ક્રાઈમ ઝોન:પોલીસ અને કોર્ટથી બચી ગયો તો નિયતિએ કર્યો ન્યાય

પ્રફુલ શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એવું ન બને. પોતે ભલો, ને એનું કામ ભલું. સવારથી રાત સુધી પાનના ગલ્લા પર બેસે. ગલ્લો બંધ દેખાય તો સૌ સમજે કે કોઈકને મદદ કરતો હશે. પોલીસે પકડેલા મુંબઈના પરા કુર્લામાં ખૈરુ માટે સહાનુભૂતિ અને પોલીસ માટે રોષ વધતો હતો. શાહ મોહમ્મદ ઊર્ફે ખૈરુ પાનવાળા માટે ‘આવ પાણા પગ પર પડ’ની શરૂઆત થઈ 1993ની ચોથી નવેમ્બરે. જૂનો દોસ્ત આવ્યો. આતિથ્યભાવ નિભાવવા લઈ ગયો બીઅરબારમાં. નશામાં મસ્ત માણસ કંઈક જોઈને બબડ્યો, જે સાંભળીને પોલીસના ખબરીના કાન ઊંચા થઈ ગયા. એ તરત ત્યાંથી ઊભો થઈને પહોંચી ગયો કુર્લા પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ કમિશનર યશવંત વાટકર પાસે. બીજા કોઈએ નશામાં આટલી ગંભીર વાત કરી હોત તો વાટકરે એની વાટ લગાવી દીધી હોત, પણ આ તો જૂનો અને ખૂબ વિશ્વાસુ ખબરી. તેમણે ખૈરુના નામ-સરનામાં નોંધી લીધાં. બીજા દિવસથી પોલીસના માણસો મુફતીમાં ખૈરુની પાનની દુકાનની આસપાસ ફરવા માંડ્યા. એક પછી એક માહિતી આવવા માંડી : ‘ખૈરુ સજ્જન-પરોપકારી છે. પરણેલો છે. પતા નજીકમાં રહેતી સાયરુનિસા સાથે ઈલુ ઈલુ એના ઘરમાં જ ચલાવે છે. એની માશુકાનો પતિ અબ્દુલ ક્યૂમ નવ વર્ષથી લાપતા છે.’ તો શું દારૂડિયા ખબરીએ સાચી માહિતી આપી? કુછ તો ગરબડ હૈ. વાટકર થોડી હટેલી ખોપડી. રૂટિન કામકાજ આટોપીને અબ્દુલ ક્યૂમ મિસિંગ કેસની ફાઈલ શોધી. થોડા સમયે ધ્યાનમાં આવ્યું કે મૂળ ફરિયાદવાળું રજિસ્ટર કાઢી નખાયું હતું. એક માત્ર આશા ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટનો મિસિંગ પર્સન બ્યુરો હતી. મહામહેનતે સાચી જાણકારી મળી. 1984ની 27મી ઓક્ટોબરથી કુર્લાના નસરીન બિલ્ડિંગનો અબ્દુલ ક્યૂમ લાપતા હોવાની ફરિયાદ થઈ હતી. એના ગાયબ થયા બાદ ખૈરુ ક્યૂમની પત્ની સાથે રહેતો હતો. વાટકરની પૂછપરછની મિસાઈલ્સ સામે ખૈરુ અડગ રહ્યો : ‘ક્યૂમ પાન ખાવા આવે એટલો જ સંબંધ. એ સિવાય હું વધુ ન જાણું.’ વાટકર સામે ક્યૂમનો 20 વર્ષનો દીકરો રિઝવાન પણ ભડક્યો : ‘અબ્બુના ગુમ થયા બાદ અંકલે મદદ કરી. એમનો ફોટો છાપાં અને ટીવી પર અંકલે જ મોકલાવ્યો.’ ખૈરુનો દોસ્ત જલાલુદ્દીન એની વાતો સાંભળીને, બારમાં નશામાં જે બબડ્યો એ ખબરીને સાંભળવું હતું. વાટકરે ઓર્ડર આપ્યો ખૈરુને આની સામે બેસાડો. પોલીસ સ્ટેશનમાં જલાલુદ્દીનને જોઈને ખૈરુના પગ પાણી પાણી થઈ ગયા, મોઢું ખુલી ગયું સચ્ચાઈ ઉચ્ચારવા. છ સંતાનોનો બાપ ક્યૂમ ભંગારનો વેપારી. આઠ પેટિયા ભરવા માટે મજૂરી કરે. રાતેય મોડો પહોંચે. ખૈરુના ગલ્લેથી સિગારેટ-માચીસ ખરીદે, જેમાં ઓળખાણ થવા માંડી. ક્યારેક ખૈરુ એના ઘરેય જાય. 1982માં ક્યૂમનો બાર વર્ષનો દીકરો રિયાઝ માંદો પડ્યો. ડોક્ટરને બોલાવવાથી માંડીને દવા લાવવામાં