અંદાઝે બયાં:દિલ હૈ હિંદુસ્તાની અદ્ભુત આઝાદીનો એક્સ-રે!

12 દિવસ પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક

આઝાદીનો ખરો અર્થ કુંવારી વ્યક્તિ જ જાણે છે. (છેલવાણી)

એક ભારતીય ને પાકિસ્તાની વચ્ચે ‘આઝાદી’ વિશે ચર્ચા થઈ. ભારતીયએ ગર્વથી કહ્યું, ‘અમારે ત્યાં દિલ્હીમાં સંસદ સામે અમે સૂત્રો પોકારી શકીએ કે– ‘ભારતીય સરકાર, હાય હાય…અને તોયે અમને કોઇ પકડે નહીં કે જેલમાં ના નાખે.’ તો સામે મૂર્ખ પાકિસ્તાનીએ કહ્યું, ‘એમાં શું? એમ તો અમે પણ ઇસ્લામાબાદમાં અમારી પાર્લામેન્ટ સામે બોલી શકીએ કે- ‘ભારતીય સરકાર, હાય હાય! ને અમને પણ કોઇ ના પકડે!’ આ રમૂજમાં આઝાદી વિશેની લિમિટેડ સમજ વિશે બધું આવી જાય છે! જોક્સ અપાર્ટ, આઝાદીની એક વ્યાખ્યા એ પણ છે કે- કોઇપણ સામે કંઇપણ બોલવાની કે અભિવ્યક્તિની આઝાદી! જે આપણા દેશમાં છે. આપણી પાસે કેટકેટલી સાઇઝમાં ‘આઝાદી’ અવેલેબલ છે ને? આપણને બિંદાસ્ત ટ્રેનમાં ટિકિટ ના કઢાવવાની, બેફામ સિગ્નલ તોડીને ભાગી જવાની, ઇન્કમ-ટેક્સ ના ભરીને દેશપ્રેમની વાતો કરવાની, ફેસબુક કે ટ્વિટર જેવાં સોશિયલ મીડિયા પર કોઇને પણ બેફામ ગાળો આપવાની. કેટકેટલી આઝાદી આપણને તૈયાર ભાણે મળી છે. આપણા જ દેશના રોડ પર પાન-તમાકુ થૂંકીને, પોલીસ કે જજને ખરીદીને, ભ્રષ્ટ ગુંડાઓને ચૂંટણીમાં જીતાડીને, વોટ ના આપીને, સતત સરકારોને ભાંડીને…એવું ઘણું બધું ના કરવાનું કરીને પાછા ઉત્સાહથી ‘જય હિંદ’ કહીને ઝંડાને સલામી ભરી શકીએ છીએ! આપણે એટલા આઝાદ તો છીએ જ કે વોટ્સ-એપ ગ્રૂપમાં ગમે તેવાં જૂઠાણાં કે વિકૃત ઇતિહાસની વાતો ફેલાવી શકીએ.

ઇન્ટરવલ
દર-ઓ-દીવાર પે હસરત સે નઝર કરતે હૈ.
ખુશ રહો અહલ-એ-વતન, હમ તો સફર કરતે હૈં. (વાજિદ અલી શાહ)

તમામ મર્યાદાઓ સાથે આજે પણ આપણે એટલા આઝાદ તો છીએ જ કે કાંચળી ઉતારતા સાપની જેમ, જૂની સરકારને ફગાવી દઇએ છીએ. 5 વરસે આપણે નવી સરકાર ચૂંટીએ છીએ ને જૂની સરકારની બેફામ ટીકા કરી શકીએ છીએ. ક્યારેક તો એમ લાગે કે આપણે નવી સરકારોની નવેસરથી નિંદા કરી શકીએ એટલે જ એને ચૂંટીએ છીએ. વળી, સાથોસાથ આપણી પાસે એવી આઝાદી પણ છે કે આપણે જૂની સરકારોને ને જૂના પીઢ નેતાઓને બેફામ ગાળો પણ આપી શકીએ છીએ.

