સાંઈ-ફાઈ:ધજાનો ધરમ

સાંઈરામ દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આતંકવાદની ધજાઓ મનુષ્યજાતને ભટકાવે છે તો આસ્થાવાદની ધજાઓ માનવજાતને કુકર્મ કરતા અટકાવે છે. હવે તમારે કઈ ધજા સાથે ચાલવું એ તો તમારા પર નિર્ભર છે

સંત સાહિત્યની પ્રચલિત સાખી છે કે- ‘ધજા દેખી ધણી સાંભરે, દેવળ દેખી દુઃખડાં જાય, સમરણ કરતાં રામાપીરનું મારાં દુઃખ-દારિદ્ર મટી જાય.’ ટેકરી ઉપર એક મંદિર હોય. તે મંદિરની ધજા વાદળ સાથે વાતો કરતી હોય. ક્યારેક એ ધજા જોઈને મન હરખાય કે આ ધજાને સતત પવન પોંખી રહ્યો છે. મંદિરની ધજાને સ્પર્શીને જે પવન વાતાવરણમાં ફેલાય તે કલ્યાણકારી હોય છે. ધજાના ભાવથી દર્શન કરતા આવડે તો પણ ધજાગરા અટકી જાય. માવા કે ફાકીનો ફેંકી દીધેલો કાગળિયો વંટોળિયાને લીધે કોઈ મંદિરની ધજા ઉપર લાગી જાય તો એ ઊંચાઈ સાધનાની નહીં વંટોળિયાની હોય છે. સમાજમાં પણ દરેક ક્ષેત્રમાં આવા વંટોળિયાની ઊંચાઈથી ઉચ્ચ શિખર પર કેટલાંક લોકો દેખાતાં હોય છે. પરંતુ વંટોળિયો જાય પછી તેનું અસ્તિત્વ ગોત્યું જડતું નથી. વાતનું તાત્પર્ય એટલું કે ઊંચાઈ પર દેખાતી દરેક વ્યક્તિ સાધક નથી હોતી, અમુકને સંજોગો પણ ઉપર લઈ જાય છે. વાઈસવર્સા નીચે પડનારી દરેક વ્યક્તિ પણ ભ્રષ્ટ નથી હોતી, તેમાં પણ સંજોગો જ જવાબદાર હોય છે. ધજા પરથી એક નરું સત્ય તો તારવવું જ રહ્યું કે જેનામાં હળવાશ હોય એ જ વસ્તુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. સાત સાત કુંડલિનીઓને સંભાળીને બેઠેલું આપણું શરીર પણ એક મંદિર જ છે ને! મસ્તક જેનું શિખર છે અને ઊર્જા જેની ધજા છે. આપણે નથી જોયું? કેટલાંક લોકોની ઊર્જા ધીરગંભીર હોય છે અને કેટલાંકની ઊર્જા ફફડાટી બોલાવતી હોય છે. વાદળાં સાથે વાતો કરતી કોઈ પણ મંદિરની ધજાને પણ સમય જતા નીચે ઊતરવું પડે છે; અને બીજી ધજાને જગ્યા આપવી પડે છે. એક ધજા સતત મજામાં રહે છે અને એક આપણે છીએ કે સફળ વ્યક્તિની નિષ્ફળતાને સ્વીકારવા જ તૈયાર નથી. અરે મારા વ્હાલા! યે દુનિયા હૈ, અહીં બચ્ચનની ફિલ્મ પણ ક્યારેક ફેઈલ જાય છે અને રહેમાનનું ગીત પણ સુપરહિટ નથી થાતું. ધોની કે કોહલી પણ ઝીરોમાં આઉટ થાય છે અને આખા દેશમાં સરકાર હોવા છતાં કોઈ દિલ્હીમાં હારી જાય છે. ઈટ્સ ઓલ અબાઉટ સંજોગ ભેરુ...! ધજા પાસેથી આમ જુઓ તો આપણે ઘણું શીખવાનું છે. પવનના એકધારા ઝપાટા ઝીલવાનું, બે ઘડી પણ વિશ્રામ નહીં કરવાનું, મહેમાન થઈને જે ઊડતું આવે તેને મૂંગા મોઢે સ્વીકારવાનું અને સમય પૂરો થઈ જાય ત્યારે તરત જ બીજાને જગ્યા કરી દેવાનું...! કોઈ શીખવાની તૈયારી બતાવે તો આ દેશમાં એક ધજા પણ ધીંગો ગુરુ બની શકે એમ છે. ધજા એનો ધરમ બજાવે છે પણ આ માણસ તેની ફરજ નથી બજાવતો. ધજા ફરકાવવી અને ધજા ચડાવવી આ બંનેમાં આમ તો જમીન આસમાનનો ફર્ક છે. એકમાં શૌર્ય છે, બીજામાં શ્રદ્ધા છે. એકમાં પરાક્રમ છે, બીજામાં પ્રેમ છે. સૌરાષ્ટ્રનાં લોકોમાં આજે પણ એક માન્યતા ઊંડે ઊંડે જીવે છે કે જ્યાં મંદિરની ધજાનો પડછાયો પડતો હોય