કિંચિત્:ખુશવંત સિંહની દિનચર્યાં અને લેખન

મયૂર ખાવડુ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેખકની એક જવાબદારી હોય છે, પછી તે નિબંધકાર હોય કે નવલકથાકાર

ખુશવંત સિંહે હુમા કુરૈશી સાથે મળી કરેલા લેખનને ગુજરાતીમાં આદિત્ય વાસુએ સરસ મઝાના ભાવાનુવાદનો સ્પર્શ આપ્યો છે. ‘બિન્દાસ ખુશવંત’ પુસ્તકના ભાવાનુવાદનું ભાષાકર્મ આપણને વિચારતા કરી મૂકે છે કે આ અંગ્રેજીમાં જ લખાયું હતું કે સીધું ગુજરાતીમાં આવ્યું છે! લેખક અને પત્રકાર ખુશવંત સિંહ પોતાના જીવન વિશે અઢળક લખી ચૂક્યા છે. પણ આ પુસ્તકમાં તેમની એક નોખી છબી તરી આવે છે. પુસ્તકમાં ઊહાપોહ મચી જાય એટલાં ભરચક વિધાનો ઠાંસોઠાંસ ભર્યાં છે. આ વાક્યો આપણને કહે છે કે સત્ય લખવાનું અને કોઈની સાડીબારી રાખ્યા વગર લખવાનું ખુશવંતજીને બંધાણ થઈ ગયેલું. ખુશવંત સિંહને એવું લાગતું હતું કે તેમણે લખવાનું ખૂબ મોડું શરૂ કર્યું. સાત વર્ષ વકીલાતની પ્રેક્ટિસમાં વેડફી નાખ્યા. વકીલાતના ધંધાને તેઓ ખૂબ રોષપૂર્વક વખોડી કાઢે છે. એ ધંધામાં તેમને ઘાંચીના બળદની જેમ જોતરાવનારા અન્ય કોઈ નહીં પણ તેમના પિતા જ હતા. પિતાને એવું લાગતું હતું કે ખુશવંતે વકીલ બનવું જોