ક ર્ણ એ મારા મતે માત્ર વ્યક્તિ નથી પરિસ્થિતિ છે. પ્રત્યેક તેજસ્વી વ્યક્તિનાં જીવનમાં એવી ક્ષણ આવી જ હોય જ્યારે તે પોતે અતિ ક્રૂર રીતે કચડાયો હોય એવો સ્વાનુભવ થાય. પોતાના અપાર સામર્થ્ય કે જ્ઞાનને પ્રગટ કરવાનો તેને મોકો જ ન આપવામાં આવે. એ કચડાયેલી ક્ષણો જીવનના સ્વાભિમાનને ઘાયલ કરી બેસે છે. તમામ સત્માર્ગો, સત્કર્મો અને સત્કાર્યોને છોડીને કુમાર્ગે શોર્ટકટ અપનાવવાનું મન કેટલાંયને થઈ જાય છે. જે સંયમ ખોઈ બેસે છે તે અધર્મના રસ્તે નામ કાઢે છે. જે અપમાનના ઘૂંટડા ગળે ઉતારી દે છે એ અર્જુન બને છે. સ્વયં નારાયણ તેના સારથિ અને સંરક્ષક બને છે. કર્ણની વાત પરથી મને એટલું તો ચોક્કસ સમજાય છે કે જ્યારે તમારી સાથે કશો ઘોર અન્યાય થાય ત્યારે સમજવું કે તમારા સંસ્કારોની પરીક્ષાની ઘડી છે. એ નાજુક ક્ષણોમાં સ્થિરતા ટકાવવાની છે. પિત્તો ગુમાવ્યા વગર અને પ્રતિશોધની આગમાં બળ્યા વગર સ્થિતપ્રજ્ઞ રહેશો તો કદાચ પ્રભુ હાથવેંતમાં હશે! કર્ણની વાર્તા દ્વારા ભગવાન વેદવ્યાસ કદાચ એક બે વાત આપણને સૌને હિડન એજન્ડાથી સમજાવી રહ્યા છે. એક તો તમારા પૂર્વ જન્મનાં કર્મોનો હિસાબ તમારે ચૂકવવો જ પડે છે. મહાભારત એ કેટલાક શાપિત આત્માઓનો શંભુમેળો છે. મહાભારતની એક ઓછી પ્રચલિત કથા મુજબ સહસ્ત્રાર્જુન નામના એક દૈત્યે દિવ્ય સાધના કરી સહસ્ત્ર કવચ વરદાનમાં મેળવેલાં. તેના એક કવચને ભેદવા માટે દસ હજાર વર્ષનું તપ જોઈએ. તેને લાગ્યું કે પોતે અજીત છે તેથી તે દુરાચારના માર્ગે મદાંધ બન્યો અને અત્યાચાર આદરવા લાગ્યો. દેવતાઓએ નર નારાયણને સહસ્ત્રાર્જુનના વધ માટે માંગણી કરી. બદ્રી કેદાર ક્ષેત્રમાં કોઈ એક દિવસ તપ કરે તેને દસ હજાર વર્ષનું પુણ્ય પ્રાપ્ત થાય. આ રીતે એક દિવસ નારાયણ તપ કરે અને નર પેલા સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કરી તેનું એક કવચ ભેદે. બીજા દિવસે નર તપ કરે અને નારાયણ યુદ્ધે ચડે. આ રીતે નર નારાયણે 999 કવચ ભેદ્યાં. આમ સહસ્ત્રાર્જુન પાસે એક જ અંતિમ કવચ વધ્યું. પોતાનું મૃત્યુ સમીપ દેખાતા સહસ્ત્રાર્જુન સૂર્યના શરણે ધસી ગયો. પછી સૂર્યદેવતાની કૃપાથી એ જ સહસ્ત્રાર્જુન સૂર્યપુત્ર કર્ણ સ્વરૂપે પોતાનું અંતિમ કવચ અને કુંડળ લઈ ધરતી પર માતા