નીલે ગગન કે તલે:દિલ, વિલ, દિલ્લગી

મધુ રાય23 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક દાક્તર સજ્જને એક બીજા દિલના દાક્તરનો વિડિયો ફોરવર્ડ કીધો છે જેમાં 30 રૂપિયામાં હાર્ટ એટેકને અટકાવવાનો ઇલાજ છે. આપણે ભોળા દિલના, ને પોચા દિલના, ને દવાદાક્તરની વાત આવતાં હાર્ટએટેક આવે પણ દિલ ઉપર કોનો કાબૂ હોય! તેથી એકલા એકલા જાત સાથે દિલની વાતો કરીએ. નઠારા દાક્તરો કહે છે કે હમારા દિલના ધબકારા કોઈવાર 70–80 હોય તો કોઈવાર 120 સુધી કૂદે. તે વ્યાધિનું નામ ‘અર્રિધમિયા!’ તેમાં એક દાક્તરે ‘પેસમેકર’ મુકાવી આપ્યું. તો હેંડે છે ગગનગાડી છુકછુક કરતી, ને બ્લડપ્રેશર ને હાર્ટબીટ ને બ્લડથિનર ને એક્સરસાઇઝ ને થેરેપી આવા બધા જુમલા રોજિંદા બોલાય છે. માનો કે ન માનો, ઇસવી સન પૂર્વે 600ની સાલમાં યાને આજથી 3000 વર્ષ પહેલાં બાઇબલના ડેનિયલના પહેલા ગ્રન્થમાં શાકાહારી ભોજનથી હૃદયને થતા લાભનું વર્ણન આવે છે ને ગગનવાલા તો વેજિટિરયન જ નહીં પણ વીગન છે યાને દૂધદહીં પણ અડકતા નથી, રસગુલ્લાં, રબડી, કે ઘારી ન ખવાય, દૂધગર કે માવાની મીઠાઈ નો–નો, છાશ. કઢી, ઢોકળાં, સોરી નો! કે પ્રાણીજન્ય કોઈ પદાર્થનું સેવન કરતા નથી ને બને ત્યાં સુધી ચામડાનો, રેશમનો કે મોતીનો વપરાશ નથી! દિલ કો બહલાને કો એનાં ઓસડ કીધા કરીએ, ને વીગનબીગનના ચાળા કીધા કરિયેં પણ પ્રાઇવેટલી જાણીએ કે ગગનવાલાનોયે ગગનવાલો જયેં ઉપાડી લેસે તયેં કોય ઓસડની સાડાબારી રહેવાની નથી. હાલ મોબાઇલને ચાર્જ કરાય છે તેમ પહેલાંના જમાનામાં પેસમેકરને ઇલેક્ટ્રિક પ્લગમાં ભરાવીને ચાવી અપાતી હતી. સ્ટેથોસ્કોપની શોધ કરનાર હતા એક ફ્રેન્ચ દાક્તર, ડો. લિયેનેક (1781–1826), કેમકે કોઈ તોતિંગ છાતીવાળી મહિલાના દિલ પાસે કાન માંડવાનું એમને અભદ્ર લાગેલું. આંકડા કહે છે કે અઠવાડિયાના બીજા વાર કરતાં સોમવારે હાર્ટએટેકના કેસ વધુ બને છે. ખાસ કરીને સોમવારે સવારે કામ પર જતી વખતે સાહેબને ‘જોર’ આવે, ને શરીરમાં કોર્સ્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનનો ભરાવો થાય ને લોહીની નળીઓમાં કોલેસ્ટ્રોલ વધી જાય ને આવે દિલ કા દૌરા. તહેવારના દિવસોમાં, દાત. પશ્ચિમના દેશોમાં ખ્રિસમસ દરમિયાન रराબહુ લોકોને એટેક આવતા હોય છે. માણસનું હૃદય સરેરાશ મિનિટે 72 વાર, દિવસના એક લાખ વાર, વરસમાં 350,000,000 વાર અને જીવનભરમાં સમજો કે 2.5 