નીલે ગગન કે તલે:ડીપફેઇક ન્યૂડ્ઝ

મધુ રાયએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફેઇક ન્યૂઝની આબોહવામાં એક નવી પ્રકારના ‘ફેઇક’ ચક્ષુગોચર થાય છે, ‘ડીપફેઇક’! એટલે? રીડ મોર! ‘વાયર્ડ’ માસિક પત્રિકામાં એક ચોંકાવનારો લેખ ઇન્ટરનેટ ઉપરની એક તિલસ્મી સાઇટ વિશે છે જેમાં ગ્રાહકો પોતાની પત્ની કે પ્રેમિકા કે સંગદિલ બેવફાના ફોટા મોકલાવે ને તે સાઇટનો સોફ્ટવેર અમુક ડોલરની ફી લઈને ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ના એલગોરિધમથી તે સન્નારીઓનાં વસ્ત્રો દૂર કરી તેમની ‘નગ્ન’ તસવીરો પરત કરે! પછી તે ગ્રાહક તે ફોટાનો શો ઉપયોગ કરે તે ખોદાયજી જાણે પણ નારી બિચારીને કલ્પનાયે ન હોય કે તેની લાજ લુંટાઈ ગઈ છે, ‘એઆઈ’ની વીજાણ્વિક તર્જની દ્વારા! ના, જી! તે સાઇટની લિન્ક અમે નથી આપવાના ને નથી વાયર્ડ મેગેઝિને આપી. તે ડિજિટલી વસ્ત્રહરણ થયા પછીની તસવીરો અદ્દલ ‘હાઈપર રિયલિસ્ટિક’ હોય છે એવું બીજા પાપીઆ કહે છે, અમે જોઈ નથી. Similarweb નામે રિસર્ચ સાઇટનું તારણ છે કે છેલ્લા દસ મહિનામાં તેને 50 મિલિયન યાને ફાઇવ ક્રોર્સ હિટ્સ મળી છે, અને ‘હન્ડ્રેડઝ ઓફ થાઉઝન્ડ્સ’ ફોટા ઉપર નિર્મમ બળાત્કાર થયા છે. અલબત્ત, તેના નિર્માતા લખલૂટ કમાય છે. તેની સ્પિન ઓફ સાઇટોમાંની એક ઉપર 830,000 કલાપ્રેમીઓનો ધસારો થયેલો, બીજી ઉપર 300.000. આ સ્પિન ઓફ વેબસાઇટો મૂળ વેબસાઇટને 500 ડોલરની ફી આપીને 10,000 ફોટા નિર્વસ્ત્ર કરવાની ટેક્નોલોજી ખરીદે છે. એમાંની એક સાઇટ ઉપર 3,000 ગ્રાહકોએ એક માસમાં બે લાખથી વધુ ફોટા સમર્પિત કીધેલા. હવે તે સોફ્ટવેરનું વર્ઝન ટુ ઉપલબ્ધ છે જેમાં સાઇડમાંથી કે પૃષ્ઠભાગથી લીધેલા ફોટાને ‘સવળા’ કરી શબાબનો નજારો કરી શકાય છે, સન 2022માં સોફ્ટવેરનું 3જું વર્ઝન પદાર્પણ કરનાર છે. તે વડે ફોટામાંની લલનાની દેહયષ્ટિને પ્રપુષ્ટ કરી શકાશે અને તેણી ઉપર ઉત્તેજક આકર્ષણો ઉમેરી શકાશે. સન 2017માં આવા સોફ્ટવેરને ‘ડીપન્યૂડ’ નામ અપાયેલું. તેના બનાવનારાએ તે એપ હવે ઉતારી લીધી છે, પણ તેનો કોડ હજી સાઇબર સાગરમાં સેલારા મારે છે. વાયર્ડ મેગેઝિનના લેખ મુજબ આ પ્રવૃત્તિને ‘ડીપફેઇક’ કહેવાય છે. આ નિબંધમાં લગીર બેઘડી વિનોદ છે પણ આ પ્રવૃત્તિ ભયાનક અને ઘાતક છે. હાઇ પ્રોફાઇલ સેલેબ્રિટિઝનાં ‘કપડાં’ ઉતારવાની પ્રવૃત્તિ પહેલી નજરે રમૂજી લાગે પણ ભદ્ર સમાજની મહિલાઓની ફેઇક ન્યૂડ તસવીરો કોઈ ગભરુ કન્યા માટે ઘાતક નીવડે. અને અહો! આ લખતાં લખતાં ગગનવાલા વાયર્ડ મેગેઝિનને બાજુએ મૂકીને સોચમાં પડી જાય છે કે પૂર્વે ફોન કે વીડિયો વગેરે ચમત્કારિક વાતો લાગતી પણ આજે ઘેરેઘેર રમાય છે, તેમ આજે સોફ્ટવેરની મદદથી કોઈનાં કપડાં ઉતારી શકાય છે, તેમ આગામી કાલે કોઈ ચૌદ વરસનો કિશોર નવી શોધ કરે જેમાં કોઈ બી માણસનાં દમ્ભનાં કપડાં દૂર કરીને તેની અસલીયત જોઈ શકાય તો કેવી મજા પડે! કોઈ ઢોંગી કાળાબજારિયો અમુક હોસ્પિટલને બે કરોડનું દાન કરવા આવે તેની તસવીર ઉપરથી તેનાં કાળાં કામાંનો નકાબ દૂર કરી દેવાય તો આયા તૂફાઆઆન, આયા તૂફાઆઆન! અરે એટલી લાંબી સોડ તાણવાને બદલે માનો કે પ્રમોદ કોન્તાને પૂછે કે રાતે મોડી મોડી આવુ છુ તે ક્યોં ક્યોં રખડુ છુ? ને કોન્તા કહે કે ક્યોંય નહીં, મારી મમ્મીને મલવા ગયેલી. તરત પ્રમોદ આઈફોન ઉપર કોન્તાનો ફોટો પાડી લે, ને ‘એઆઈ’ સોફ્ટવેર ધડામ કરતો દેખાડે કે કોન્તા પાડોશના સંજુ જોડે અગડમબગડમ કરવા ગઈ હતી, તો? અને તેને ડીપફેઇક ન કહેવાય, રાઇટ? તે તો ‘ફેઇક’ને ખુલ્લું પાડે છે તેથી ડીપરાઇટ કહેવાય, યસ? ને તેનું વર્ઝન ટુ શી શી ખૂબીઓ લાવે? વિચારમાં પડી જવાય છે, યસ? તેવા સોફ્ટવેરનો ઘેરઘેર પ્રચાર થાય તો પછી તેને ‘નલ એન્ડ વોઇડ’ કરનાર વળી ભળતું સોફ્ટવેર બનાવાય ને તેની બોલબાલા થાય! કાળાબજારિયા ને અબજોપતિઓ પોતાનાં કાળાં નાણાં સંતાડવા તેનો ઉપયોગ કરે ને રાજકારણીઓ બોલે, યહ સબ ઝૂઠ હૈ! હરે, હરે! ગગનવાલા મસ્તક ઝકઝોરીને ખોદાયજીને પૂછે કે ખોદાયજી, ખોદાયજી, સાચું શું ને ખોટું શું? કે પછી બસ, બચ્ચાજી, આ જગત સકળ માયા છે, માયા! જય શંકરાચાર્ય, જય સહદેવા! ⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...