સાંઈ-ફાઈ:ડેશિંગ દુહો

સાંઈરામ દવે14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક દુહા ડાહ્યા માણસની ડાઈ જેવા છે. કેટલાક દીવા જેવા. તો કેટલાક દીવાદાંડી જેવા. કેટલાક દુહા માનવજાતને પડકારે છે. તો કેટલાક શબ્દોની ચાબુકથી ફટકારે છે. દુહો સમાજ જીવનનાં સત્યનો પડઘો છે

લોકસાહિત્ય એ આપણાં પૂર્વજોનાં જીવન અને અનુભવોની એવી સોડમ છે જે કોઈ એકાદી સ્પ્રેની બોટલમાં સમાતી નથી. લોકગીતો એ લોકજીવનના ઉપનિષદોની નાની નાની વાર્તાઓ છે, તો દુહાઓ એ લોકવેદની ઋચાઓ છે. ઘણી વાર ખંડકાવ્યથી પણ સ્પષ્ટ ન થાય એ વાત આ બે લીટીના દુહામાં હૃદય સોંસરવી ઊતરી જાય છે. જીવનનાં કેટલાંક સનાતન સત્યો લોકબોલીમાં દુહા સ્વરૂપે સંગ્રહિત અને લોકહૈયે અંકિત છે. કેટલાક દુહાઓનાં છેલ્લાં ચરણમાં શામળા, ભૂધરા, વિઠ્ઠલા, માનડા, વેરડા કે કાગડા જેવા શબ્દો દુહાના કર્તાકર્મની સાંખ પૂરે છે. પરંતુ જાજા ભાગના દુહાઓ અકર્તાભાવે આલેખાયા છે. તે કોણે લખ્યા તે આજે પણ સુભાષચંદ્ર કે શાસ્ત્રીજીનાં મૃત્યુની જેમ એક રહસ્ય છે. પરંતુ આ દુહાઓમાં જીવનનાં અપ્રતિમ સત્ય કંડારાયેલાં છે. કોઈને ભલે જૂની લાગે પરંતુ માણસને ખરા અર્થમાં માણસ બનાવવાની એક આખી સાત્વિક પ્રોસેસ દુહાઓમાં લખાયેલી છે. કેટલાક દુહા ડાહ્યા માણસની ડાઈ (બીબાં) જેવા છે. કેટલાક દીવા જેવા તો કેટલાક દીવાદાંડી જેવા. કેટલાક દુહા માનવજાતને પડકારે છે. તો કેટલાક શબ્દોની ચાબુકથી ફટકારે છે. દુહો સમાજ જીવનનાં સત્યનો પડઘો છે. એવો જ એક ઓછો પ્રચલિત દુહો, ‘દુહો દસમો વેદ’ નામક પુસ્તકમાં સ્વ. તખતદાનભાઈ અલગારીએ નોંધ્યો છે કે- ‘કૂટ, ક્રોધ, શિશુ, મુકુર, પ્રિયા, સ્વજન, નિશા, દુઃખ, ફાગ, હોત સયાને બાવરે, નવ કોર ચિત્ત લાગ.’ દુહાના પ્રથમ ચરણમાં દર્શાવેલ નવ વસ્તુઓ જગતમાં એવી છે જે સજ્જન અને શાલીન વ્યક્તિને પણ ગાંડાઘેલાં કરી મૂકવા સક્ષમ છે. કૂટ: નાર્કોટિક્સ, નશો કે વ્યસન; કોઈ પણ વ્યક્તિને ઘૂંટણીયે પાડવા સક્ષમ છે. ‘મારે આ વસ્તુ ખાધા–પીધા કે ફૂંક્યા વગર નહીં ચાલે.’ આ વાક્ય જે તે વસ્તુની મહોબ્બતની નહીં, પરંતુ મહોતાજીની ભાષા છે. તમારી જાતને એકાદ નાનકડાં વ્યસન પાસે ગીરવે મૂકીને પછી તમે કરોડોના સોદા પાડો એ બધા નિરર્થક છે. વ્યસન કરવું જ હોય તો ઘરનાં તમામ સ્ત્રી પાત્રોની પૂરી પરમિશન મળે એ વ્યસન કરો. પુરુષ સમોવડી બનવા માટે પપ્પાની પરીઓની સંયમની પાળ પણ આ કૂટ નામનો ત્સુનામી જ ધ્વસ્ત કરી રહ્યો છે. વ્યસન તો વસ્તુ કરતાં વ્યક્તિનું પણ વધુ ઘાતક નથી હોતું? નશાને લીધે શ્રેષ્ઠ મનુષ્ય પણ પશુ સમાન પ્રવર્તે છે. આ વાત ખરેખર બધાંએ યાદ રાખવા જેવી છે. ક્રોધ: ગુસ્સો હંમેશાં અન્ય વ્યક્તિ પર આવે છે. અને અહં હંમેશાં પોતાના ઉપર આવે છે. ક્રોધ કરતી વખતે અગર કોઈ તમારો ફોટો પાડી લે. તો જ તમને સમજાય કે ગુસ્સામાં તમે કેવા કુરૂપ લાગો છો. ક્રોધનું કેન્દ્રબિંદુ કે કારણ વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય છે. આપણાં શાસ્ત્રોમાં મહાદેવનો ક્રોધ સૃષ્ટિ માટે પ્રલયકારી છે. એક્ચ્યુલી મહાદેવના એક્ઝામ્પલથી ઋષિમુનિઓ માનવજાતને મેસેજ આપવા માંગે છે; કે ક્રોધ સમગ્ર સૃષ્ટિને તહસનહસ કરવા સક્ષમ છે. ક્રોધ પરના કંટ્રોલનું ક્યાંય રિમોટ કંટ્રોલ મળતું નથી. નહીંતર દુનિયાભરની જેલ ખાલીખમ્મ હોત. જગત આખાનો ક્રાઈમરેટ ઝીરો હોત. શિશુ: બાળકને રમાડતી વખતે પ્રત્યેક વ્યક્તિ ઘેલો થઈ જાય છે. પરંતુ અમુક પત્રો ખોટા સરનામે પણ અપાયા છે. બાળકને રમાડતી વખતે પ્રત્યેક વ્યક્તિ ઘેલો થઈ જાય છે. જિલ્લા કલેક્ટર કે કેબિનેટ મિનિસ્ટરને તેના પાંચ વરસના દીકરા કે દીકરી કે પૌત્ર પાસે ઘોડો ઘોડો થવું જ પડે છે. શિશુને રમાડવા માટે ઘણી વાર બુદ્ધિશાળી પણ બાવરા બની જતાં હોય છે. મુકુર: દર્પણ કે અરીસા સામે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઊભો હોય છે ત્યારે એ ગાંડા કાઢ્યા વિના રહેતો નથી. હિન્દી સાહિત્યનો એક પ્રચલિત શેર છે કે- ‘અપને આપકો આયને મેં દેખતે હૈ વો, ઔર યે ભી દેખતે હૈ કે કોઈ દેખતા ન હો.’ આપણા અધ્યાત્મમાં જાતને દૃષ્ટાભાવે જોવાની વાત કહી છે. પરંતુ આપણે તો અરીસાથી આગળ જ નથી વધ્યાં. આ સુંદર અને માંસલ દેહ પણ એક દિવસ રાખ થઈ જવાનો છે. આવો વિચાર અરીસા સામે ઊભાં હોઈએ ત્યારે દૂર દૂર સુધી નથી આવતો. અરીસામાં આંખોનાં કૂંડાળાં નજીકથી જોનારાં આપણાં સૌ માટે જીવનનાં કૂંડાળાં પ્રદર્શિત કરે તેવા સ્પેશિયલ અરીસા બનાવવા ન જોઈએ? પ્રિયા: પોતાનાં પ્રિય પાત્રને જ્યારે તકલીફ પડે છે, ત્યારે ભલભલા સંયમ ખોઈ બેસે છે, એ આપણે સૌ જાણીએ છીએ. અરે, બોલિવૂડની પંચાણું ટકા ફિલ્મોનો આ મધ્યવર્તી વિચાર હોય છે. યાદ છે ને, ‘મોગલે આઝમ’ ફિલ્મમાં અનારકલી પોતાનાં પ્રિય પાત્ર માટે ભીંતમાં ચણાઈ જાય છે. અરે, પોરહાવાળાની પત્ની, પિયુના એક વચને પૂરમાં તણાઈ જાય છે, તો શેક્સપિયરના હીરો ‘હેમ્લેટ’ની ઓફીલિયા પણ પ્રેમ ખાતર જ ગૂંગળાઈ મરે છે. ભલે આવાં હજારો ઉદાહરણ સેડ એન્ડના વિશ્વ સાહિત્યમાંથી મળે છે, પરંતુ પ્રિય પાત્રને મેળવવા, રાજી કરવા, રીઝવવા કે મુક્ત કરવા ઈતિહાસ સર્જાયા છે અને ક્યારેક તો વેડફાયા પણ! સ્વજન: સ્વજન મુશ્કેલીમાં મુકાય ત્યારે ડાહ્યો અને સજ્જન વ્યક્તિ પણ ઘાંઘો થઈ જાય છે. એક્સપર્ટમાં એક્સપર્ટ ડોક્ટર પણ પોતાના સ્વજનનું ઓપરેશન કરતા અચકાય છે. હાઈકોર્ટનો વકીલ પણ પોતાની દીકરીના ડિવોર્સનો કેસ બીજા પાસે લડાવે છે તેમજ શિક્ષકનાં સંતાનોને ટ્યૂશનમાં બીજે મોકલવાં પડે છે. આટલા દાખલા કાફી નથી? સ્વજનની પીડા વખતે સજ્જનતા સાતમે પાતાળ રસાતળ થઈ જાય છે. નિશા: રાત પડે ત્યારે અચ્છા અચ્છા લોકોની મતિ ભમી જાય છે. ચંદ્રને આપણે મામા કહીને બોલાવીએ છીએ જ્યારે સૂર્યને દાદા કહીએ છીએ. દાદાની હાજરીમાં દીકરાથી સહેજ પણ આઘું પાછું થવાય નહીં. મામા પાસે બધાં લાડ કરી શકાય. જગતભરનાં જાજા ભાગનાં અનિષ્ટ કૃત્યોનો અંજામ રાત આપે છે. નિશા કેટલાંયની બુદ્ધિ ભ્રષ્ટ કરવા સક્ષમ છે. દુઃખ: જ્યારે કોઈ વ્યક્તિનાં જીવનમાં દુઃખનો ડુંગર તૂટી પડે છે ત્યારે એ સાન-ભાન ગુમાવી દે છે, નહીંતર ગાંધારી જેવી જ્ઞાની સ્ત્રી સ્વયં નારાયણને શાપ દે ખરાં? શ્રવણ જેવા શ્રેષ્ઠ સંતાનનાં માતા-પિતા રાજા દશરથને શાપ આપે ખરા? દુઃખ જ્યારે જીવનમાં આવે ત્યારે દરેકને અસહ્ય લાગે છે, પરંતુ યાદ રાખજો ઈશ્વર ગજાબારું સુખ પ્રદાન કરે છે, ગજાબારું દુઃખ નથી આપતો. મારા વ્હાલા જેવડી ખીલી હોય, એવડું જ એનું ટોપકું હોય. ફાગ: ફાગણ પ્રેમમાં પાગલ કરી દે એવી રસભરી ઋતુ છે. જેની પાસે પણ ફરકવાની રજામંદી ન હોય તેના ગાલ સુધી પહોંચવાની ફાગણ પરવાનગી આપે છે. રંગે રમવામાં કે રંગ ઉડાડવામાં કેટલાંય લોકો સૂધબૂધ ખોઈને બાવરા બની જાય છે. લોકસાહિત્યનો આ ડેશિંગ દુહો ઘણો જૂનો છે તેમ છતાં અત્યારે નવે નવ ક્ષેત્રની વાતને આ દુહો એવરગ્રીન રીતે સાર્થક કરે છે. લોકસાહિત્ય લેટેસ્ટ જીવનનો ગૂગલમેપ બતાડી શકે એમ છે, જો કોઈને જોવો હોય તો! વાઈ-ફાઈ નહી સાંઈ-ફાઈ આવે તો વિચારજો. { sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...