કુંતીની કૂખે જન્મ્યો. પૂર્વ જન્મોનાં કર્મો અને વૃત્તિને લીધે અપાર શક્તિ અને સામર્થ્યનો માલિક હોવા છતાં અંતે તો તેણે અધર્મનો જ સાથ આપ્યો. એટલે જ નારાયણની આજ્ઞાથી નર (અર્જુન)ના હાથે મરાયો. હવે આ રીતે જોવા જઈએ તો કર્ણ સાથે જે કંઈ થયું તે યોગ્ય જ ન કહેવાય. વાચકોને પ્રશ્ન થાય કે તો શું આપણા જીવનમાં જ્યારે પણ કોઈ અઘટિત કે અનિચ્છનીય ઘટના ઘટે ત્યારે શું પૂર્વ જન્મનાં કર્મોની માળા ફેરવી તેનો સ્વીકાર જ કરી લેવાનો? ના ભઈ! હરગીઝ નહી. એ સ્વીકાર ભાવ તો અધ્યાત્મની ઉચ્ચ અવસ્થાએ કો’ક કો’ક વીરલા સાધકોને પ્રાપ્ત થાય. કર્ણે પણ પરિસ્થિતિનો સ્વીકાર ક્યાં કર્યો હતો? નહીંતર પ્રતિશોધની જ્વાળામાં જીવનભર એ બળ્યો જ ન હોત. મિત્રતાના ઉદાહરણ વખતે સૌને ક્રિશ્ન-સુદામા જ કેમ સાંભરે છે? કર્ણ અને દુર્યોધન કેમ નહીં? કારણ કદાચ એટલું જ કે મિત્રતાના ઉપકારના ભાર તળે ધર્મ-અધર્મનો વિવેક જે ચૂકી જાય તેની વફાદારી પણ વગોવાઈ જાય. કર્ણમાંથી આપણે સજ્જડ રીતે એ શીખવાનું રહ્યું કે મિત્રતામાં આંધળા ન થઈ જવાય! જ્યારે આપણે દુઃખી અને અપમાનિત હોઈએ ત્યારે સહાનુભૂતિના મલમના નામે કોઈ આપણો ઉપયોગ ન કરી જાય એ માટે આપણે સતર્ક રહેવું જ ઘટે. શક્તિશાળી વ્યક્તિ સભાનતા ન રાખે તો બહુ જલદી તે કોઈનો હાથો બની જતો હોય છે. દુર્યોધન એ વ્યક્તિ નથી વૃત્તિ છે. જે આજે પણ સમાજમાં હયાત છે. જે સતત હડધૂત થયેલા તાકતવર કર્ણોની તલાશમાં જ રહે છે. વિશ્વભરમાં થતા આતંકવાદી કે નકસલી હુમલાઓ શું આવી દુર્યોધનવૃત્તિનું જ પરિણામ નથી? અમુક લોકો તમારાં અપમાન, જખ્મ અને નિષ્ફળતાને તમારાથી વધુ યાદ રાખતા હોય છે. તમે ભૂલી ગયા હો એવી દુર્ઘટનાઓને એ લોકો વારે ઘડીએ તમને યાદ કરાવી ક્રૂર આનંદ લેતા હોય છે. મારી દૃષ્ટિએ પૂર્વ જન્મનાં કર્મોના સિદ્ધાંત ઉપરાંત કર્ણના કિસ્સાથી વેદવ્યાસજીએ આડકતરી રીતે એ પણ સાબિત કરી બતાવ્યું કે જો નાનપણથી કોઈ બાળક તિરસ્કાર અને ઘૃણાનો જ ભોગ બને તો આગળ જતા એ અનિચ્છાએ અધર્મના માર્ગે જાય. કર્ણનો કેસ બાળઉછેર અને બાળઘડતર માટે પણ દીવાદાંડી સ્વરૂપ ઘટના છે. સૃષ્ટિનાં કોઈપણ ભૂલકાં સાથે નફરતનો દુર્વ્યવહાર કરતી વખતે ચેતજો નહીંતર તેની શક્તિ અધર્મના માર્ગે સજ્જનો માટે ઘાતક