તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદાઝે બયાં:ડાયરી રે ડાયરી જાણે ભુલાયેલી શાયરી!

સંજય છેલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એડ્રેસબુકમાં ઘણાં નામ ‘કોડવર્ડ’ની જેમ લખેલાં હોય છે

આઇનાથી મોટો કોઇ ન્યાયાધીશ નથી.(છેલવાણી) પ્રેમીએ પ્રેમિકાને પૂછયું,’મને ભૂલી તો નહીં જાય ને?’, ‘હોતું હશે? મન્નુ?’ ‘મારું નામ પપ્પુ છે! ઇડિયટ!’ પ્રેમી ભડક્યો કે આને તો અત્યારથી જ મારું નામ યાદ નથી તો આગળ શું? મા ગંગા નદી ક્યારે સાફ થશે એની ખબર નથી, પણ મેં તો 2021 આવતા વેંત ટેલિફોનની ડાયરી સાફ કરી જ નાખી. જૂની ડાયરી જોઇને થયું કેટલાં નક્કામા લોકો સ્પેસ સાચવીને બેઠાં છે. અમુક એવાં નામ છે કે જેને રૂબરૂ મળીએ તો બોલાઈ જાય કે, ‘તારું નામ યાદ છે, પણ ચહેરો યાદ નથી આવતો!’ અમુક એવાં છે કે જેની સાથે કદીયે વાત નથી કરી ને એવાં લોકો ફોન ડાયરીમાં ગેરકાયદે જગ્યા પચાવીને બેઠાં છે! મારા જીવનમાંથી તો ઠીક પણ પૃથ્વી પરથી જતાં રહેલાં લોકો, ડાયરીમાં હજી છે. અમુક છોકરીઓના પરણીને નામ બદલાઇ ગયાં છે, પણ તોયે હઠીલા ભાડૂઆતની જેમ ડાયરી અને યાદોમાંથી જતી જ નથી! આયુર્વેદમાં જેમ ત્રિફળાનો મહિમા છે કે ગુજરાતી કવિતાઓમાં ગોપી ને કાનુડાની મહત્તા છે, એ જ રીતે ડાયરીઓમાં ‘એમ’ અને ‘એસ’ અક્ષરોની ખૂબ ડિમાન્ડ છે. ‘મ’ અને ‘સ’વાળા પાનાં પર ઘણાં લોકો હોય છે! મહેશ-મયંક-માયા-મોન્ટી-મન્સૂર-સંજય-સુરેશ-શીલા-સ્વાતિ-સ્વિટી એકબીજાનાં ખોળામાં,ખભા પર, એકબીજાંને ભેટીને, એકબીજા પર લેટીને ઉપર-નીચે-આડાઅવળાં છવાયેલાં છે. દૂરથી જોઇએ તો એમ લાગે કે એ ખજૂરાહો મંદિરની કોઇ દીવાલ છે, જ્યાં સાત-આઠ કપલ એકબીજા સાથે શ્રૃંગારમાં બિઝી છે! માટે હવે જો ‘મ’ કે ‘સ’વાળાં નવાં નામ લખવાં હોય તો લગભગ ત્રણ-ચાર વર્ષ જેટલું લાંબુ વેઇટિંગ લિસ્ટ છે! હાલત એવી છે કે ‘મ’ કે ‘સ’ પરથી નવી વ્યક્તિ મળે તો કહેવું પડશે કે, ‘સોરી, આપણે ફ્રેન્ડ નહીં બની શકીએ. તમારાં નામ માટે મારી ડાયરીમાં જગ્યા! તમે ‘વેઇટિંગ લિસ્ટ’માં છો. તમારો ટોકન નં. છે ‘મ-218’!’ અને મ-સ-ક-પ જેવાં પોપ્યુલર અક્ષરોથી બિલકુલ ઊંધુ- ‘એક્સ’, ‘વાય’, ‘ઝેડ’ના પાનાંઓ પર છે. ત્યાં રણનાં વીરાના જેવી જગ્યા જ જગ્યા છે. એ ખાલી પાનાં પર કોઇ બિલ્ડરનું ધ્યાન જાય તો એને જમીનનો પ્લોટ માનીને કબ્જે કરી લે! માટે હવે જો નવો મિત્ર પોતાનું નામ મનોજ કે સમીર-માંથી બદલીને ‘યયાતિ’ કે ‘ઝંડુશ્વરદેવ’ રાખવા રેડી હોય તો જ એને એડ્રેસબુકમાં જગ્યા આપી શકીએ! એકચ્યુઅલી, વર્ષોથી રાહ જોઇએ છીએ કે ‘ઝેડ’ કે ‘એકસ’વાળાં કોઇક તો અમને મળે! અમે જો સરકાર હોત તો આવા નામવાળાંઓને સામેથી પૈસા કે સબસીડી આપીને પ્રોત્સાહન આપત. હવે તો જીવનમાં એક જ ઇચ્છા બાકી રહી ગઇ છે કે મરતાં પહેલાં ‘ક્ષીરસાગર’ ‘ક્ષેરોફલેક્સ’ કે ‘ઝીણાંદાંડાવાળા’ જેવી સરનેમ ધરાવતી કોઇ ફેમિલી સાથે અમારો પરિચય થાય અને આખી ફેમિલીના નામો ‘એક્સ’ કે ‘ઝેડ’ના પાનાં પર અમે લખી શકીએ અને ડાયરીનાં એ ખાલી પાનાં ભરી શકીએ. કારણ? જ્યાં જ્યાં ઝેડ-એક્સનાં પાનાં ત્યાં ત્યાં સદાયે ખાલી ખાનાં! ઇન્ટરવલ તેરે નામ કા દિવાના, તેરે ઘર કો ઢૂંઢતા હૈ, એક સફરમેં હૈ મુસાફિર, હમસફર કો ઢૂંઢતા હૈ. (આનંદ બક્ષી) હર વર્ષ, સહર્ષ નવી ડાયરી કે નવી એડ્રેસબુક શરૂ કરવાની અલગ જ મજા છે. આજના યુગમાં તમે કમ્પ્યૂટર કે ફોન પર એડ્રેસબુક ભલે બનાવો કે સાચુકલી કાગળની ડાયરીની મજા કૈંક ઓર જ છે. કાગળની ડાયરીમાં એક સુખ છે કે એ હેંગ નથી થઇ જતી. કાગળની ડાયરીને ચાર્જ પણ નથી કરવી પડતી. કાગળની ડાયરી, સમય સંદૂકમા સદાકાળ સચવાય છે. જૂનાં સંબંધોની જેમ જૂની ડાયરીઓ પણ સાલી બહુ અલગ જ માહાત્મ્ય ધરાવે છે. વળી, એક જમાનામાં નવા વરસે કેલેન્ડરવાળી ડાયરીઓમાં અગત્યનાં કામ, તારીખો નોંધવાની મજા જ અલગ હતી. તમે માર્ક કરજો કે જેમ ઉંમર વધશે એમ નવા કેલેન્ડર, ડાયરી વગેરે જલ્દી જલ્દી ખરીદશો.જલ્દી જલ્દી, આખું વરસ પ્લાન કરશો. નાનપણમાં એવું નહોતું. આખી ડાયરીમાં માત્ર એક જ નોંધ મૂકાતી: ‘મારો બર્થ ડે!’ અને બહુ બહુ 4-5 મિત્રોના નંબર–એડ્રેસ એમાં લખાતાં. બહુ બહુ તો એકાદ જૂની ગર્લફ્રેન્ડ જે પરણી ગઇ હોય તોયે એના પિયરનો નંબર સાચવી રાખવામાં આનંદ આવતો, પણ આજે તો ખૂબ બધા કામના કે નાકામા કામ છે, ખૂબ બધાં જાણીતાં-અજાણ્યાં નામો છે, પણ તોયે આખી ડાયરીમાં કશું જ નથી એમ લાગે. ગયા વરસની ડાયરીમાં કરેલાં પ્લાનિંગ અને ગુમ થયેલાં નામો, જુઠ્ઠી સરકારના વાયદાની જેમ દર વરસે આપણા પર હસી રહ્યાં હોય છે! અને આપણી એડ્રેસબુકમાં ઘણાં નામ ‘કોડવર્ડ’ જેમ લખાયેલાં હોય છે, જેને પછી આપણે પોતે પણ ભૂલી જઇએ છીએ. ‘મનુ-પ્લાસ્ટીક’, ‘ચંદુ-જીમખાના’ જેવા નામો સમય જતાં અર્થ ગુમાવી દે છે. આધુનિક કવિતાની જેમ એને સમજવા માટે ચારે બાજુથી કાગળ ફેરવીને વાંચવા પડે અને ત્યારે માંડ સમજાય કે, ‘ઓહો... આ મનુ પ્લાસ્ટિક તો પેલો મનુ ચોથાણી, જે રબરના ચપ્પલ પહેરીને, પ્લાસ્ટીકનો બિઝનેસ કરતો.’ ઘણાં પ્રેમીઓ પાછાં એડ્રેસબુકમાં પ્રેમીઓનાં નામ લખવા અંગે ખૂબ ક્રિએટીવ હોય છે. ખાસ કરીને મોબાઇલનાં લિસ્ટમાં છોકરીઓ, લવરલોક સારું ‘જાનૂ’, ‘ક્યૂટીપાઇ’, ‘હની’ જેવાં નામો વાપરે છે! એમાંયે અમુક કન્યાઓ પાસે એકસાથે એટલાં બધાં પ્રેમીઓ અવેલેબલ હોય કે એમણે ‘જાનુ-1’, ‘જાનુ-2’, ‘જાનુ-3’ વગેરે લેબલ મારે! ઇતિહાસમાં જ્યોર્જ-પહેલો, માઇકલ-બીજો જેવા રાજાઓ હતાં એમ જ. અમુક છોકરાઓ ગર્લફ્રેન્ડ માટે શારીરિક ગુણો વડે ‘જાડી’, ‘અગરબત્તી’ કે ‘કાલકા’ જેવાં નામો બનાવે. કેટલાં ઉધારિયા લોકો, જેની પાસેથી પૈસા લીધા હોય એના નામ આગળ ‘એવોઇડ’ એ રીતે લખે જેમ ગુજરાતીના મહાકવિ ત્રિભુવનદાસ લુહાર પાછળ ‘સુંદરમ’ લખાય છે! પણ હવે તો લેપટોપ, ટેબ્લેટ કે સેલફોન પર જ નામ-નંબર કે નોટ્સ લખાય છે. હવે એવી એડ્રેસબુકમાંથી, જૂની ડાયરીની જેમ કાળાં પડેલાં ફૂલો કે પીળી પડેલી બસની ટિકિટ નથી મળી આવતી. ‘અચાનક’ જૂની યાદોનો વૈભવ હવે નથી જડી આવતો. હવે એક ફોનમાંથી બીજામાં કે એક મશીનમાંથી બીજામાં નામો, નંબરો કે યાદો, કચરાનાં ટ્રકની જેમ તરત ઠલવાઇ જાય છે. જૂના નંબરો ફરી લખવાની કે જૂનાં નામોને છેકવાની લાગણીભરી લકઝરિયત હવે રહી નથી. વર્ષો પહેલાનાં મિત્ર કે પ્રેમીનું નામ જોઇને ફ્લેશબેકમાં સરી પડવાની ક્ષણો એમાં નથી, પણ ડાયરી કાગળની હોય કે ફોનની હોય, ઘણાં નામ-નંબર-સરનામા ક્યારેય છેકી શકાતાં નથી, પછી એ માણસો કે સંબંધો હજી જીવતાં હોય કે ના હોય... સોરી, જરા સીરિયસ થઇ જવાયું, પણ પેલાં ‘ર’, ‘મ’, ‘અ’, ‘સ’વાળાં આટઆટલાં નામોને કાઢીને હવે ક્યાં નાખશું? ડાયરીમાં કે જીવનમાં હવે જરાય સ્પેસ બચી નથી.‘ળ’, ‘ખ’, ‘ઘ’, ‘ક્ષ’ કે ‘ઋ’વાળાં કોઇ નવાં નામો હવે મળે તો સારું, કારણ કે ડાયરી હોય કે જીવન, પાનાં સાવ કોરાં તો સારાં ન જ લાગેને? વરસે વરસે બદલાતા સંબંધોના સમ! એન્ડ ટાઇટલ્સ ઇવ : મને ઓળખી? આદમ : નંબર યાદ છે, ચહેરો નહીં! sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો