પ્રશ્ન : મારી ઉંમર બેંતાલીસ વર્ષની છે. હું વ્યવસ્યાયે વકીલ છું, પરંતુ થોડા સમય પહેલાં લોહીની આકસ્મિક તપાસ દરમિયાન મને ડાયાબિટીસ હોવાનું નિદાન થયું છે. ગોળીઓથી ડાયાબિટીસ કાબૂમાં આવી ગયો છે, પણ મેં સાંભળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ નપુંસક થઇ જાય છે. જોકે, હાલમાં મને એવી કોઇ જ તકલીફ નથી. પરંતુ મને સતત આની ચિંતા રહે છે. શું ડાયાબિટીસના દર્દીઓની ઉંમરને અને નપુંસકતાને કોઇ સંબંધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
ઉકેલ : આપની ચિંતા અસ્થાને નથી કારણ કે દર બીજા ડાયાબિટીક દર્દીને જાતીય તકલીફ અનુભવાતી હોય છે. તે પછી નપુંસકતા હોય કે શીઘ્ર સ્ખલન. ડાયાબિટીસ એકવાર તમારા શરીરમાં આવે એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારી જોડે જ રહેતો હોય છે. હવે નક્કી તમારે કરવાનું છે કે તેને સારો મિત્ર બનાવો કે દુશ્મન. સારો મિત્ર બનાવવા વધારે મહેનત કરવાની નથી. બસ, ટાઇમસર દવા લેવાની, રોજ પોણો કલાક નિયમિત ચાલવાનું અને ખાવાની પરેજી પાળવાની. જો તમે આમ નહીં કરો તો તે તમારા શરીરનો દુશ્મન બનશે અને આખા શરીર પર આડઅસર કરશે. પરંતુ જો ડાયાબિટીસને કાબૂમાં રાખવામાં આવે તો નપુંસકતા આવવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જાય છે. ડાયાબિટીસના દર્દીની ઉંમરને અને નપુંસકતાને કોઇ જ સંબંધ નથી. ડાયાબિટીસના દર્દીની વય ભલે ઓછી હોય પણ સુગરનું પ્રમાણ વધારે રહે તો નપુંસકતા આવી શકે છે. પરંતુ મિત્ર અહીં એક વાત જરૂર યાદ રાખજો, ડાયાબિટીસના દરેક દર્દી નપુંસક થઇ જતા નથી એટલે આપે વધારે પડતી ચિંતા કરવા જેવી નથી. ચિંતા કરવાથી પણ માનસિક નપુસંકતા આવી શકે છે. જો કોઇ પુરુષને આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં જાગતા, સૂતા કે કોઇપણ અવસ્થામાં એકવાર પણ પૂરતી ઉત્તેજના આવે તો બિલકુલ ચિંતા કરવી ના જોઇએ અને આજની તારીખમાં નપુંસકતાનો ઈલાજ છે અને વ્યક્તિ પોતે ચોક્કસ જાતીય જીવન માણી શકે છે અને સાથીને પણ ભરપૂર સંતોષ આપી શકે છે.
પ્રશ્ન : મારી ઉંમર આશરે 42 વર્ષની છે. મને છેલ્લાં સાત વર્ષથી ડાયાબિટીસ છે. આમ તો મારો ડાયાબિટીસ નિયમિત કાબૂમાં હોય છે, પણ ઘણીવાર અનિયમિત પણ થઈ જાય છે. મને છેલ્લા એક વર્ષથી ઇન્દ્રિયમાં આગળના ભાગે ઘણી બધી વાર લાલ ચાઠાં પડી જાય છે. દવા લઉં તો થોડા સમય માટે સારું રહે, પરંતુ ફરી પાછી આની આ સમસ્યા થઈ જાય છે. આનો કાયમી ઈલાજ શું હોઈ શકે?
ઉકેલ : આપની આ તકલીફ મોટાભાગે ડાયાબિટીસના કારણે થતી હોય એવું લાગે છે. તેને મેડિકલ ભાષામાં બેલેનીટીસ કહેવામાં આવે છે. આમ શિશ્નની આગળની ચામડી અને ગલાન્સ પેનિસમાં ઇન્ફેક્શન થતું હોય છે. જો આપને આની તકલીફ વારંવાર થઈ રહેતી હોય તો આનો એક સરળ અને સચોટ ઈલાજ માત્ર સુન્નતનું ઓપરેશન છે. હવે ઓપરેશન લેસર દ્વારા શક્ય છે જેથી ટાંકા લેવાની જરૂર પડતી નથી, બ્લીડિંગ થતું નથી અને ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ટેકનિક ઉત્તમ છે. પાંચથી છ કલાકમાં હોસ્પિટલમાંથી રજા મળી જાય છે અને બીજા દિવસથી આપ નિયમિત કામ પણ કરી શકો છો.
પ્રશ્ન : મારી ઉંમર 26 વર્ષની છે અને લગ્નને હજી માત્ર એક જ મહિનો થયો છે. મારે જાણવું છે કે સેક્સ દરમિયાન અને સેક્સ પછી અમારે
પતિ-પત્નીએ શું કાળજી રાખવી જોઈએ કે જેથી કરીને અમારું જીવન અને સેક્સલાઈફ હેલ્ધી રહે. આ બાબતે મને થોડું માર્ગદર્શન આપશો?
ઉકેલ : જાતીય જીવનમાં સફાઈની જાણકારી અને અમલ ખૂબ જ મહત્ત્વનાં છે. ઘણી બધી વખત યોગ્ય સફાઈના અભાવે પ્રાઇવેટ પાર્ટની આસપાસ ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે, દુર્ગંધ પણ આવી શકે છે અને એ કારણે તમારા સાથીને તમારા માટે અને સેક્સ માટે સૂગ આવી શકે છે. જે રીતે આપણે શરીરની ચોખ્ખાઈનું ધ્યાન રાખીએ છીએ એ જ રીતે પ્રાઇવેટ પાર્ટની ચોખ્ખાઈનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ. ખાસ તો જનનાંગો સાફ કરવા પર ધ્યાન આપો. દરરોજ સ્નાન કરતી વખતે પ્રાઇવેટ પાર્ટને બરાબર રીતે સાફ કરવાની આદત પાડો. સમાગમ પછી પણ પ્રાઇવેટ પાર્ટને પાણીથી ધોવા જ જોઈએ. પ્રાઇવેટ પાર્ટની આસપાસના વાળને નિયમિત રીતે ટ્રીમિંગ કરવા જોઈએ. બને ત્યાં સુધી રેસરનો ઉપયોગ ટાળવો જ જોઈએ. બીજી મહત્ત્વની વાત કે બળતરા થતી હોય ત્યારે જાતીય સંબંધોને ટાળો અને ડોક્ટરની સલાહ લો. જો જરૂરી હોય તો સારવાર કરાવો. જો તમારા કોઈ સાથીને કોઈ આસન માફક નથી આવતું, ત્યારે તે સમયે આ આસનને ટાળો. કોન્ડોમ વાપરતાં પહેલાં એમાં એક્સપાયરી ડેટ જોઈ લેવી જોઈએ. ડબલ કોન્ડોમ વાપરવાથી બ્રેક થવાની શક્યતા વધી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.