સમયના હસ્તાક્ષર:દુનિયાભરમાં સરમુખત્યારો... ઘટ્યા કે વધ્યા?

13 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • શી જિનપિંગે એકઝાટકે બંધારણમાં ફેરફાર કરીને પ્રમુખ તરીકે આજીવન ચાલુ રહે તેવો સુધારો કરાવી નાખ્યો! પછી કહે કે આ તો જનતા ઈચ્છે છે! ચીની સરમુખત્યારી સામ્યવાદની સાથે જોડાયેલી છે. આ પણ એક મોટો વિરોધાભાસ છે.

રાજ્ય વ્યવસ્થાના અનેક પ્રકારોમાં એક રાજાશાહી, બીજી સરમુખત્યારશાહી મુખ્ય ચર્ચાનાં કેન્દ્રો રહ્યાં છે અને તેનું મુખ્ય કારણ નાગરિકની સ્વાધીનતા પ્રત્યેની લાગણી છે. હા, પ્રજાપ્રિય રાજા કે લોકોનું ભલું ઇચ્છતો સરમુખત્યાર પણ કોઈકવાર તેને પસંદ પડે છે. ‘દેખ બિચારી બકરીનો, કોઈ ન જાતાં પકડે કાન, એ ઉપકાર ઈશ્વરનો ગણી, હરખ હવે તું હિંદુસ્તાન.’ કવિતા તેનું ઉદાહરણ છે. ક્વીન વિક્ટોરિયાની પ્રશસ્તિ સાથે આપણાં, સભા-સમારંભો શરૂ થતાં.

કોંગ્રેસની સ્થાપના થઈ 1885ના, તે દિવસે ગોકુલદાસ તેજપાલ હૉલ, મુંબઇનો અહેવાલ જોઈ જજો. કોંગ્રેસનો પ્રારંભ ‘વિક્ટોરિયા અમર રહો’ના ગીતથી અને બ્રિટિશ શાસન પ્રત્યેની વફાદારીના ઠરાવ તેમજ ભાષણોથી થયો હતો. છેક 1905 પછી લોકમાન્ય તિલક અને અરવિંદ ઘોષના પ્રયાસોથી કોંગ્રેસનું સ્વરૂપ આંશિક રીતે બદલાયું અને સુભાષ ચંદ્રના ખુલ્લા વિદ્રોહને લીધે તેમજ વિદેશોમાં લાલા હરદયાલ, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા જેવાંના પ્રચારથી આંદોલનોમાં સંપૂર્ણ સ્વરાજની માંગ ઉમેરાઈ ત્યારે પક્ષનું સ્વરૂપ આંશિક રીતે બદલાયું હતું.

તાજેતરના સમાચાર ચીનના છે અને તે દુનિયામાં વધતા જતા સરમુખત્યારોની ચર્ચા સાથે જોડાયેલા છે. ફિડલ કાસ્ટ્રો, ઈદી અમીન, જોસેફ સ્ટાલિન, માઓત્સે તુંગ, એડોલ્ફ હિટલર, જોસેફ બ્રોઝ ટિટો, ગમાલ અબ્દુલ નસર, રાજવી હિરોહિતો, રાણી વિક્ટોરિયા, ફ્રાન્સિસ્કો ફ્રાંકો.. આ નામો જાણીતાં, પણ સરવાળો કરીએ તો 100 જેટલા સરમુખત્યારોની યાદી થઈ શકે.

રસપ્રદ વાત તો એ છે કે તેમાંના કેટલાંક તો ‘લોકશાહી’, ‘લોકોનું શાસન’ જેવા માળખા સાથે સ્થાપિત છે. બ્રિટનને લોકશાહીનો સ્તંભ ગણવામાં આવે છે. ગાંધીજી પણ બ્રિટિશ લોકશાહી અને પ્રજા પ્રત્યે પ્રેમ ધરાવતા હતા. હવે, તેનું લોકશાહી સ્વરૂપ ક્વીન એલિઝાબેથ સાથે જોડાયેલું રહ્યું છે. રાણી અવસાન પામ્યાં ત્યારે ઈંગ્લેન્ડનાં લોકોની તેમને અંજલિ આપવા કતાર લાગી એ તો ઠીક, પણ ભારતમાં પણ એવી માનસિકતા દેખાતી રહી. જોકે, હવે બ્રિટનમાં પણ ચર્ચા શરૂ થઈ છે કે આ રાણી અને રાજકુમારની પ્રથાની શી જરૂર છે? બાકી બધું તો લોકશાહી ઢબે ચાલે છે તો રાજાશાહીને મબલખ ખર્ચની સાથે વેંઢારવાની કોઈ આવશ્યકતા નથી!

