તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણી વાત:તમને પરીક્ષા આપવાનું ગમતું હતું?

વર્ષા પાઠક3 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકો એટલાં નિર્ભય, એટલાં બહાદુર હોય છે, કે એમની પ્રશંસામાં કહેવાય કે ‘પતા નહીં, કિસ મિટ્ટી સે બને હૈ’. હમણાં કોરોના મહામારીને કારણે દેશભરમાં અનેક સ્કૂલ અને બોર્ડ એક્ઝામ્સ રદ થઇ, બાળકોને માસ પ્રમોશન આપીને ઉપરનાં ધોરણમાં મોકલી દેવાયાં, ત્યારે એમાંથી મુઠ્ઠીભર વિદ્યાર્થીઓ માટે આશ્ચર્ય અને અહોભાવપૂર્વક આવા શબ્દો ઉચ્ચારવાની ઈચ્છા થઇ ગઈ કે ખબર નહીં આ વીર જવાનો કઈ માટીમાંથી બન્યાં છે. કારણ? તો કહે કે એમને વગર પરીક્ષાએ પાસ થઇ જવાનું ભારે દુઃખ હતું. કોરોના સામે લડીને પણ એ બાલવીરો એક્ઝામહૉલમાં પહોંચવા તત્પર હતાં. આ વાંચ્યું, સાંભળ્યું ત્યારે પહેલાં તો મને મારાં આંખ, કાન પર ભરોસો નહોતો બેઠો. ખરેખર આ દેશ, દુનિયામાં એવાં બાળકો વસતાં હતાં જેમને પરીક્ષા આપવાની આટલી હોંશ હતી? પણ આવું બને જ કઈ રીતે? મારાં જેવાં લાખો કરોડો લોકો માટે વિદ્યાર્થીકાળ દરમિયાન સતત ભયભીત કરતો રહેલો મહાદાનવ એટલે પરીક્ષા. ‘આ એક્ઝામની શોધ કોણે કરી હશે, એ મળી જાય તો એને થાંભલા સાથે બાંધીને પછી મારા બધાં ફ્રેન્ડ્સને બોલાવીને એટલો મારું, એટલો ટોર્ચર કરું....’ બે-ત્રણ વર્ષ પહેલાં મારા પરિવારના એક સ્વીટ એન્ડ જેન્ટલ ગણાતા છોકરાએ હિંસકભાવે આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે મેં એને દિલથી ટેકો આપેલો. પરીક્ષાનું તૂત એણે જ ઊભું કર્યું હશે જેને નાનાં નિર્દોષ બાળકો પ્રત્યે ભયાનક નફરત હશે, કોઈ ચિંતા વિના હસતાં-રમતાં કિલ્લોલ કરતાં બાળકોને જોઈને એ માણસના પેટમાં કડકડતું તેલ રેડાયું હશે, એટલે એણે પરીક્ષાની શોધ કરી. સોનેરી બાળપણમાં લોઢાની મેખ મારી દીધી અને એ પણ કેટલી ખતરનાક કે મરતાં સુધી એક્ઝામનો ડર મનના એક ખૂણે સંઘરાઈ રહે. અને ગમે તે ઉંમરે ઊંઘમાં સપનું બનીને ડરાવવા માટે આવી પહોંચે. બોલો, તમને પરીક્ષાનું સપનું આવે છે? ક્યારેય ન આવતું હોય તો તમારી ગણતરી આ કોલમની શરૂઆતમાં જેમના વિશે લખ્યું એ બહાદુર બાળકોમાં થવી જોઈએ અને જેને એવું સપનું આવતું હોય પણ એમાં બધું સારું જ થતું હોય, એ વ્યક્તિ તો મ્યુઝિયમમાં મૂકવા જેવી દુર્લભ જણસ ગણાવી જોઈએ. બાકી, હું તો જેટલાંને પૂછું એમાંથી મોટાભાગનાં લોકોએ પ્રસંગોપાત આ દુઃસ્વપ્ન આવતું હોવાનું કબૂલ્યું છે. ઊંઘ ઊડી ગયા પછીયે થોડો સમય તન-મન થથરતાં રહે. અને એમાંથી એક બીજો સવાલ ઉદ્દભવે કે આવાં લોકોને મોટા થઈને ટીચર બન્યા પછી શું કામ એક્ઝામ લેવાનું મન પણ થતું હશે? ચાલો, ટીચર થયા પછી નિયમાનુસાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડે, પરંતુ એને અઘરી શું કામ બનાવતાં હશે? અને