એ જમીન ખરીદાય નહીં. વડીલો મંદિરની ધજાને મંદિર જેટલું જ મહત્ત્વ આપે છે. તેથી જ તો દ્વારિકાધીશની ધજા ચડાવવાનાં પાંચ પાંચ વરસના એડવાન્સ બુકિંગનું ગુજરાત સદીઓથી સાક્ષી છે. સોમનાથની ધજાએ હમીરસિંહ ગોહિલ જેવા કેટલાય લીલુડાં માથડાંની શહાદતને નજરો નજર જોઈ છે. તો જગન્નાથપુરીની ધજાનું રહસ્ય સદીઓથી અકબંધ છે. ધજાને મંદિર સાથે સીધો સંબંધ છે પરંતુ દરેક ધજા સાથે દેશના કેટલાય સમુદાયો જોડાયેલા હોય છે. જહાજની ધજા પર બેઠેલું કોઈ પક્ષી દરિયાની વચ્ચોવચ્ચ પહોંચી તો જાય છે, પરંતુ પછી તે વિમાસણમાં અટવાઈ જાય છે. જેના માટે ઉર્દૂ શાયર વસીમ બરેલવીએ શેરમાં લખ્યું છે કે, ‘ઉસને ક્યા લાજ રખ્ખી મેરી ગુમરાહી કી, કે ભટક કર ભટકું તો ભી ઉસી તક પહોંચું.’ આતંકવાદની ધજાઓ મનુષ્યજાતને ભટકાવે છે તો આસ્થાવાદની ધજાઓ માનવજાતને કુકર્મ કરતા અટકાવે છે. હવે તમારે કઈ ધજા સાથે ચાલવું એ તો તમારા પર નિર્ભર છે. ધજાનું કાપડ જ્યારે કપાય છે ત્યારે તેને ક્યાં ખબર હોય છે કે તેના નામે પણ કેટલાય કપાવાના છે! ભગવી ધજા કે લીલી ધજાનાં રમખાણોમાંથી ત્રબકતાં રકતબિંદુઓ ખરેખર તો કોઈ કોમના નહીં માનવતાનાં અશ્રુઓ છે. કોઈ રાજકીય સભામાં કાળા વાવટા ફરકાવવા એ વિરોધ છે જ્યારે ઓલિમ્પિકમાં દેશનો વાવટો ફરકાવવો એ વિજય છે. માણસજાત જેને જેને સ્પર્શે છે તેને કોમવાદી સ્વરૂપ આપીને જ ઝંખે છે. રંગભેદની નીતિ ધજાને પણ લાગુ પડે છે. શાંતિ પતાકા લહેરાવવા માટે પણ ઘણી વાર કેટલી બધી અશાંતિ સર્જાતી હોય છે. દરેક ધજાનું લક્ષ્ય આકાશ હોય છે, પરંતુ દરેકના ભાગ્યમાં આકાશ હોતું નથી. જે રીતે ધજાનું આકાશ હોય છે એ રીતે આકાશની પણ ધજા હશે ખરી? આ રીતે જુઓ તો રાષ્ટ્રધ્વજ એ પણ દેશની સૌથી પવિત્ર ધજા જ છે ને! આપણા દેશમાં અલગ અલગ સંપ્રદાયો, ધર્મો કે પોલિટિકલ પાર્ટીઓની ધજાના રાફડા ફાટ્યા છે. અહી ધજાના ઢગલા છે, પરંતુ સૌ ધજાનું એક જ સરનામું છે આકાશ. સૌને ફરકવું છે માત્ર આકાશમાં. આમ જુઓ તો અંતે તો આપણે સૌએ પરમના આકાશમાં જ ફરકવાનું અને વિરમવાનું છે ને! તો’ય કેટલીક ધજાઓ સર્વોપરિતાની રેસમાં છે. કેટલીક વગર વાયરે ફડાકા મારી રહી છે. કેટલીક ફરકી ફરકીને થાકી ગઈ છે. કેટલીક મથરાવટીને લીધે મેલી થઈ છે તો કેટલીક ઉત્સાહી કાર્યકરોને લીધે ઘેલી પણ... આપણાં પૂજ્ય ચરણોએ મનને ધજાની ઉપમા આપી છે. કાશ મંદિર ઉપર ફરકે છે એવી ધજા માણસના માથા ઉપર પણ ફરકતી હોત તો? કોઈ માણસ સદવિચાર કરે અને તેની ધજા સફેદ થાય. કોઈ શ્રુંગારિક વિચારે અને ધજા લાલ થાય. તો વળી કોઈ વ્યક્તિમાં કુવિચાર જન્મે એ ભેગા તે માણસના માથા માથે કાળા વાવટા ફરકવા લાગે આવી વ્યવસ્થા હોત તો? આ રીતે ધજાઓ જો રંગ બદલતી હોત તો માણસનું જીવન રંગીન હોત ખરા? કાળા નાણાંને ધોળા કરનારા આજે જેમ માર્કેટમાં ઊગી નીકળ્યા છે એ રીતે કાળી ધજાને ધોળી કરનારાઓની જમાત પણ નીકળી પડત કે નહીં? વાઈ-ફાઈ નહી સાંઈ-ફાઈ આવે તો વિચારજો. { sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...