ક્રાઈમ ઝોન:આ અપહરણ કેસમાં વિલંબ કે નિષ્ફળતાએ એક માસૂમને દોજખમાં ધકેલી દીધી હોત

2 મહિનો પહેલાલેખક: પ્રફુલ શાહ
  • કૉપી લિંક
  • માનો યા ન માનો, પણ છ વર્ષની બચ્ચીના કિડનેપિંગ કેસમાં સામાન્ય નાગરિક, પોલીસ અને કોર્ટે ગજબનાક ઝડપ-સતર્કતા બતાવી

- બાળકીના અપહરણના વીસ દિવસમાં સજા!

ગંગુબાઈ કાઠિયાવાડી. આ તો એક લડનારી નારીની દાસ્તાન છે, પણ દર વર્ષે હજારો દોજખનાં કળણમાં ખોવાઈ જાય છે. દેશભરમાં દરરોજ બાળકી, કિશોરી, યુવતી અને મહિલાઓ ગાયબ થતી રહે છે અને આમાંથી ઘણી ઓછી પાછી ફરે છે, જેના ચોંકાવનારા આંકડા નેશનલ ક્રાઈમ બ્યુરો વર્ષોવર્ષ બહાર પાડે છે.

અમુક ફિલ્મ, મેચ કે ચૂંટણી (પંજાબ વિધાનસભામાં ‘આપ’ની જીત)માં બધું યોગાનુયોગ એટલું પરફેક્ટ બનતું જાય કે ફતેહને કોઈ રોકી ન શકે. આજે આવો જ કિસ્સો જાણીએ નસીબદાર બાળકીનો. આમાં બધું એટલું પરફેક્ટ અને સમયસર બન્યું કે ફિલ્મમાં પણ અવાસ્તવિક લાગે. મુંબઈની બગલમાં આવેલા નાયગાંવનો કિસ્સો છે. મુંબઈના બોરીવલીથી ટ્રેનમાં આગળ વધતા ભાયંદર બાદ થોડું અલ્પવિકસિત પરું-સ્ટેશન એટલે નાયગાંવ. આ નાયગાંવમાં એક ઝૂંપડાની બહાર રમતી છ વર્ષની બાળકી ગાયબ થઈ ગઈ. બેબાકળી થઈ ગયેલી માતાએ નીતરતાં આંસુની સ્પર્ધામાં પગને ઉતાર્યા. બધે ફરી વળી, જે જે મળ્યાં એમને પૂછ્યું, પણ નિરાશા જ હાથ લાગી. અંતે નજીકના પરા વસઈ (ઈસ્ટ)માં આવેલા વાલિવ પોલીસ સ્ટેશનનમાં કિડનેપિંગની ફરિયાદ લખાવાઈ.

પહેલી નજરે લાગે કે સાવ ગરીબની દીકરીના ગાયબ થવા પાછળ પોલીસવાળા કેટલું ધ્યાન આપવાના? બચાડીને મહત્ત્વનાં કામ હોય કે નહીં? આ કેસમાં એવું ન થયું. આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર જયચંદ્ર ઠાકુરે તપાસ આદરી. થોડી પૂછપરછ, અનુભવ અને કોમનસેન્સ પછી સમજાઈ ગયું કે કોઈક બાળકીને મીઠાઈ કે ચોકલેટની લાલચ આપીને ઉપાડી ગયું છે. અમુક લોકોએ એક ઈસમને અપહ્રત બચ્ચીની આસપાસ જોયો હતો. સ્વાભાવિક છે કે અપહરણ કરીને ગરીબ પરિવાર પાસેથી રેન્સમની રકમ પડાવવાનો ઈરાદો ન હોય. અંગત વેરની વસૂલાત હોય, વિકૃતિ હોય કે બચ્ચીને વેચી નાખવાની મંશા હોય. ત્રણેય શક્યતામાં અપહરણકર્તા શક્ય એટલો દૂર ભાગી જાય. ગરીબની દીકરીનું કિડનેપિંગ કરનારો પણ સાધારણ માણસ હોય એટલે એ બસ કે ટ્રેનમાં જાય એવી શક્યતા વધુ. આ શક્યતાને સાચી પાડી નાયગાંવ રેલવે સ્ટેશન પરના સીસીટીવી ફૂટેજે. હવે સવાલ એ હતો કે નાયગાંવથી કિડનેપર વસઈ-વિરાર બાજુ થઈને ગુજરાત ભણી ગયો હશે કે લોકલ ટ્રેનમાં મુંબઈ તરફ? હજી તો સીસીટીવી ફૂટેજનાં વધુ ફૂટેજ જોવાઈ રહ્યાં હતાં. વર્ણન પરથી આરોપીનો સ્કેચ બનાવવા આર્ટિસ્ટને બોલાવવાનો હતો, ત્યાં જ મહત્ત્વના સમાચાર આવ્યા.