આ લોકો કેવા-કેવા પેંતરા કરે છે, એનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ કહેલો અનુભવ સાંભળો. સંસ્કૃતની પરીક્ષા હતી. સ્કૂલમાં જેને આ ભાષામાં બિલકુલ રસ કે ગતાગમ ન હોય એને પણ આ ભાષામાં પાસિંગ માર્ક્સ મળી જાય. બસ, થોડા શ્લોક અને ભાષાંતર ગોખી મારવાનાં, અને થોડા ‘નોનિનુના’વાળા નિયમો યાદ રાખવાના, પણ આઠમા કે નવમા ધોરણની મિડટર્મ એક્ઝામમાં સંસ્કૃતનું પેપર સેટ કરનાર ટીચરે વળી એક ઠેકાણે પુસ્તકના બે જુદા-જુદા શ્લોકમાંથી બબ્બે લાઈન લઈને એક શ્લોક બનાવ્યો અને એનું ભાષાંતર કરવાનું કહ્યું. અનેક ભલાભોળા વિદ્યાર્થીઓએ પેપરમાં શ્લોકની પહેલી એકાદ-બે લાઈન વાંચીને ફટાફટ ભાષાંતર કરી નાખ્યું. આખો શ્લોક વાંચવાની ફુરસદ કોને હોય? પરિણામ કલ્પી શકો છો. સ્ટુડન્ટ્સ કેટલા ગોખણિયા થઇ ગયા છે, એનું લેક્ચર વરસના અંત સુધી સાંભળવું પડ્યું. હવે તમે જ કહો, પરીક્ષામાં આવા અળવીતરા સવાલ પૂછીને શું મળે, સિવાય કે 14, 15 વર્ષના વિદ્યાર્થીને ત્રાસ? મારી એક બીજી મિત્રના કહેવા મુજબ આવા પરપીડનવૃત્તિ ધરાવતા શિક્ષકો પણ હોય છે, જેમના વિશે પણ ‘ટીચર્સ ડે’ નિમિત્તે લખવું જોઈએ. પણ ના, આપણે ત્યાં તો ગુરુ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ટ્રિપલ રોલમાં હોય. અને પરીક્ષાઓ રદ થવાથી જે એક નાનો વર્ગ નારાજ છે, એમાં કદાચ ટફ પેપર સેટ કરવાના શોખીન શિક્ષકો પણ સામેલ હોવા જોઈએ. માસૂમ બાળકોને આતંકિત કરવાનો સૌથી મોટો અવસર એમનાં હાથમાંથી સરી ગયો. અમુક સ્કૂલોએ નાનું આશ્વાસન લીધું. વર્ષભર ઓનલાઇન ભણાવ્યા બાદ ઓનલાઇન એક્ઝામ લીધી, પણ પછી બધાંને પાસ કરી દીધાં કે કરવા પડ્યાં, એ જોકે સહેજ કઠ્યું હશે. દસમાની બોર્ડ એક્ઝામમાં હન્ડ્રેડ પરસેન્ટ રિઝલ્ટ બતાવીને ખુદને બહુ સારી સ્કૂલ સાબિત કરવા માટે મથતાં લોકો દુઃખી હશે કે આ વખતે તો મ્યુનિસિપલ સ્કૂલવાળાં પણ એમની સાથે ઊભાં છે. નાક ઊંચું રાખીને ફરતા સ્ટુડન્ટ્સને, રાધર એમનાં મા-બાપને પણ આ જ વાતનો રોષ હશે કે વર્ષો સુધી જેમને નીચું દેખાડ્યું, એ પણ આ વખતે એમની સાથે પાસ થઇ ગયાં. બહુમતી જોકે જલસામાં છે. અફકોર્સ, સખત આકરી કોમ્પિટિટિવ એક્ઝામ્સ લેનારને હમણાં વધુ મજા આવી રહી હશે. એ લોકોએ એક્ઝામ્સ કેન્સલ નથી કરી અને હવે ક્યારે લેવાશે એ પણ નથી કહેતા. તારીખ આપે છે, પછી પાછળ ધકેલે છે, છોકરાં ભલે ભણ્યાં કરતાં. પછી જ્યારે થોડાં નિરાંતમાં હશે ત્યારે જ પરીક્ષાની ચોક્કસ તારીખ જાહેર કરીને એમના માથે અઘરું પેપર ફટકારી દેશે. અને ખરાબ લાગે તો માફ કરજો, પણ મારાં જેવાં ભણવાનાં ચોરલોકોને એક શંકા થાય કે જે બાળકો એક્ઝામ નહીં આપ્યાનું દુઃખ વ્યક્ત કરે છે, એ સાચું બોલે છે કે જસ્ટ મમ્મી-પપ્પાને ખુશ કરે છે? ⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...