હવામાં ગોળીબાર:વિવિધ ‘અવસ્થા’ વડીલોની!

મન્નુ શેખચલ્લી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આટલી ઉંમર સીધી લાઈનમાં જીવી લીધા પછી એ અચાનક ‘આડા’ ફાટે છે!

ગયા બુધવારે 60 પ્લસ થઈ ચૂકેલાં સિનિયર સિટિઝનોના વિવિધ ‘મોડ’ (અવસ્થાઓ) વિશે લેખ લખ્યો હતો તે વાંચીને અમુક વડીલોએ ફોન-ઈમેલ કરીને મીઠડી કબૂલાત કરી છે કે ભઈ, અમે પણ ક્યારેક એવા ‘મોડ’માં મુકાઈ જતા હોઈએ છીએ! અન્ય વડીલોએ હજી બાકી રહી ગયેલી અવસ્થાની યાદ અપાવી છે… રાજકીય પંડિતાવસ્થા વડીલ ભલે શાંતિથી મોબાઈલમાં માથું ખોસીને બેઠા હોય, એમને આ અવસ્થામાં લાવવા માટે ફક્ત એટલું જ પૂછવાનું કે ‘અંકલ, શું લાગે છે, આ અફઘાનિસ્તાનનું?’ બસ, તરત જ વડીલનું નોન-સ્ટોપ એનાલિસિસ ચાલુ થઈ જશે! રશિયા, ચીન, પાકિસ્તાન, તાલિબાન, બાઈડન, પુતિન, જિન પિંગ શી, ઈમરાન ખાન અને ઈવન મોદીએ શું કરવું અને શું ન કરવું, ત્યાં સુધીની એક્સપર્ટ એડવાઈઝો એ રીતે આપવા માંડશે કે જાણે પોતે ટીવીની ન્યૂઝ ચેનલમાં બેઠા છે અને સામે પેલા બધા નેતાઓ એમના તમામ કામધંધા પડતાં મૂકીને એમને જ સાંભળી રહ્યા છે. વિશ્વ વિવેચકાવસ્થા અમુક વડીલો ચોવીસે કલાક આ વિવેચકની અવસ્થામાં જ હોય છે. પિત્ઝા ખાતી વખતે ફાસ્ટફૂડની ટીકા કરશે, ટીવી જોતી વખતે સિરિયલોની ટીકા કરશે, મેચ જોતી વખતે સમગ્ર ક્રિકેટ જગતની ટીકા કરશે, રસ્તે ચાલતા ખાડાની ટીકા કરશે, કારમાં બેઠા હશે તો, પેટ્રોલ-ડીઝલના ભાવની ટીકા કરશે, ટીવીમાં ન્યૂઝ જોતાં જોતાં તો ન્યૂઝ વાંચવાવાળીના ઉચ્ચારોની ટીકા કરશે. અરે, વરસાદ ધોધમાર પડશે તો તંત્રની ટીકા કરશે! એ તો ઠીક, રાતના મચ્છર કરડે એમાં પણ મ્યુનિસિપાલિટીનો વાંક કાઢશે અને સવારે ઊઠવામાં મોડું થઈ જાય (પોતાને નહીં, બીજાને) તો બગડી રહેલા સમાજની ટીકા કરી નાંખશે! એમને આ દુનિયામાં કશું જ ગમતું નથી છતાં ક્યારેય કબૂલ નહીં કરે કે ટીકાઓ કરવાનું તો બહુ જ ગમે છે! સ્થાયી વૈરાગ્યવસ્થા એમને બદામ-કેસરવાળું દૂધ આપો તોય કહેશે ‘આવું દૂધ પીને શું કરવાનું?’ ફિલ્મ જોવા લઈ જાવ તો કહેશે ‘આવી ફિલ્મ જોઈને શું કરવાનું?’ અચ્છા, કોઈ મંદિરની જાત્રાએ લઈ જાવ તોય પાછા આવીને કહેશે ‘આવી જાત્રાઓ કરીને શું કરવાનું?’ આવા વડીલો પરમેનેન્ટ વૈરાગ્યની અવસ્થામાં જીવતા હોય છે. ખતરનાક વાત એ છે કે એમનો આ વૈરાગ્ય અત્યંત ચેપી હોય છે! જો કોઈનાં લગ્નના રિસેપ્શનમાં તમે એમની પાસે જઈને બેઠા તો માત્ર પંદર મિનિટમાં તમારું દિમાગ બેસણાં જેવું કરી શકે છે. સાવધાન! લાઈફ@સિક્સ્ટી અવસ્થા આવા વડીલોને 60ની ઉંમર પાર કર્યા પછી જ જાણે નવું શૂર ચડે છે! મોબાઈલમાં લાઈફ બિગિન્સ એટ સિક્સ્ટી ટાઈપના મેસેજો વાંચી વાંચીને એમને આ ‘મોટિવેશન’ મળ્યું હોય છે. આટલી ઉંમર સીધી લાઈનમાં જીવી લીધા પછી એ અચાનક ‘આડા’ ફાટે છે! જાણે શું લાડવા લેવાના રહી ગયા હોય એમ રંગીન ટી-શર્ટો અને કાળા ગોગલ્સો પહેરીને ફરવા નીકળી પડે છે. લાફિંગ ક્લબમાં જઈને નવું નવું અને ખોટું ખોટું હસતાં શીખી આવે છે. પછી સાવ સડેલા જોક્સો બધાને માથે ફટકારતા ફરે છે. અમુકને વળી ફિટનેસના ધખારા ઉપડે છે તે જિમ જોઈન કરે છે. બાકીના કંઈક ‘નવું શીખવાને’ બહાને તબલાં, ઢોલક, હાર્મોનિયમ લઈને રાગડા તાણતાં ફિલ્મી ગાયનો ગાવાને રવાડે ચડે છે. આમાં સૌથી ડેન્જરસ એ ડોસાઓ છે જે ફેસબુકમાંથી શોધી શોધીને એમની જૂની સ્કૂલની છોકરીઓ સાથે ‘ફ્રેન્ડશિપ’ કરવા માંડ્યા છે! મોઘમ જ્ઞાની અવસ્થા આ વડીલો શ્રેષ્ઠ છે! એ લોકો સતત મંદ મંદ સ્મિત ફરકાવતા રહે છે! કશુંય ખાસ બોલ્યા વિના પોતે મહાજ્ઞાની છે એવો દેખાવ કરતા રહે છે. ખાસ કરીને યુવાનો એમનાથી બહુ ઈમ્પ્રેસ થઈ જાય છે, બાકી એમની ઉંમરવાળા તો જાણતા જ હોય છે કે… ⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...