લાઈટ હાઉસ:પ્રારબ્ધ અને પુરુષાર્થ: સફળતાનું લોકર ખોલવાની બે ચાવી

રાજુ અંધારિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપણી જિંદગીમાં મોટાભાગે મહેનત વધારે અગત્યની ભૂમિકા ભજવે છે. પુરુષાર્થ ન માત્ર કમનસીબીમાંથી બહાર નીકળવા માટેની એક હકીકત છે, પરંતુ સદભાગ્યનો લાભ લેવા પણ મહેનત કરવી એટલી જ અગત્યની છે

એક વેપારી અને એક વિદ્વાન વચ્ચે સારી ભાઈબંધી. બંને વચ્ચે વિવિધ વિષયો પર ચર્ચા થાય. એક દિવસ વેપારીએ વિદ્વાનને પૂછ્યું: ‘મહેનતથી સફળતા મળે કે નસીબના કારણે?’ વિદ્વાને કહ્યું: ‘એ તો બેંકના લોકરની ચાવીઓ માફક છે. તારા લોકરમાંથી તું કીમતી વસ્તુ કાઢવા બેંકમાં જાય ત્યારે તું જાણે છે એ મુજબ તારી પાસેની એ લોકરની ચાવી અને બેંક મેનેજર પાસે જે ચાવી હોય એ બંનેનો ઉપયોગ કરવાથી જ લોકર ખૂલે. એ જ રીતે જિંદગીમાં તારી પાસેની ચાવી પુરુષાર્થનું ને મેનેજર પાસેની ચાવી પ્રારબ્ધનું પ્રતિનિધિત્વ કરે છે.’ મહેનતની ચાવીને અજમાવી જોવાનું ક્યારેય ચૂકવું જોઈએ નહીં, કારણ કે આપણે જાણતા નથી કે વિધાતા એમની પાસેની ભાગ્યની ચાવીનો ઉપયોગ કરીને સફળતાનો દરવાજો આપણા માટે ક્યારે ખોલી આપશે. કોઈ પ્રેરણાને કારણે મહેનત કરવાનો આરંભ થાય છે, જે પ્રેરણા ઘણીવાર નસીબના રૂપમાં આપણને પ્રાપ્ત થાય છે. ભાગ્યની દેવી દરવાજે ટકોરા મારે ત્યારે આપણે દરવાજો ખોલવાનું કાર્ય કરીએ એનું નામ પુરુષાર્થ. આમ બંનેનું મહત્વ છે. આપણી જિંદગી આપણા કાર્યોનો, પુરુષાર્થનો પડઘો છે. આમ જોવા જાવ તો પુરુષાર્થ એટલે કોઈ કાર્ય માટે કરવામાં આવેલાં પ્રયાસ. કુદરતે આપણને સૌને પ્રયાસો કરવાની આઝાદી આપી છે. પ્રયાસ કરીએ તો કેવા કરીએ છીએ, અધકચરાં કે પછી પોતાનાથી શ્રેષ્ઠ હોય એવાં એના પર આધાર રહે છે કેવું ભવિષ્ય આકાર લેશે એનો. સફળતા માટે શું કરવું છે એનો સ્પષ્ટ ખ્યાલ અને એ ખ્યાલને અમલમાં મુકવા રોજિંદા જીવનમાં અપનાવવી જોઈતી શિસ્ત. એ શિસ્તથી જે પગલાં લઈએ એ આપણને આપણી ભાવી મંજિલ સુધી લઇ જાય. કરેલા પ્રયાસ આપણને એવું કહેવા પ્રેરે છે કે ‘જુઓ આ મેં મારો ખૂન-પસીનો રેડીને મેળવ્યું છે’. બીજી બાજુ, નિયતિ-પ્રારબ્ધ એટલે એવું કહેવાનું કે ‘જુઓ, આ તો મારા માટે નિર્માયું હતું’. પુરુષાર્થ એટલે રોજેરોજનો પડકાર ને પ્રારબ્ધ એટલે કોઈ એક દિવસે – ભવિષ્યમાં ચાંદીની થાળીમાં પીરસાતી સફળતા. પુરુષાર્થ માટે જરૂર પડે છે સમય અને પ્રયાસો કરતાં પાડેલા પરસેવાનાં રોકાણની અને પ્રારબ્ધ એટલે એ સખત મહેનતથી મળતું પરિણામ. સફળતા એટલે આપણે જે ધાર્યું હોય એ લક્ષ્યની ક્રમિક અનુભૂતિ (પ્રોગ્રેસિવ રીયલાઈઝેશન), જાણે કે એક