તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમવૉચ:11 વર્ષ પૂર્વેની ઘટનાનો દાણીલીમડા પોલીસે રાતોરાત પર્દાફાશ કરીને ટોળકીના પાંચ સાગરીતોને ઝડપી લીધા

3 મહિનો પહેલાલેખક: જયદેવ પટેલ
  • કૉપી લિંક
  • રેલવે તથા એસટી બસના પ્રવાસીને લૂંટી લેતી ટોળકી
  • કાલુપુર રેલવે સ્ટેશને ઊતરેલા સાળા-બનેવીને ગુનેગારો પીરાણાની સૂમસામ જગ્યામાં લઈ ગયા

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન તથા ગીતામંદિરના એસટીના મુખ્ય મથકે ઊતરતા બહારગામના પ્રવાસીઓને રિક્ષામાં બેસાડીને રસ્તામાં તેમનાં માલ-સામાનને લૂંટી લેતી જુદી-જુદી ટોળકીઓ પૈકીની એક ટોળકીએ પ્રવાસીને મોતને ઘાટ ઊતારીને તેની પાસેની માલમતા લૂંટી લેવાની બનેલી ઘટનાની કહાણી પ્રસ્તુત કરી છે. આ ગુનાને અંજામ આપનાર એક મહિલા સહિત ચાર આરોપીને અદાલતે ગુનેગાર ઠરાવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ બનાવ આજથી અગિયાર વર્ષ પૂર્વે બન્યો હતો. 3-08-2010ની સમી સાંજના શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ હતો. દાણીલીમડાથી નારોલ સર્કલ તરફ જતા માર્ગ ઉપર પીરાણા નજીકના સોમનાથ મહાદેવના મંદિર પાસે એક વ્યક્તિની ઘાતકી હત્યા થઈ હોવાનો મેસેજ શહેર પોલીસના કન્ટ્રોલ રૂમને મળ્યો હતો. હાલ ડી. વાય. એસ. પી. (નાયબ પોલીસ અધિકારી)ના હોદ્દા ઉપરથી નિવૃત્ત થયેલા ચંદ્રેશ સી. શાસ્ત્રી ત્યારે દાણીલીમડા પોલીસ મથકના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા દાણીલીમડા પોલીસ મથકને જાણ કરવામાં આવતા સી. સી. શાસ્ત્રી તેમના સહાયક સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એમ. વસાવા તથા રાઈટર મનુભાઈ વાઘેલા અને સ્ટાફ સાથે વરસતા વરસાદમાં ઘટનાસ્થળે દોડી આવ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે ગંભીર રીતે ઈજા પામનાર વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આથી પોલીસટીમ હોસ્પિટલમાં દોડી ગઈ ત્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિનું મોત થયું હોવાની હકીકત જાણવા મળી હતી. આ વખતે મૃતકની સાથે રહેલી વ્યક્તિની સાહજિક પૂછપરછ કરતા તેનું નામ ચુનીલાલ મારવાડી હોવાનું અને તે સુરત શહેરમાં ચોપડાનો વ્યવસાય કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ચુનીલાલ મારવાડીએ વધુમાં માહિતી આપી હતી કે મરનાર ધર્માજી મારવાડી હતો અને બંને વચ્ચે સાળા-બનેવીનો સંબંધ હતો. ધર્માજી મારવાડી અમદાવાદમાં રહીને કાપડનો છૂટક વેપાર કરતો હતો. બંને સામાજિક પ્રસંગમાં ઉપસ્થિત રહેવા તેમના વતન રાજસ્થાન ગયા હતા. ત્યાં પ્રસંગ પતાવીને બંને ટ્રેન દ્વારા અમદાવાદ આવ્યા હતા. રેલવે સ્ટેશનેથી રિક્ષા ભાડે કરીને ધર્માજીના ઘેર પહોંચવા બંને નીકળ્યા હતા. ચુનીલાલ તથા ધર્માજી જે રિક્ષામાં બેઠા હતા તેમાં અગાઉથી એક