મેનેજમેન્ટની abcd:ડિપ્રેશન ડિસમિસ્ડ

બી.એન. દસ્તૂર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉદ્યોગોના મોટા સાહેબોની છાતી ઉપરનાં મેડલોમાં ક્રાંતિ આવતી રહે છે. દસ વર્ષ પહેલાં ‘બાયપાસ’નો મેડલ ફરિજયાત હતો. જેની બાયપાસ સર્જરી થઈ નથી, એની કિંમત બજારમાં ઓછી છે. એ બાદ આવ્યો જમાનો ‘ની-રિપ્લેસમેન્ટ’નો અને આજે ફેશનમાં છે ‘ડિપ્રેશન.’ ડિપ્રેશનને મેડિકલ સાયન્સમાં ‘મેન્ટલ અને બીહેવિયરલ ડિસઓર્ડર’થી ઓળખવામાં આવે છે. મૂડ મરી જાય, કામ કરવામાં આનંદ ન આવે, મોટિવેશનની બાદબાકી થઈ જાય, સેલ્ફ એસ્ટિમમાં ઓટ આવે, કેટલાક રોગોમાં ડિપ્રેશન આવે, કેટલીક દવાઓની એ આડઅસર બને. આજે ચર્ચા કરવી છે ડિપ્રેશનને વગર દાક્તરે, વગર દવાએ દૂર કરવાના ત્રણ પ્રેક્ટિકલ રસ્તાઓની. કરવા જેવું ન કરીએ, ન કરવા જેવું કરી નાખીએ તો ડિપ્રેશનનો હુમલો આવે છે. માનું છું કે ડિપ્રેશન માટેનું આ સૌથી મોટું કારણ છે- અપરાધ કર્યાની લાગણી. નામ-નિશાન બદલીને રજૂ કરું છું એક સત્યકથા. બોલિવૂડના હીરો જેવો હેન્ડસમ હોરમઝદ એમબીબીએસની ફાઈનલ પરીક્ષામાં નાપાસ થયો. કારણમાં ગર્લફ્રેન્ડ્ઝનો અતિરેક. અપરાધ કર્યાની લાગણી એવી ઉપડી કે એ ગયો ડિપ્રેશનમાં. સગાંવહાલાં, દોસ્તોએ એની આ લાગણી રિઈનકોર્સ કરી. હોરમઝદ નાની ઉંમરથી મારી ‘એક યુવાનો માટેની’ કટારનો આશિક. એણે મને પત્ર લખ્યો. દરેક સારી વસ્તુની કિંમત ચૂકવવી પડે છે. ગર્લફ્રેન્ડ્ઝ જોડેની મોજમસ્તીની કિંમત નાપાસ થઈ ચૂકવી એમાં ડિપ્રેશન ક્યાં આવ્યું? યાદ કરો મોજમસ્તી અને હવે મોજમસ્તી બંધ કરી આપો પરીક્ષા. મોજમસ્તી કરી એ ખોટું નહોતું કર્યું, કિંમત ચૂકવી દીધી. હિસાબ બરાબર થઈ ગયો. આજે હોરમઝદ આગેવાન રેડિયોલોજિસ્ટ છે. ડિપ્રેશનનું અન્ય અગત્યનું કારણ છે નિષ્ફળતાનો અહેસાસ. દરેક નિષ્ફળતામાં કોઈ તક છુપાયેલી હોય છે. દરેક નિષ્ફળતા એક સફળ શિક્ષક છે. નિષ્ફળતાથી જો ડિપ્રેશન આવતું હોય તો તમારા દિમાગમાં ભૂસું ભરેલું છે. નિષ્ફળતામાંથી જે કંઈ શીખવા જેવું છે એ શીખી લો. જે તક છુપાયેલી છે તે શોધો અને આગળ વધો. કોઈ પ્રિય પાત્ર સાથેનો સંબંધ તૂટી જવાથી પણ ડિપ્રેશન આવી શકે છે. બોયફ્રેન્ડ જોડે બ્રેકઅપ થાય તો એમાં આકાશ તૂટી પડતું નથી. કોઈ ગર્લફ્રેન્ડ ચોરી જાય તો કારણો શોધવામાં સમજદારી નથી. પ્રિય પાત્ર સાથે વિતાવેલી સુખદ પળોને યાદ કરો અને નવું પાત્ર શોધો. કડવાશને બદલે પ્રેમનો અહેસાસ કરાવો. ‘આજે મારો બર્થ-ડે છે. તું યાદ આવે છે.’, ‘આપણા જિગરી દોસ્ત પરેશના લગ્નના રિસેપ્શનમાં મેં તને જોઈ. હેપ્પી દેખાતી હતી. આનંદ થયો.’ અકસર જોતો આવ્યો છું કે કેટલાક કિસ્સાઓમાં ડિપ્રેશનથી ક્રેએટિવિટી વધે છે. લાગણીવેડાને ઊંચા મૂકી જે સમસ્યા આવી એનું સમાધાન શોધનારના દિમાગમાં સિરોટોનિનની માત્રા વધે છે અને જે બની ગયું એ ફરી ન બને એના ઉપાયો સૂચવે છે. ડિપ્રેશન ડિસમિસ્ડ. ⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...