સંપૂર્ણ ઈમારતના નિર્માણના પ્રારંભમાં ઇંટોનાં સ્તરનું બાંધકામ. ચણતરકામ શરુ થાય એ પહેલા જ ઇજનેરના દિમાગમાં સંપૂર્ણ ઈમારતનું ચિત્ર હોય છે, ત્યારબાદ એક ઈંટ પર બીજી ઈંટ ગોઠવાતા જતાં સંપૂર્ણ ઈમારત આકાર પામે એ થઇ પુરુષાર્થ અને પ્રારબ્ધની જુગલબંધી. એક ઈંટ પર યોગ્ય રીતે બીજી ઈંટ ગોઠવવી એ એક કળા છે, અને એ કળાની અભિવ્યક્તિ એટલે પુરુષાર્થ. એ પુરુષાર્થ કરતા મળતી ભેટ એટલે નિયતિ. એટલે તો થોમસ એડિસન કહે છે: ‘સફળતા એટલે એક ટકો પ્રેરણા અને નવ્વાણું ટકા પરસેવો’. એ રીતે આપણી જિંદગીમાં મોટાભાગે મહેનત વધારે અગત્યની ભૂમિકા ભજવે છે. પુરુષાર્થ ન માત્ર કમનસીબીમાંથી બહાર નીકળવા માટેની એક હકીકત છે, પરંતુ સદભાગ્યનો લાભ લેવા પણ મહેનત કરવી એટલી જ અગત્યની છે. જિંદગીમાં એક સમય એવો પણ આવે છે જ્યારે સફળતાને ટકાવી રાખવા, સફળતાનાં વધુ ઊંચા શિખરને સર કરવાનું સદભાગ્ય પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો જરૂરી હોય છે. પ્રારબ્ધ અને પુરુષાર્થ ઘણીબધી રીતે એકબીજા સાથે જોડાયેલાં છે. પ્રેક્ટિસ કરતા રહીને, સક્રિય રીતે કંઈક શીખવા માટેનો પ્રયાસ ને કોઈ લક્ષ્ય સિદ્ધ કરવા પોતાને સમર્પિત કરીને તમે કોઈ ખાસ કુશળતા ખીલવો છો ત્યારે જેને આપણે ભાગ્ય કહીએ છીએ એવી કોઈ અપેક્ષિત ન હોય એવી તકનો લાભ લેવા તમે તૈયાર થઇ ગયા હો છો. સફળ લોકો હંમેશાં પોતાના પુરુષાર્થના માર્ગે આગળ ધપતા રહે છે અને પોતાની જાતને સતત વિકસાવતા રહીને પોતાના ભાથામાં વધુને વધુ આવડતનાં તીર એકઠાં કરતા રહે છે. ભાગ્યની એક વ્યાખ્યા એવી છે કે વ્યક્તિના પોતાના પ્રયાસોને બદલે કોઈ ચાન્સથી - સંજોગોવસાત દેખીતી રીતે મળતી સફળતા કે નિષ્ફળતા. નિષ્ક્રિય બેસી રહીને ભાગ્યની દેવી રીઝે એની રાહ જોવી એ અમુક લોકો માટે એક રણનીતિ હોઈ શકે છે. જો કે મોટાભાગના સફળ લોકો આવી રણનીતિ પર ક્યારેય નિર્ભર રહેતા નથી. આથી ખરા અર્થમાં ભાગ્યની દેવીને રીઝવવી હોય તો પુરુષાર્થ કરીને પોતાના માટે એવા ઉજળા સંજોગનું નિર્માણ કરો કે એનાથી નીપજતા પરિણામનો લાભ મેળવતા રહીને જાતે જ પોતાના ભાગ્યનું ઘડતર થાય. કહેવાય છે કે મેઘધનુષની પાછળ સોનાનો ચરુ હોય છે, પણ એ માટે પ્રથમ તો મેઘધનુષ શોધી કાઢીને એકાગ્રતા, સતત શીખતા અને સખત પ્રયાસ કરતા રહીને, જુસ્સાભેર એ ચરુને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છાશક્તિ પોતામાં જાગૃત કરવી અનિવાર્ય છે. એટલે તો અમેરિકન લેખક, વિજ્ઞાની, સંશોધક અને રાજદ્વારી બેન્જામિન ફ્રેન્કલિન કહે છે: ‘ખંત એ સદભાગ્યની જનેતા છે.’⬛ rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...