લાઈટ હાઉસ:અસરકારક અભિવ્યક્તિની આરઝૂ

રાજુ અંધારિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક અંધ છોકરો પગ પાસે વાટકો રાખીને બેઠો હતો. હાથમાં એક કાર્ડબોર્ડ હતું, જેમાં લખ્યું હતું: ‘હું અંધ છું, મને મદદ કરો.’ પસાર થતાં લોકો એને જોતાં હતાં, એમાંથી બહુ થોડાંએ એને વાટકામાં પૈસા નાખીને મદદ કરી. ત્યાંથી પસાર થતા એક અન્ય રાહદારીએ બોર્ડ વાંચ્યું, વાટકામાં થોડાં પૈસા નાખ્યા. પછી એણે છોકરા પાસેથી કાર્ડબોર્ડ લઈને એમાંનું લખાણ ભૂંસીને બીજું કશુંક લખ્યું. એ શબ્દો વાંચીને લોકો ઘડીભર થંભી જતાં ને વાટકામાં પૈસા નાખતાં. લખાણ બદલાવ્યું હતું એ માણસ સાંજે ફરીથી ત્યાં આવ્યો. એણે જોયું કે પેલા છોકરાનો વાટકો તો પૈસાથી છલકાઈ ગયો હતો. અંધ છોકરો એના પગરવ પારખી ગયો. એણે પૂછ્યું: ‘મારા કાર્ડબોર્ડ પરનું લખાણ તમે જ બદલ્યું હતું ને? તમે શું લખ્યું’તું?’ પેલો માણસ કહે: ‘મેં તો એમાં જે સત્ય હતું એ જ લખ્યું હતું. તેં જે લખાણ કરેલું એ જ મેં જુદી રીતે લખ્યું. એ લખાણ હતું: ‘આજે સુંદર દિવસ છે ને હું એ જોઈ શકતો નથી.’ બંને લખાણ છોકરાનાં અંધ હોવાની વાત જ દર્શાવતા હતા. જોકે, પહેલું લખાણ અંધત્વ ઉપર કેન્દ્રિત હતું, જ્યારે બીજામાં સંદેશ હતો કે એ લખાણ વાંચનારા લોકો નસીબદાર છે કે અંધ નથી, આથી એ વધુ અસરકારક રહ્યું. આમ, પોતાની વાતને યોગ્ય રીતે રજૂ કરવી એ પણ એક કલા છે. ઉચિત શબ્દોમાં રજૂ થયેલી વાત બીજા પર પ્રભાવ પાડે છે ને હકારાત્મક પરિણામ નિપજાવે છે. આપણા મનમાં વિચારો તો ઘણા આવતા હોય છે, પણ એને યોગ્ય સ્વરૂપમાં રજૂ કરવાની આવડત હોય તો એની અસર ઘણી વધારે હોય છે. ટૂંકમાં છતાં સચોટ શબ્દોમાં રજૂ કરેલી વાત અચૂક ચોટદાર અને સાર્થક નીવડે છે. ગમે એવા સારા વિચારો આવતા હોય, પણ એને અભિવ્યક્ત કરવા માટે શબ્દો શોધવા ફાંફા મારવા પડે તો એના જેવી નિરાશાજનક બાબત એક પણ નથી. મજબૂત અને અસરકારક રીતે થતી અભિવ્યક્તિ તમે બુદ્ધિશાળી અને સક્ષમ છો એવી છાપ છોડી જાય છે. આપણી આસપાસ બનતી ઘટનાને આપણે જોતા હોઈએ છીએ, મૌખિક કોમ્યુનિકેશન મારફત કંઇક ને કંઇક સાંભળતા હોઈએ છીએ ને એ સાથે આપણા મસ્તિષ્કમાં વિચારોના ઘોડાપૂર ઉમટતા હોય છે. એવામાં બોલચાલથી કે લખાણ મારફત સચોટ અને અસરકારક અભિવ્યક્તિ થાય એ બહુ જરૂરી છે. આથી જ ઘનિષ્ઠ સંબંધો જાળવવા અને કેળવવા પોતાની લાગણી કે વિચારો વ્યક્ત