સ્ત્રી સહિત ત્રણ શખ્સો પ્રવાસીના સ્વાંગમાં બેઠાં હતાં. ધર્માજીએ તેના રહેઠાણ ઈસનપુર જવા રિક્ષાચાલકને જણાવ્યું હતું. જોકે, રિક્ષાચાલકે ધોધમાર વરસાદના કારણે રોડ ધોવાઈ ચૂક્યો હોવાનું બહાનું બતાવીને રિક્ષા નારોલ સર્કલ તરફ દોડાવી મૂકી હતી. જ્યાંથી પીરાણાના રસ્તે આવેલ સોમનાથ મહાદેવ મંદિર નજીક પહોંચીને નિર્જન માહોલમાં રિક્ષા ઊભી રાખી હતી, જ્યાં રિક્ષાચાલક તથા તેના સાગરીતોએ ચુનીલાલ તથા ધર્માજીને નીચે ઊતારીને ચાકુ બતાવીને તેમની પાસે જે કંઈ માલમતા હોય તે હવાલે કરી દેવા હુકમ કર્યો હતો. જોકે, બંનેએ ટોળકીનો સામનો કરવાની કોશિશ કરી ત્યારે એક શખ્સે ધર્માજી ઉપર ચાકુથી ઘાતક હુમલો કરીને તેને ભોંયભેગો કરી દીધો હતો. આ પછી બંને પાસેનો માલસામાન લૂંટી લઈને ટોળકી રિક્ષામાં ફરાર થઈ ગઈ હતી. આ બનાવને નજરોનજર નિહાળનાર ચુનીલાલ મારવાડીને સાથે લઈને પોલીસ દાણીલીમડા પોલીસ મથકે પાછી ફરી હતી, જ્યાં પોલીસ ઈન્સ્પેક્ટર ચંદ્રેશ સી. શાસ્ત્રીએ રેલવે સ્ટેશન તથા એસટી સ્ટેન્ડ ઉપરના પ્રવાસીઓને લૂંટી લેવાના ગુના આચરતી જુદી-જુદી ટોળકીના અગાઉ પકડાયેલા સાગરીતોના ફોટોગ્રાફ સાથેનું આલબમ રજૂ કર્યું ત્યારે ચુનીલાલ મારવાડીએ એક શખ્સને તરત જ ઓળખી બતાવ્યો હતો. આરિફ મોહમ્મદઅલી પઠાણ નામના રિક્ષાચાલકે અગાઉ પણ તેના સાગરીતોને સાથે રાખીને પ્રવાસીને લૂંટી લેવાના ગુનાને અંજામ આપ્યો હોવાની કરતૂતો જાણવા મળી હતી. આમ, ચુનીલાલ મારવાડીએ ટોળકીના ખલનાયક આરિફ મોહમ્મદઅલી પઠાણનો ફોટો ઓળખી બતાવ્યા બાદ પોલીસ ઈન્સ્પેક્ટર સી. સી. શાસ્ત્રી ઘડીભરનો પણ વિલંબ કર્યા વગર તેમની ટીમ સાથે ધોધમાર વરસાદ વચ્ચેની મેઘલી રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારના છેવાડાના ગોતા ગામની હાઉસિંગ કોલોની ખાતે પહોંચી ગયા હતા, જ્યાં ઘૂંટણસમા પાણીમાં પોલીસે આગળ વધીને એક મકાનમાંથી આરિફ મોહમ્મદઅલી પઠાણ તથા તેની ઔરત સાધના ઉર્ફે રાધા ઉર્ફે પાયલ ઉર્ફે નાઝિયા પઠાણને ઝડપી લીધાં હતાં. રાધા ઉર્ફે પાયલ નામની હિન્દુ યુવતીએ આરિફની મોહબ્બતમાં ફસાઈને તેની સાથે નિકાહ પઢી લીધા હોવાની વિગતો પોલીસને જાણવા મળી હતી. ત્યાર બાદ પોલીસે ટોળકીના અન્ય સાગરીતોને પણ ફટાફટ ઝડપી લઈને લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ટોળકીએ રિક્ષા પ્રવાસીને અગાઉ લૂંટી લીધાના ચાર ગુનાનો તેમજ નાર્કોટિક્સ અને પ્રોહિબિશનના ગુના આચર્યાની હકીકતનો પણ પર્દાફાશ થયો હતો, જ્યારે બાકીના ચારેય આરોપી વિરુદ્ધનો કેસ સેશન્સ અદાલતમાં ચાલી ગયો હતો, જેમાં સેશન્સ જજે આરિફ પઠાણ તથા તેની ઔરત રાધા ઉર્ફે નાઝિયા પઠાણ સહિત ચારેય આરોપીને ખૂન તથા લૂંટના ગુના બદલ ગુનેગાર ઠરાવીને આજીવન કારાવાસની સજા ફરમાવતો ચુકાદો આપીને તે સમયે ચકચાર મચાવનાર આ કેસ ઉપર પૂર્ણવિરામ મૂક્યું હતું.{

અન્ય સમાચારો પણ છે...