આપણી આઝાદીની અનેક કમીઓ હોવા છતાં જુઓ કે આપણી આજુબાજુના દેશોમાં કેટલી આઝાદી બચી છે? પાકિસ્તાનમાં તો આપણા કરતાં પા ભાગની આઝાદીયે નથી કારણ કે ત્યાં તો 1947 બાદ મોકો મળતા લગભગ લશ્કર જ દેશ ચલાવે છે, ત્યાં ભૂલથી વચ્ચે વચ્ચે ઇલેક્શન જેવું કશુંક ભજવાઇ જાય છે! તાલિબાની, અફઘાનિસ્તાન સાથે સરખામણી કરવી એ તો આપણા દેશનું અપમાન છે. બીજી બાજુ, ખતરનાક પાડોશી ચીનમાં પણ હવે ચૂંટણી જેવું રહ્યું જ નથી ને મીડિયામાં જાનલેવા ખામોશી છે. ત્યાંના સમાચાર, દમનકારી સરકારના લોખંડી દરવાજાની બહાર આવતા જ નથી. ચીનમાં તો સવાલ પૂછવા પર જ સવાલ કરવામાં આવે ને એનો એક જ જવાબ છે– મોત! પણ એની સરખામણીએ આપણે આઝાદ ભારતનાં 140 કરોડ લોકો, 1947થી વિવિધ સરકારો સામે નિરાશ થઇ, રડી કકળીને, ગાળો આપવા માટે પણ આટઆટલાં વર્ષથી કમસેકમ ‘આઝાદ’ તો છીએ! શું છે કે દર વરસે 26 જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ આવે એટલે આપણને મનોજકુમાર ટાઇપ, ઈન્સ્ટન્ટ દેશભક્તિના હરખનો એટેક આવે છે અને અફકોર્સ આવવો પણ જોઇએ… લેકિન-કિંતુ-પરંતુ, સવાલ તો રહી રહીને એ જ ઊઠે છે કે ખરી આઝાદી શું બલા છે? કેવળ સિસ્ટમ કે સરકારની ટીકા કરવી એ જ કે એક આદર્શ સમાજની રચના આપણે લોકોએ જાતે પોતે પણ કોશિશ કરવી એ? અરે, આજેય આપણાં નાનાં-મોટાં શહેરોમાં અમુક ધર્મનાં લોકોને તો છોડો, પણ અમુક જાતિઓને ઘર આપવામાંયે આનાકાની થાય છે. બસ-ટ્રેનની મુસાફરી દરમ્યાન સાથી મુસાફર દ્વારા ‘તમે જાતે કેવા?’ કે ‘તમે વેજ કે નોનવેજ’- જેવા સવાલો હજીયે આપણી ઓળખની આગળ સવાલ બનીને ઊભા રહે છે. પછી ત્યાં આપણું ‘આધાર કાર્ડ’, નિરાધાર બનીને રહી જાય છે! કમ્બખ્ત, આપણા સમાજમાં ઘર કરી ગયેલા અનેક પ્રકારના ભેદભાવ કે પૂર્વગ્રહોની ગુલામીમાંથી આપણે આઝાદ થઇશું ત્યારે જ સાચા અર્થમાં આઝાદ થયેલા ગણાશું. ખેર, વો સુબ્હ કભી તો આયેગી…

‘પીપલ વર્સિસ લેરી ફ્લિંટ’ નામની અંગ્રેજી ફિલ્મમાં ‘હસ્લર’ નામના સેક્સ-મેગેઝિનના એડિટર-માલિક લેરી હસ્લર પર અશ્લીલતાનો આરોપ હતો. એ જ ફિલ્મમાં એક પ્રેસ-કોન્ફરન્સમાં લેરી, પત્રકારોની ભીડ સામે મોટા પડદા પર અત્યંત નગ્ન અને ઉઘાડા ફોટા એક પછી એક દેખાડે છે અને સાથોસાથ અમેરિકાની સેનાએ વિયેટનામમાં યુદ્ધમાં જે અત્યાચારો કરેલા એના ફોટા પણ દેખાડે છે. નગ્ન ફોટા અને યુદ્ધની હિંસાના ક્રૂર ફોટા, બંનેને સામસામે દેખાડ્યા પછી લેરી પૂછે છે: ‘બોલો, બિભત્સ શું છે? માણસનું નગ્ન શરીર કે માણસની નગ્ન ક્રૂરતા?’ અમેરિકાના રૂઢિવાદી ચર્ચ સામે લડી રહેલા એડિટરનો આ પ્રશ્ન જ લોકશાહીમાં ‘આઝાદી’ની ખરી વ્યાખ્યા છે, કદાચ. એની વે, ભલે આપણી સરકાર માઇબાપ, દેશનું 100% ભલું ના કરી શકતી હોય પણ હજીયે આપણને થોડાઘણા આક્રોશની આઝાદી તો આપે છે, એ કંઇ નાનીસૂની મહેરબાની છે? તો હે આઝાદ દેશના દોસ્તો, કાલે ગણતંત્ર દિવસે આઝાદ હવામાં શ્વાસ લેવાની ખુશી મુબારક. એન્ડ ટાઇટલ્સ ઇવ: તું આઝાદ છે? આદમ: સવાલ છે કે ઉખાણું?{ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...