કિંચિત્:દૂધાતના દૈત્યો

મયૂર ખાવડુએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્રિસ્ટોફર મારલોવની ‘ડોક્ટર ફોસ્ટસ’, વિલિયમ શેક્સપિયરની ‘હેમ્લેટ’, જેમ્સ જોયસની ‘અ પોઈટ્રેટ ઓફ ધ આર્ટિસ્ટ એસ અ યંગ મેન.’ આ કૃતિઓની વિશિષ્ટતા બીજું બધું તો છે જ પણ ખાસ તેનાં ખલનાયક પાત્રો છે. આપણને નાયકની પડી છે, પણ નાયકની દીર્ઘગાથા એટલે ચાલે છે, કારણ કે ખલનાયકનો સંસર્ગ છે. આપણા સશક્ત વાર્તાકાર અને વિવેચક કિરીટ દૂધાતના સર્જનમાં અસંખ્ય ખલનાયકો છે. કેટલાક તો અમીબા જેવડા! કોઈ પણ સર્જન ટ્રેજેડી વગર શક્ય નથી. હાસ્ય જે ઉર્વરામાંથી પોષણ મેળવી રહ્યું છે એ પણ છે તો ટ્રેજેડી જ! આપણે કોઈની પીડા ઉપર કેટલા શાનથી હસીએ છીએ? દલપતરામનું ‘મિથ્યાભિમાન’ કે ‘અમે બધાં જ’ લઈ લો. અને જ્યારે ટ્રેજેડી હોય તો તેમાં ખલનાયક હોય. ઘણી વખત તો નાયક સ્વયંનો શત્રુ બની બેસેલો હોય છે. લાભશંકર ઠાકરની ‘કોણ?’ સાહિત્યિક દૃષ્ટિએ તો વાર્તામાં પ્રાધ્યાપક અને વિવેચક વર્ગને આકર્ષે એવી વસ્તુ હોવી જોઈએ, પણ ફક્ત સાહિત્યના ત્રાજવે તોલવામાં આપણે પાત્રોની સાથે અન્યાય કરી બેસીએ છીએ. પાત્રોનું પણ એક મનોવિજ્ઞાન હોય છે. સર્જકે સર્જેલાં પાત્રોનો આપણને ક્યાંય ભેટો થાય કે ન થાય, પરંતુ સર્જક સાથે તેની મુલાકાત અચૂક થઈ ચૂકી હોય છે. જો સર્જકને જ વાર્તાનો આંખે દેખ્યો અહેવાલ નહીં મળ્યો હોય તો ભાવક તેની સાથે લોહપંથસંયોગ કેવી રીતે સાધી શકશે? લખતાં લખતાં ઓસ્કર વાઈલ્ડ યાદ આવી ગયા: ‘પુરુષનો ચહેરો એ આત્મકથા છે અને એક સ્ત્રીનો ચહેરો તેના માટે કાલ્પનિક કથા લખવાની પ્રેરણા.’ કિરીટ દૂધાતે બે વાર્તાસંગ્રહ આપ્યા છે. પ્રથમ ‘બાપાની પીંપર’ અને બીજો ‘આમ થાકી જવું.’ આ વાર્તાઓમાં કથાવસ્તુ, વસ્તુ સંકલના, ગ્રામ્યચેતના, ગ્રામ્ય પરિવેશ, ઘટનાનું તિરોધાન, પ્રતીકો, ગામઠી સંવાદો, આ બધાં પર જ ધ્યાન આપીએ તો આપણે હજુ અર્ધોક્ત છીએ. દૂધાતની વાર્તા ‘બાપાની પીંપર’નો ખલનાયક આમ આપણને પરભુદા લાગે જેણે નાગજીબાપાની ઊભી મોલાતનું ભળથું કરી નાખ્યું. પણ ખરેખર તો ખલનાયક પીંપર છે. જેણે નાગજીબાપાની આટલી રૂડી રૂપાળી ઘરવાળીમાંથી ધ્યાનભંગ કરી બીજે આંતર્યું. માનવમનની મહત્ત્વાકાંક્ષાઓ તેની સૌથી મોટી શત્રુ હોય છે. જે શાંતિથી જીવન