ચીનને ‘પીપલ્સ ડેમોક્રસી ઓફ ચાઈના’ કહેવામાં આવે છે, તેની સેના ‘પીપલ્સ આર્મી’ છે, તેનું મુખ્ય છાપું ‘પીપલ્સ ડેઈલી’ છે, બંધારણ છે, ચૂંટણી છે, પ્રમુખ, વડાપ્રધાન જેવા બંધારણીય હોદ્દા છે. પણ વાસ્તવિકતા? શી જિનપિંગ એકઝાટકે બંધારણમાં ફેરફાર કરીને પ્રમુખ તરીકે આજીવન ચાલુ રહે તેવો સુધારો કરાવી નાખ્યો! પછી કહે કે આ તો જનતા ઈચ્છે છે! ચીની સરમુખત્યારી સામ્યવાદની સાથે જોડાયેલી છે. આ પણ એક મોટો વિરોધાભાસ છે. સામ્યવાદની કોઈ લોકશાહી હોઈ શકે જ નહીં. રશિયામાં જોસેફ સ્ટાલિને જે રીતે કરોડોની કત્લેઆમ કરીને ‘કોમ્યુનિસ્ટ સોવિયેત સંઘ’ને સાચવ્યો તેવું જ ચીનમાં માઓએ કર્યું. ક્યુબામાં રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રોની પોતાની પુત્રી જ દેશમાંથી ભાગી છૂટી હતી. સ્ટાલિનની પુત્રી સ્વેતલાનાએ તો ભારતમાં આશ્રય પણ માગ્યો પણ તેમ ના થયું એટલે અમેરિકા પહોંચી ગઈ હતી. ચીનમાં પણ એવી જ પરંપરા છે. ટીનાનમેન ચોકમાં કેટલાં બધાં યુવક-યુવતીઓને, લોકશાહીની માગણી માટે સેનાની ટેન્કો હેઠળ કચડી નાખવામાં આવ્યાં. આ શી જિનપિંગ પણ પાક્કો સરમુખત્યાર છે. દસ વર્ષ પહેલાં તે સીપીસી (કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના)નો મહામંત્રી હતો. દેખાવ તો એવો કર્યો કે ચીનનો ગોર્બાચોફ કહેવાયો. માઓએ જે એકહથ્થુ શાસન કર્યું તેમાં મોટા સુધારા કરીને ઉદાર સત્તાનો પ્રારંભ કરશે એવી આશા હતી. તેનો સંબંધ ડેંગ ઝિયાપોંગ સાથે હતો, પણ તેનું ખરું સ્વરૂપ દસ વર્ષ પછી દેખાયું કે અરે, આ તો સ્ટાલિન અને માઓનું ખતરનાક મિશ્રણ છે! તેણે પૂર્વ નેતાના ઉદારવાદનો જ સફાયો કરી નાખ્યો, તેનો પિતા શી હોંગક્ષન પક્ષમાં અને સત્તામાં ફેરફાર માટે સક્રિય હતો અને શ્રમછાવણીની સજા થઈ હતી.

માઓના મોત પછી તે ફરીવાર પક્ષમાં અસરકારક બન્યો ત્યારથી તેનો બીજો પુત્ર અને આજનો દુનિયાનો મોટો સરમુખત્યાર શી જિનપિંગ તેનો ઊંડો અભ્યાસ કરીને આગળ વધ્યો અને સામ્યવાદથી લગભગ ટેવાઇ ગયેલા ચીનની પ્રજાને પાક્કો સરમુખત્યાર જ પસંદ પડશે એવો બોધપાઠ લીધો. તેણે સ્ટાલિનનો રસ્તો પકડ્યો. ઝેંગકાઇ, યોંગ કેંગ, બો ઝીલાઈ, ક્વિંગલીન સહિતના 100 નેતાઓને તેણે અપ્રભાવી બનાવી દીધા. આ બધાં નામો ચીની ભાષા અને ઉચ્ચારણો જેવાં વિચિત્ર છે અને હાલના સત્તાધારીઓ જેવાં જ ખતરનાક છે. કાઇ શેયા બિચારો કોમ્યુનિસ્ટ પક્ષની વિચારધારાનો મુખ્ય ચિંતક હતો, કોમ્યુનિસ્ટોને શિક્ષિત કરતી સ્કૂલનો પ્રબોધક હતો. આજે કઈ જેલમાં જીવે છે કે નહીં, તેની કોઈને ખબર નથી. આગામી મહિને મળી રહેલી સર્વોચ્ચ સત્તા ધરાવતી બેઠકમાં શી જિનપિંગ ફરીવાર સત્તાનો કબ્જો ચાલુ રાખવામા સફળ થશે કે કેમ તે ખબર પડી જશે, કારણ કે લી કેક્વિયાંગ નામે શક્તિશાળી હરીફ ઊભો થયો છે, તેણે કોવિડ મહામારી દરમિયાનની નિષ્ફળતા વિશે જાહેરમાં ટીકા કરી હતી. આ વખતે તે સ્પર્ધામાં તો છે પણ ચીની માઓ પરંપરા મુજબ તેનો પ્રભાવ ખલાસ કરવા માટે જે કંઈ ઉપાયો આજનો સરમુખત્યાર સામ્યવાદી શહેનશાહ કરશે તેની રાહ જોઈએ. આવું જ નસીબ પુટિનનું છે.

તાજેતરમાં મૃત્યુ પામેલા મિખાઈલ ગોર્બાચોફે સ્ટાલિનશાહીને સમાપ્ત કરી દીધી હતી. તેની અંતિમ વિધિમાં પુટિન હાજર રહ્યો નહીં, કારણ કે તેની સરમુખત્યારીનો રસ્તો સ્ટાલિન સાથે મેળ પાડે તેવો છે, પણ હવે રશિયન પ્રજા લોકશાહી પ્રત્યે જાગૃત છે એ પણ નોંધવા જેવું છે.{ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...