બિલિયન વાર ધડકે છે. સૃષ્ટિનું સૌથી નાનું મેમલ મતલબ સ્તન્ય પ્રાણી છે, બ્રિટનમાં થતી પિગ્મી શ્રૂ યાને વામન છછૂંદર. તે છછૂંદરનું દિલ મિનિટમાં 1200 વાર ધબકે છે. સેકન્ડે 20 વાર! ગગનવાલા સુરૈયા કે મધુબાલા કે ઇન્ગ્રિડ બર્ગમેનની બાયસ્કોપ જોય ત્યારે મેક્સિમમ 120 સુધી જાય! 1200નું આપણું ગજું નહીં. ગગનવાલા મીન્સ કે ગગન–વાલા તો ખરા પણ મોર લાઇક ડબલ દિલ–વાલા :ભૌતિક દિલ યાને છાતીમાં ધબકતો ખૂનનો ચરખો પ્લસ આધિભૌતિક દિલ યાને રૂમાની ફિતરત, ફેન્ટેસી ને ભોળપણ, સાથે સતત પ્રણયની લાલસાનું ફિફટી ફિફટી મિક્સચર. ગર્ભાધાનના પહેલા મહિનાથી ભ્રૂણનું હૃદય ધડકવા માંડે છે ને જાતક મરે ત્યાં સુધી તે ચાલુ રહે છે. ગર્ભમાં હોય ત્યાં સુધી તેનું દિલ મિનિટે 150 વાર ધબકે છે. માણસના હૃદયનું વજન 11 ઔંસ હોય છે, જે આપણી નાડીઓમાં 60,000 માઇલનું અંતર કાપી 2000 ગેલન લોહીનું પરિભ્રમણ રોજેરોજ કરે છે. આખી જિંદગીનો હિસાબ કરીએ તો નહાવાના નળમાંથી ફુલ પાવરમાં 45 વરસ સુધી સતત પાણી વહે એટલું લોહી આપણા હૃદયમાંથી ફરતું ફરતું આપણને જિવાડે છે. આપણું હાર્ટ રોજ કોઈ ખટારો 30 કિમિ દોડી શકે એટલો પાવર પેદા કરે છે. પુરુષ કરતાં સ્ત્રીનું હૃદય વધુ વાર ધડકન્તું છે. બે પ્રેમીઓ નૈંન સે નૈંન મિલાવી ત્રણ મિનિટ એકીટશે સામસામે જુએ તો ચોથી મિનિટથી એમનાં બેયનાં હૃદય એક તાલે ધબકે છે, તાધિન તા, તાધિન તા, તાધિન તા! અને હેલો! જે મરદ પોતાની અર્ધાંગિનીથી છાનુંમાનું કોઈ લસ્મફરું કરે તે મરદનું હૃદય મોટાભાગે તે લસ્મફરા સાથે સંભોગરત અવસ્થામાં મરણને શરણ થાય એવી વકી છે. ગીતોમાં મેરા દિલ તોડનેવાલે વગેરે આવે છે, પણ તે સાવ કવિતા નથી, મહેરબાન, ‘Takotsubo’s cardiomyopathy’ યાને ભગ્નહૃદય સિન્ડ્રોમ કોને કહેવાય, ડૂયૂનોવ સાચેસાચ કોઈ ક્રૂર પ્રેમિકા ભોળા દિલના ને પોચા દિલના પ્રેમી(લેખક)નું દિલ ડાબી ભમ્મરના ઉલાળથી લિટરલી ‘તોડી’ શકે છે. યસ, યસ, દાક્તરી હકીકત છે. હાસ્યથી જીવન હર્યુંભર્યું થાય છે તે વાત બી સાચી છે. તમે ખુલ્લા દિલે ખડખડાટ હસો ત્યારે દિલનાં દ્વાર ખુલ્લાં થાય છે ને વધુ જિવાય છે. તમારું દિલ ખુશ હોય ને સામા પક્ષેથી ટોટલ કો–ઓપરેશન હાંસલ હોય તો બેશક લાંબું જીવન સાંપડે છે ને અલબત્ત તે લંબાણ જીવવા જેવું હોય છે. જય સુરૈયા, જય જીવન!⬛madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...