કરવાના મહત્ત્વને ઓછું આંકવું જોઈએ નહીં. તમે કેવું અનુભવો છો એના વિશે પ્રામાણિક બનવું એ પરસ્પર સંબંધોમાં નિકટતાનો અનુભવ કરાવે છે. પોતાને અસરકારક રીતે અભિવ્યક્ત કરવાનો અર્થ એ જ કે તમે જે છો, તમારી જે પ્રતિભા છે ને તમારી અંદરની જે ભાવના છે એને તમે બળકટ રીતે અને પ્રામાણિકતાપૂર્વક પ્રગટ કરી રહ્યાં છો. પોતાને અસરકારક રીતે અભિવ્યક્ત કરી શકતા ન હો એવાં લોકોમાં તમારો સમાવેશ થતો હોય તો જાણી લો કે આવું શા માટે હોય છે? પ્રથમ કારણ તો એ કે મનમાં એવો ડર હોય છે કે હું જે રજૂઆત કરીશ એ બીજાને નુકસાન તો નહીં પહોચાડે ને. બીજું કારણ એવું પણ હોઈ શકે કે પોતાની રજૂઆત હાસ્યાસ્પદ બની જશે તો. ઘણીવાર સામેની વ્યક્તિનું અનુમોદન – એપ્રૂવલ નહીં મળે એવો ડર પણ અભિવ્યક્તિ માટે એક મોટો અવરોધ બને છે. આથી અસરકારક રજૂઆત કરવાની કુશળતા ખીલવવા માટે સૌ પ્રથમ એ જરૂરી છે કે એ શોધી કાઢો કે એવી કઈ બાબતો છે જે તમને અસ્વસ્થ બનાવી મૂકે છે અને તમારી મર્યાદા ક્યાં છે એનાથી બરાબર પરિચિત થઇ જાઓ. એ વાતનો સ્વીકાર કરો કે લોકો પોતાને અલગ અલગ રીતે વ્યક્ત કરે છે એમાં કદાચ તમારી વાતનો પ્રારંભમાં સ્વીકાર ન પણ થાય. પોતાને અસરકારક રીતે વ્યક્ત કરવા માટે પોતાને જ સાંભળવા એ ઉત્તમ રસ્તો છે. તમે જે વાત કરવા માંગતા હો એને રેકોર્ડ કરીને સાંભળો. યાદ રાખો કે તમે એક શ્રોતા તરીકે તમને સાંભળી રહ્યા છો. આ રીતે સાંભળતા ખ્યાલ આવશે ક્યાં સુધારાની જરૂર છે, ક્યાં કઈ સંવેદનશીલ વાતને અયોગ્ય શબ્દોમાં રજૂ કરાઈ ગઈ છે, ઉચ્ચારણમાં ક્યાં ખામી છે, બિનજરૂરી શબ્દો બોલાઈ ગયા છે કે કેમ વગેરે. એ સાથે બોલવાની ઝડપ યોગ્ય છે કે કેમ એ પણ ખબર પડી જશે. અસરકારક રીતે મૌખિક રજૂઆત કરતી વખતે યોગ્ય જગ્યાએ અટકવું, પોઝ લેવો પણ એટલો જ જરૂરી છે. અવાજના ટોન–રણકા પર કેટલું પ્રભુત્વ છે ને સાથે કેટલા મોટા કે ધીમા અવાજે બોલવું એ પણ અસરકારક અભિવ્યક્તિનાં અગત્યનાં પાસાં છે. અગાઉથી તૈયારી કરવાનો મોકો મળ્યો હોય તો જરૂરી પ્રેક્ટિસ કરવાની ટેવ વિકસાવવાથી રોજબરોજની વ્યક્તિગત કે સામૂહિક વાતચીતમાં પણ એનો પડઘો જરૂર પડશે. ટૂંકમાં, શબ્દોનો આડંબર કરવાને બદલે પોતે જેવા છે એ રીતે સ્પષ્ટ રજૂઆત કરવી એ જ અસરકારક અભિવ્યક્તિ ને વિશ્વ આવી સ્પષ્ટ અભિવ્યક્તિને સન્માન આપે છે.⬛ rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...