નીવડશે. અહો! વેદવ્યાસજી પેરેન્ટિંગની બેસ્ટ ટિપ્સ આપી ગયા. આપણે આ એન્ગલ કદી વિચાર્યો? કર્ણમાં કશો જ દોષ નહોતો સિવાય કે સંગદોષ (સંગાત સંજાયતે દોષ: એટલે કે સંગથી દોષ પ્રગટે છે). એ વીર, દાનવીર, નિર્ભિક, શ્રેષ્ઠ ધનુર્ધારી અને અધિરથી હતો. કર્ણ શત્રુને પસંદ કરવામાં પાવરધો નીકળ્યો. પરંતુ મિત્રની પસંદગીમાં થાપ ખાઈ ગયો. કર્ણ યુદ્ધના મેદાન કરતાં પોતાનાં મન-મસ્તિષ્કમાં ઝાઝું લડ્યો. જીવનના ઉત્તરાર્ધ સુધી અનેક સવાલોને પોતાના ઘટડામાં ઘમરોળ્યા ત્યારે અંતે કુરુક્ષેત્રના યુદ્ધ પહેલાં માતા કુંતીએ એ સવાલના ઉત્તર આપ્યા. એ તેના જીવનની કેવી અસમંજસની પળ હશે કે તેને મા મળવા છતાં’ય ના મળી. કર્ણને મળવા કર્ણની નહીં, પાંચ પાંડવોની જ માતા આવી હતી. કર્ણના દાન ઉપરાંત તેની બીજી એક વાત મને બહુ સ્પર્શે છે. આજના પરિપ્રેક્ષ્યમાં કહું તો ચૂંટણી ટાણે દેશના વડાપ્રધાન કોઈ રીસાયેલા દિગ્ગજ નેતાને ઘરે તેને મનાવવા જાય તો શું થાય? સ્વાભાવિક રીતે દેશના મોભીનું માન તે નેતા અવશ્ય રાખે જ અને રીસામણા તોડી નાંખે. જ્યારે કર્ણ કંઈક નોખી માટીનો અવશ્ય હતો કે સમગ્ર સૃષ્ટિના ચાલક નારાયણ તેને વિનવે તોય ટસનો મસ ન થાય. શ્રીકૃષ્ણ ચંદ્રમણિના લાગણીસભર વાક્યોનો પૂરા આદરથી ઉત્તર આપ્યા બાદ પોતાના મૃત્યુની જાણ હોવા છતાં કર્ણ ડગે નહીં અને દુર્યોધનને ત્યાગે નહીં. એ માણસને કંઈ સામાન્ય યોદ્ધો કેમ ગણી શકાય? યુદ્ધને રોકવાનો યાદવ કુલભૂષણનો એ અંતિમ પ્રયાસ જ્યારે નિષ્ફળ જાય પછી શ્રી ક્રિશ્ન ધર્માનુરાગી પાંડવોને જીતાડી ધર્મનું પ્રસ્થાપન કરી બતાવે છે. બલરામની જેમ કર્ણએ કુરુક્ષેત્રના યુદ્ધમાંથી મુક્તિ કેમ ન માંગી? એ પ્રશ્ન ક્યારેક મને પણ મૂંઝવે છે! કૌરવોના તમામ અધર્મનો એ તાજનો સાક્ષી રહ્યો. કર્ણ અધર્મ આચરણ વખતે મૌન રહ્યો તેથી જ કપટથી મરાયો. એક યોદ્ધાને છાજે એવું જીવન કર્ણને પૂર્વજન્મનાં કર્મ પ્રતાપે પ્રાપ્ત ન થયું અને આંધળી મિત્ર ભક્તિને લીધે વીરવરને શોભે તેવું મૃત્યુ પણ તેને ના મળ્યું. કર્મની કેવી બલિહારી છે. બાકી સૂર્યના સંતાનના જીવનમાં આવું ઘોર અંધારું આવે કદી? વાઈ-ફાઈ નહીં, સાંઈ-ફાઈ આવે તો વિચારજો.{ sairamdave@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.