ખૈરુ ખડે પગે. રિયાઝ ન બચ્યો, પણ સાયરુનિસા-ખૈરુ વચ્ચે સંબંધ જન્માવી ગયો. સાયરુનિસા હજી કડેધડે અને આકર્ષક. ક્યૂમ ઘરની બહાર ને ખૈરુ ઘરની અંદર. ક્યૂમનેય થોડી શંકા ગઈ. એક દિવસ રમવા ગયેલો રિઝવાન પાણી પીવા આવ્યો તો અમ્મીએ દરવાજો ન ખોલ્યો. ઘરમાં ઘૂસેલા રિઝવાને રસોડામાં ખૈરુને કઢંગી હાલતમાં જોયો, અબ્બુને કહી દીધું. ક્યૂમે બંનેને રંગે હાથે ઝડપવાની કસમ ખાધી. સાયરુનિસા સાવધ થઈ, પણ ખૈરુના સહવાસનો મોહ ન છૂટ્યો. 1984ની 22મી સપ્ટેમ્બરે દીકરી શમસુન સિવાયનાં બાળકો રમવા ગયાં. બંને એકમેકમાં લીન થયાં. અચાનક ડોરબેલ વાગી. ઓઢણી સરખી કરીને સાયરુનિસાએ દરવાજો ખોલ્યો. ક્યૂમને જોઈને ચહેરો ફિક્કો પડી ગયો. આ સમયે શમસૂન બહાર દોડી ગઈ. લાત મારીને ક્યૂમે બેડરૂમનો દરવાજો ખોલ્યો, તો ખૈરુને જોઈને એ બંનેને મણમણની સંભળાવવા માંડ્યો. સાયરુનિસા અચાનક દોડી ગઈ અને રસોડામાંથી ચાકુ લાવીને ખૈરુને આપ્યું : ‘આને ખતમ કરી નાખ.’ ગભરામણ અને ગુસ્સામાં ખૈરુએ દરવાજો બંધ કર્યો. ક્યૂમ પર ખૈરુ તૂટી પડ્યો. શૌહરનો જીવ ગયો ત્યારે ચારેકોર લોહી વહેતું હતું. શબને જોઈને બંને ગભરાયાં. બાળકો ગમે તે ઘડીએ આવી શકે. લાશને સોફા પાછળ સંતાડી દીધી. સાયરુનિસાએ લોહીના ડાઘ સાફ કરી નાખ્યા. ખૈરુએ દોસ્ત જલાલુદ્દીનને વાત કરીને લાશના નિકાલ માટે મદદ માગી, પણ મિત્રે સ્પષ્ટ નનૈયો ભણી દીધો. રાત્રે ખૈરુ શણના ખાલી કોથળા લઈને પહોંચ્યો. ખૈરુએ લાશના નવ ટુકડા અલગ કોથળામાં ભરીને કાદવના કળણમાં ફગાવી દીધા. બીજા દિવસે સાયરુનિસાએ કાગારોળ મચાવી કે ક્યૂમ ઘરે આવ્યો નથી. આંસુ વહાવતાં પોલીસમાં ફરિયાદ લખાવી, ત્યારે ખૈરુ સાથે હતો. કોઈને રજમાત્ર શંકા ન ગઈ. પોલીસની તપાસ વચ્ચે ખૈરુ-સાયરુનિસાએ સંયમ જાળવ્યો. પ્રેમી એક થયા ત્યારે સૌને ખૈરુ ભલો આદમી લાગ્યો. બંને મગરુર થઈ ગયાં કે નવ વર્ષે પોલીસને થોડી ખબર પડવાની? પણ જલાલુદ્દીનને જોઈને અતિ વિશ્વાસનું બાષ્પીભવન થઈ ગયું. ખૈરુની કબૂલાત મળી પણ પુરાવા-સાક્ષીનું શું? લાશના ટુકડા ફેંક્યા હતા તે જગ્યાને સપાટ કરીને પાલિકાએ મેદાન બનાવ્યું હતું. પોલીસે પરવાનગી બાદ ખોદકામ કરીને હાડકાંના 54 નાના ટુકડા મેળવ્યા. એ માનવીના હોવાનું સાબિત થયા બાદ ખૈરુ-સાયરુનિસા સામે મર્ડરનો કેસ નોંધાયો, પરંતુ અદાલતે ખટલો દાખલ ન કર્યો. પોલીસ અને ન્યાયતંત્રની કામગીરી પૂરી થઈ. વીસ વર્ષના રિઝવાને કાતિલ અમ્મીને ઘરની બહાર કાઢી મૂકી. એ ખૈરુ પાસે આશ્રય માગવા પહોંચી, પણ વિવાહિત હોવા છતાં અનૈતિક સંબંધ અને હત્યા બદલ તેને પણ ઘરની બહાર તગેડી મૂકાયો. બંનેનો નિયતિએ બરાબરનો ન્યાય તોળ્યો. ચૂના-કાથાથી બીજાનાં મોઢાં લાલ કરનારાનો ચહેરો શરમથી કાળોમેશ થઈ ગયો હતો. બંને ભિખારીની જેમ સાવ રસ્તા પર આવી ગયાં. { praful shah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...