જીવવા નથી દેતી, પણ તેની પાછળ હળી કાઢીને દોડાવે છે. પીંપર પણ શું નું શું કરી નાખે છે, ‘મૂળિયા સોતી ઉખડી ગઈ, ડાળીએ ડાળી પીંખાઈ ગઈ, પાંદડેપાંદડાં વીખાઈ ગ્યાં…’ એક પીંપરના કારણે અહીં નાગજીબાપા બંને બાજુથી હેરાન થયા છે. વ્યક્તિનો દેહ પણ ખલનાયક હોય. ‘બાયું’ વાર્તામાં મંજુના સાથળનો કોઢ ખલનાયક બન્યો છે, ‘પાવય’માં ગોરધનનું શરીર એનું ખલનાયક બની ગયું છે. 2020માં તમિલમાં ‘પાવા કધઈગલ’ નામની ફિલ્મ આવી હતી. એ ફિલ્મ ચાર ટૂંકી વાર્તાના સંયોજનથી બની છે, જેમાંની પ્રથમ વાર્તા ‘થંગમ’ના નાયક સથારને ટ્રાન્સવુમન હોવાના કારણે લોકો તરફથી જે જે સમસ્યા થાય છે, એવી ભળતી સળતી સમસ્યાઓ વાર્તા ‘પાવય’માં કિરીટ દૂધાત વર્ષો પહેલાં લખી ચૂક્યા છે. ‘ભાય’ વાર્તામાં ‘મારે મા નૈ ને એટલે…’ બોલતા ભોળાના ખરાબ દિવસો એના અવતરણથી જ શરૂ થઈ જાય છે. પરંતુ એક બપોરે વાર્તાની ખિસ્સામાં ખટખટતી લખોટી જેમ કંઈ બોલ્યા વગર ઘણું બધું કહેતી જાય એમ ‘ભાય’માં ભોળાનો સંચો પણ કેટલુંક કહે છે. ‘ભાય’ એક સશક્ત વાર્તા ખરી પણ ‘ભાય’થી અજાણ્યા એવા કોઈ ચરિત્ર નિબંધના ચાહકને પીવા આપીએ તો એ તેને વાર્તા કરતાં રેખાચિત્ર વધારે માનશે. આ પણ એક વ્યાકૃતિ થઈ કહેવાય. કિરીટ દૂધાત કોઈ એવા વાર્તાકાર નથી કે એક બેઠકે વાંચ્યા અને પૂરું કરી લીધું. એમની વાર્તાઓને મોંમાં કોળિયો ચોવીસ વખત ચાવીએ એમ ચાવવી પડે છે. કોઈ એક વ્યંજનમાં જ અઢળક સ્વાદ હોય અને આપણે પારખવાનું મુશ્કેલભર્યું કાર્ય કરવાનું! ‘આમ થાકી જવું’માં શિરામણ કર્યાં પછી જે રીતે નાયકને જીભમાં ભાખરી અને ઘી-ગોળના થોડા કણો અડે છે, એમ થોડું ફરી ફરી વાંચતા અથડાય. ‘વી.એમ.’ વાર્તાનો ફકીરો દીપડાની જેમ નાકામાં ગળકી જાય એમ કેટલીક વાતો પ્રથમ વાંચનમાં છટકી જાય છે. બીજી-ત્રીજી વખતના વાંચનમાં આપણે દૂધાતના ભાવક અને પ્રતિસ્પર્ધી વાચકને કહી શકીએ– ‘તારા ઢગલા કરતાં આપડો ઢગલો મોટો થ્યો.’ ‘લીલ’, ‘ડચૂરો’ અને ‘પાવય’ જેવી વાર્તાઓ દુ:ખાંત ભૂતકાળને વાગોળી વર્તમાનમાં આવે છે. અને વર્તમાનમાંય શું થાય છે? ‘લીલ’માં પેટમાં ફરકાટ! ‘ડચૂરો’માં જીવરાજભાઈની ધોલથી અશ્રુ હેઠાં બેસી જવાં! અને ‘પાવય’માં પેલો ગૂંચળું વળીને પડેલો નાગ!⬛ cmayur835@gmail.com

અન્ય સમાચારો પણ છે...