સાયન્સ અફેર્સ:ડાયનાસોર હજુ જીવે છે!

11 દિવસ પહેલાલેખક: નિમિતા શેઠ
  • કૉપી લિંક
  • નાનાં-મોટાં દરેક પક્ષી ઉત્ક્રાંતિ પામેલાં ડાયનાસોર જ છે

શું તમે શ્રાદ્ધમાં ડાયનાસોરને બોલાવીને દૂધપાક ખવડાવો છો? ક્યારેક ડાયનાસોર તમારાં ઘરનાં છજાં પર ઈંડાં પણ મૂકી જાય છે? શું માણસો માંસાહાર તરીકે ડાયનાસોરમાંથી બનાવેલી અવનવી વાનગીઓની લિજ્જત માણે છે? ત્રણેય પ્રશ્નોનો જવાબ હા છે. ભલે તમે ન માનો, પણ પક્ષીઓ જ બચી ગયેલાં ડાયનાસોર છે. અરે! એ આટલાં નાનાં કેવી રીતે થઈ ગયાં? ક્યાં અડધા વેંતની ચકલી અને ક્યાં છ મીટર ઊંચાં ટાયરાનોસોરસ! પણ આપણા તર્કનું કોઈ મૂલ્ય નથી, વૈજ્ઞાનિકોએ કીધું એટલે ફાઇનલ. ઉત્ક્રાંતિના ઈતિહાસમાં વિવિધ વર્ગનાં પ્રાણીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલાં છે તેના અભ્યાસને ફાયલો-જીનેટિક્સ (phylogenetics) કહે છે, અને આ શાખા પાસે તમારા દરેક સવાલનો જવાબ છે. આપણને ગરોળી કે મગર ડાયનાસોર જેવાં વધુ લાગે, કારણ કે એમને જોઈને ચીતરી ચઢે. પક્ષીઓ તો બહુ માસૂમ લાગે, એ ક્યાંથી ડાયનાસોર હોય? પરંતુ મગર, ગરોળી વગેરે પેટે ઘસડાઇને ચાલે છે, તેમના ચારેય પગ શરીરનાં સમતલમાં જ હોય છે. જ્યારે ડાયનાસોર પેટે ઘસડાઇને નહોતાં ચાલતાં, તેમના પગ શરીરની બરાબર નીચે અડગ ઊભા રહીને આખા શરીરનું વજન લેતા હતા. બોલો, ડાયનાસોરની પક્ષી સાથે વધુ સમાનતા છે કે નહીં! થેરોપોડ (theropods) પ્રકારના ડાયનાસોરમાં અમુક પ્રજાતિ 150 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતી હતી. આજનાં તમામ પંખીઓ સીધાં થેરોપોડમાંથી જ ઉત્ક્રાંતિ પામેલાં છે, તે બાબતે વિજ્ઞાન સ્પષ્ટ છે. બીજી બાજુ, ગરોળી કે મગર જેવા હાલનાં સરિસૃપ પ્રાણીઓનાં પૂર્વજો ડાયનાસોરનાં ઘણાં દૂરનાં કઝીન થાય. પક્ષી ભલે કદમાં નાનાં હોય, તેમના ગર્ભનું બંધારણ અને તેના વિકાસની પ્રક્રિયા ડાયનાસોરના ગર્ભ સાથે પૂરી સામ્યતા ધરાવે છે. 6.6 કરોડ વર્ષ પહેલાં જ્યારે કદાવર પ્રજાતિઓ નાશ પામી તેની અગાઉથી નાના અને મધ્યમ કદના અમુક ડાયનાસોરમાં પીંછાં અને ચાંચ વિકસવા માંડ્યાં હતાં. ભારે શરીરના પ્રમાણમાં નબળી પાંખો હોવાના કારણે આ પ્રાણીઓ આજનાં પંખીઓની જેમ સતત અને ઝડપથી ઊડી શકવાની ક્ષમતા (power flight) નહોતાં ધરાવતાં. લઘુગ્રહ સાથે અથડામણ અને તે પછી થયેલાં સામૂહિક વિનાશમાંથી તે બચી શક્યાં તેમાં તેમની ઉડાન કરતાં ચાંચનો વધુ મોટો ફાળો છે. તે સમયે જ્યારે ખોરાક મળવો મુશ્કેલ થઈ ગયો, તેઓ ચાંચના કારણે વનસ્પતિ અને માંસ સિવાયનો ખોરાક અપનાવી શક્યાં. ત્યારબાદ કુદરતને તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા ઉડાનનું મહત્ત્વ સમજાયું હશે, એટલે પાંખો વધુ મજબૂત બનતી ગઈ અને શરીર હલકું. જોકે, આખી વાત આ લેખમાં સમજાવી છે તેટલી સરળ નથી. ઉત્ક્રાંતિ એટલી ધીમી પ્રક્રિયા છે કે, ફક્ત એકાદ કરોડ વર્ષમાં પીંછાં, શરીર અને ઉડાનમાં આટલો મોટો ફેરફાર થઈ જાય એ જબરદસ્ત ઝડપી પરિવર્તન કહેવાય. આવી સુપરફાસ્ટ ઉત્ક્રાંતિ માટે પ્રાણીઓના જનીનોમાં અનેક વાર તાત્કાલિક બદલાવ આવ્યા હોવા જોઈએ. અહીં તાત્કાલિકનો મતલબ દરેક વખતે પાંચ-સાત લાખ વર્ષનો સમય! જે સમયગાળાની ગણતરી કરોડ વર્ષના એકમમાં થતી હોય, તે સમયગાળામાં ડાયનાસોર પક્ષી બને એ કુદરતની એકદમ ચીવટપૂર્વક કરેલી કલા-કારીગરી કહેવાય. આ સમયગાળાના કોઈ એક વર્ષ પર જઈને તમે એમ ન કહી શકો કે, ‘બસ, હવે આવતા વર્ષની પહેલી જાન્યુઆરીથી આ બધાં ડાયનાસોર પક્ષી કહેવાશે.’⬛ nimitasheth21@

અન્ય સમાચારો પણ છે...