સેનાઓ સામસામી આવી ગઈ હતી એ જ વખતે એક અત્યંત વિશાળ જ્વાળા જેવો કોઈ પદાર્થ બે સેનાઓ વચ્ચે પડ્યો હતો. પીગળેલા સિલ્વર જેવો અને વિચિત્ર આકારનો એ પદાર્થ બંને સૈન્ય દ્વારા જોવાયો હોવાનો દાવો કરાયો હતો. એ પછી ઇસવીસન 196માં રોમન સામ્રાજ્યમાં જ ફરી એકવાર યુએફઓ દેખાયો હોવાનો દાવો ઈતિહાસકાર કૅસિયસ ડિઓએ કર્યો હતો. 740ના વર્ષમાં આયર્લેન્ડમાં યુએફઓ દેખાયો હોવાનો દાવો કરાયો હતો. એ પછી આઠ સદી બાદ 14 એપ્રિલ, 1561ના દિવસે રોમન સામ્રાજ્યના ન્યુરેમ્બર્ગમાં યુએફઓ દેખાયો હોવાનો દાવો કરાયો હતો. એ ઘટનાનાં બે વર્ષ પછી 7 ઓગસ્ટ, 1566ના દિવસે સ્વિટ્ઝર્લેન્ડના બૅસીલ શહેર ઉપર અજાણ્યો પદાર્થ દેખાયો હોવાનો દાવો કરાયો હતો તો 22 સપ્ટેમ્બર, 1609ના દિવસે કોરિયાના ગૅન્ગગોંગ પ્રાંતમાં સવારના 9 કલાકથી 11 કલાક દરમિયાન યુએફઓ દેખાયો હોવાનો દાવો ઘણી બધી વ્યક્તિઓએ કર્યો હતો. એ વખતે કોરિયામાં જ અન્ય કાઉન્ટી ચુનચેઓનમાં સવારના 11 કલાકથી બપોરના 1 કલાક દરમિયાન અને યાંગયાંગ કાઉન્ટીમાં બપોરના 1 કલાકથી 3 કલાક દરમિયાન યુએફઓ દેખાયો હોવાનો દાવો કરાયો હતો. 1668માં હંગેરીયન કિંગ્ડમ (અત્યારના સ્લોવેકિયા)ના લેઓકા શહેરમાં આકાશમાં એક સિલ્વર રંગનો અજાણ્યો પદાર્થ દેખાયો હોવાનો દાવો કરાયો હતો. થોડા નજીકના ભૂતકાળની વાત કરીએ તો, 19મી સદીની શરૂઆતમાં 22 ફેબ્રુઆરી, 1803થી 24 માર્ચ, 1803 દરમિયાન જપાનના કેટલાક માછીમારોએ દાવો કર્યો હતો કે ‘લાલ અને સફેદ વાળવાળી એક અત્યંત સુંદર યુવતી વિચિત્ર પ્રકારનાં કપડાં પહેરીને અચાનક અમારી સામે પ્રગટ થઈ હતી. તે યુવતીના હાથમાં એક ચોરસ ખોખું હતું અને તેણે અમને કોઈને તે ખોખાને અડવાની પરવાનગી આપી નહોતી. તે યુવતીએ અમારી સાથે એ ભાષામાં વાત કરી હતી જે અમે જિંદગીમાં ક્યારેય સાંભળી નહોતી.’ યુએફઓમાં માનનારા લોકોએ એ વાતને વિશ્વસનીય ગણાવીને કહ્યું હતું કે ‘જાપાનના એ માછીમારોનો કદાચ પરગ્રહવાસીઓ સાથે ભેટો થયો હતો.’ 12 ઓગસ્ટ, 1883ના દિવસે મેક્સિકોના એસ્ટ્રોનોમર ખગોળ વૈજ્ઞાની જૉશ બોનીલાએ દાવો કર્યો હતો કે ‘હું ઝેકૅટેકસની ઓબ્ઝર્વેટરીમાં સન સ્પોટ એક્ટિવિટીનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે મેં 300થી વધુ કાળા અને અજાણ્યા પદાર્થો અવકાશમાં જોયા હતા.’ ત્યારબાદ 1896થી 1897 વચ્ચે બે વર્ષ દરમિયાન અમેરિકામાં યુએફઓ દેખાયા હોવાના અને પરગ્રહવાસીઓ દ્વારા લોકોના અપહરણના અનેક દાવાઓ થયા હતા. 17 એપ્રિલ, 1897ના દિવસે અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઑરોરામાં ડલાસના સ્થાનિક અખબારોમાં એક સ્થાનિક પત્રકાર દ્વારા સમાચારો મોકલાયા હતા કે આ વિસ્તારમાં યુએફઓ તૂટી પડ્યો છે અને એના પરગ્રહવાસી પાઈલટને સ્થાનિક કબ્રસ્તાનમાં દફનાવાયો છે! 20મી સદીની શરૂઆતથી તો યુએફઓ દેખાવાના દાવાઓ વધતા ગયા. એમાંય 1950 પછી તો સતત એવા દાવાઓ વધવા લાગ્યા. અને પછી તો લોકો એવા દાવાઓ પણ કરવા લાગ્યા કે પરગ્રહવાસીઓએ અમારા અપહરણની કોશિશ કરી હતી! 21મી સદીમાં પણ એવા દાવાઓ સમયાંતરે બહાર આવતા રહ્યા. બાય ધ વે, 1981થી 1989 દરમિયાન અમેરિકાના પ્રમુખપદે રહેલા રૉનાલ્ડ રેગન (અને તેમનાં પત્ની નેન્સી રેગન પણ) તો દૃઢપણે માનતાં હતાં કે યુએફઓ અવારનવાર પૃથ્વીની મુલાકાતે આવે છે અને પરગ્રહવાસીઓ પૃથ્વી પર નજર નાખી રહ્યા છે. તેમના યુએફઓ અને પરગ્રહવાસીઓના ડરના તો ઘણા કિસ્સાઓ જાહેર થયા હતા. એક વાર તો તેઓ એક પાર્ટીમાં અડધો કલાક મોડા પડ્યા હતા કારણ કે (તેમના કહેવા પ્રમાણે) તે બંનેએ રસ્તામાં યુએફઓ જોઈ લીધો હતો!{

અન્ય સમાચારો પણ છે...