મલાડના ઉપનગરના પોલીસવાળા પાસેથી માહિતી આવી કે છ વર્ષની બાળકી સ્કાયવોક પરથી મળી છે. આ ઘટનાના વધુ ઊંડાણમાં ઉતરતા જાણવા મળ્યું કે સ્કાયવોક પર સવિતા નામની માછીમાર બાઈએ આ બાળકીને રડતા જોઈ. એને શંકા ગઈ એટલે બાળકી સાથેના માણસને પૂછપરછ કરી પણ એ ચૂપ રહ્યો. માછીમારણે એ માણસને એક તમાચો ઝીંકી દીધો તો ગભરાઈને પલાયન ભણી ગયો. ન સોશિયલ મીડિયાનો કક્કો જાણતી કે ન ઝાઝું ભણેલી છતાં આ સવિતાબહેને સતર્ક નાગરિક તરીકે બાળકીને પોલીસ સુધી પહોંચાડવાનું કામ કર્યું ખરું. આમાં કદાચ એને સમય અને સાથોસાથ પૈસાનું નુકસાન ખરું, પણ માનવતામાં અવ્વલ નંબરે પાસ થયાનો સંતોષ મળ્યો હશે. વાલિવ સ્ટેશનના પોલીસવાળા અપહ્રત બચ્ચીની મમ્મીને લઈને બહુ ઝડપભેર મલાડ પહોંચ્યાં. મા વળગી પડી અને બંનેની આંખમાંથી વહેતાં આંસુએ ઓળખ અંગેની પૂછપરછનો અવકાશ ન છોડ્યો. બચ્ચી હેમખેમ મળી ગયાનો હરખ ખરો, પણ હજી કિડનેપર છૂટો ફરતો હતો એ પોલીસને ન પાલવે.

અપહરણકર્તાને ગમે તેમ કરીને જલદી પકડવો પડે, નહીંતર ક્યાંક એ બીજી કોઈ માસૂમનું અપહરણ કરે તો? પોલીસ તરત નાયગાંવ પહોંચી ગઈ. માસૂમ બાળકીના ઝૂંપડાની નજીક રહેતા કિડનેપરના ફ્રેન્ડને તાબામાં લીધો. એની પૂછપરછમાં ખબર પડી કે આરોપીનું નામ કાન્સા સિંહ છે. એ અઢાર મહિના અગાઉ પશ્ચિમ બંગાળથી કામ શોધવા માટે આવ્યો હતો. એ મજૂર તરીકે મલાડની કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતો હતો. પોલીસ તરત મલાડ (ઈસ્ટ)ની એ સાઈટ પર પહોંચી. ત્યાંના વોચમેને મહત્ત્વની માહિતી આપી. કાન્સા સિંહ નાનકડી બાળકી સાથે આવ્યો હતો એટલે એને સાઈટ પર પ્રવેશ અપાયો નહોતો. એટલે તો મલાડના સ્કાયવોક પર બાળકીને લઈને સૂતો હતો. ઘટનાના એક પછી એક અંકોડા બેસતા જતા હતા. પોલીસને લાગ્યું કે આ સંજોગોમાં કાન્સા સિંહ કદાચ પશ્ચિમ બંગાળના પોતાના ગામમાં જઈને છુપાઈ શકે એટલે ત્યાં જતી ટ્રેન પકડવા માટે દાદર, કુર્લા અને બાંદરા સ્ટેશને પોલીસ ટીમ ગોઠવાઈ ગઈ અને રવિવારે વહેલી સવારે બાંદરા સ્ટેશને એને પકડી પાડ્યો.

વસઈની કોર્ટે એને નવમી માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી. પોલીસની પૂછપરછમાં કાન્સા સિંહે કબૂલી લીધું કે આ બચ્ચીના અપહરણનો કોઈ પ્લાન ઘડ્યો નહોતો, પરંતુ નાયગાંવ દોસ્તને ઘરે ગયો અને અનાયાસે તે સામે દેખાતા ચોકલેટની લાલચ આપીને ઉપાડી લીધી. કન્સ્ટ્રક્શન સાઈટ પર બંધાતા મકાનમાં ત્રીજે માળે રાત્રે રહેવાની મંજૂરી ન મળતા નસીબદાર બાળકી જાતીય હુમલામાંથી બચી ગઈ એટલે એને કોઈ રૂપજીવિનીના અડ્ડામાં વેચી દેવા માગતો હતો. આ કબૂલાત આઠ સાક્ષી, સીસીટીવી ફૂટેજ અને ઘટનાસ્થળે પાછા ફરવા સહિતના મુદ્દાને આવરી લઈને પોલીસે એકદમ સજ્જડબમ કેસ તૈયાર કરીને કોર્ટમાં એકસો પાનાંની ચાર્જશીટ અપરાધના પાંચ દિવસમાં જ દાખલ કરી. ક્રાઈમના વીસમા દિવસે ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ વાય. એ. જાદવે કાન્સા સિંહને અપહરણ સહિતના ગુના માટે તકસીરવાર ઠેરવ્યો. પોલીસે વધુમાં વધુ સાત વર્ષની સખત કેદની માગણી કરી હતી, પણ કોર્ટે 20 વર્ષના ગુનેગારને બે વર્ષની આકરી કેદની સજા અને રૂ. 500નો દંડ કર્યો હતો. 2022ની 11મી માર્ચે સજા! અપરાધની આ દુર્લભ ઘટનામાં નાગરિક, પોલીસ અને કોર્ટે સમયસર બજાવેલી ફરજની પ્રશંસા કરવી જ પડે. આ જ આદર્શ, આવકાર્ય સ્થિતિ છે. એવું નથી એટલે આવા કેસ સ્પેશિયલ બની જાય છે. આની ગેરહાજરીમાં પેલી બાળકી દેશના કયા ખૂણાની ગંગુબાઈ બની ગઈ હોત એ કલ્પના જ કમકમાટી ઊપજાવે છે! prafulshah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...