ઓફબીટ:સ્વભાવનું ડાયટ

અંકિત ત્રિવેદી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયા સ્પાઈસી છે. ફ્રેન્ચ ફ્રાઈસ પર પેરી પેરીનાં ટોપિંગ્સ જેવી છે. તાવવાળું મોઢું હોય અને દવાને કારણે ત્રણ-ચાર દિવસથી જીભનો ટેસ્ટ બદલાઈ ગયો હોય ત્યારે આવું તીખું તમતમતું ભાવે છે. જીવવાના તાવથી આપણે રોજ કંટાળીને આવું બધું ઓનલાઈન ઓર્ડર કરીએ છીએ. આપણે ઘરે આવીએ છીએ– એ માત્ર શરીરથી જ આવીએ છીએ. આપણાં જ ઘરમાં હવે આપણે આપણા મોબાઈલને કારણે બહાર હોઈએ છીએ. રોજ ડાયટ બદલીએ છીએ, પણ સ્વભાવનાં ડાયટનું શું? ડાયટ કરતી વખતે જીભને નિરાશ નથી કરતાં! રોજ અવનવા નુસખા કરીએ છીએ. સ્વભાવ સાથે કોઈ બાંધછોડ નથી કરવી બસ. જેવો છે એ જ એને પાસે રાખવો છે. જે નથી ગમતાં એને નથી જ ગમાડવાં. જે ગમે છે એને આપણે ન ગમતાં હોઈએ તો પણ ગમાડવાં જ છે. આપણા સંકલ્પો સ્વભાવના એન્ટીબોડી વાઈરસ જેવા નથી રહ્યા! વાત વાતમાં ખીજાઈ જાય છે અને રીસાઈ જાય છે. ​​​​​​​ એકલા પડવા માટે આપણે ભીડમાં રહીએ છીએ. એકલા પડવા માટે ઘણાં બધાંને સાથે રાખીએ છીએ. આપણા સ્વભાવના ડાયટમાં હજુ પણ સુધારો કરવાની જરૂર છે. આપણે આપણાંથી કંટાળી ગયેલાં એવાં લોકો છીએ કે દિવસભર વ્હોટ્સએપ ઉપર કારણ વગરના મેસેજ ફોરવર્ડ કરીએ છીએ. આંસુનો સ્વાદ પૃથ્વી સિવાય બીજે ક્યાંય નથી. આપણાં સ્મિતનો અનુવાદ આપણા ધબકારા જ કરી શકે. એ પણ શબ્દોમાં તો નહીં જ! દિવસની જેમ પસાર થતાં આવડવું જોઈએ. રસ્તો પસાર થાય એમ ઝિંદાદિલી જોડે નીકળી પડવાનું! રસ્તાની આ તરફ જીવન છે. એની જોડે લોંગડ્રાઈવમાં નીકળી પડવાનું! પસાર થતી વખતે જે આનંદ આવે એને માણવાનો! બીજી તરફ મૃત્યુ છે. માટે રસ્તાને પસાર કરવાનો, ઓળંગવાનો નહીં! આપણાં ધમપછાડા આપણને મુબારક. બીજાને કનડે તો સમજવાનું કે આપણામાં હજુ ઘણું અડચણ રૂપ છે. જિંદગી રમત નથી. જિંદગી મેનેજમેન્ટ નથી. જિંદગી બસ જિંદગી છે. એમાં બધું જ ભરપૂર અને ધોધમાર છે. ફરિયાદો કર્યા વગર રસ્તો કાઢવા માટે છે. આપણા પ્રયત્નો આપણી મૂડી છે. નસીબનો વાંક જે કાઢે છે એને પોતાના પર ભરોસો નથી એવું કબૂલે છે. નસીબ આપણને ઉછેરે છે અને આપણી મહેનત એ જ નસીબને એક દિવસ નાનાં બાળકની જેમ તેડીને ફરે છે. દુનિયાને દેખાડવાનું અને દુનિયામાં દેખવાનું બંને આપણી જ આંખોથી છે. રસ્તો ચાલતો હોય ત્યારે પગલાંએ તાલ આપવાનો. એના તાલમાં દુનિયા આપોઆપ સૂર પૂરવશે. જિંદગી જીવવા માટે છે. ચાહવા માટે છે. આપણાં ઘરનાં સરનામે એનું મેળવણ છે. એમાં દહીંની જેમ પરિપક્વતાને જમાવતાં રહેવાની. બધાં જ બેક્ટેરિયા ખરાબ નથી હોતાં, શરીર માટે! એમ જિંદગીમાં ઘણું બધું સારું છે. જીવનના કોષોમાંથી રસ ઓછો ન થવો જોઈએ. બધું જ આપણી ધારણા મુજબનું થાય એમાં પણ નિરસતા આવી જાય છે. દુનિયા સ્પાઈસી છે. ટોપિંગ્સ આપણી ઈચ્છાઓ પ્રમાણે ઊમેરતાં જવાનું. જીભને આનંદ આવવો જોઈએ. એટલે જીવ ભયો ભયો!⬛ ઓન ધ બીટ્સ છે કેવો મજાનો ચહેરો પણ, શું ચહેરાનું અપમાન નથી? છે સોળ વરસની આંખો ને આંખોમાં કોઈ તોફાન નથી. - જિગર જોષી ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...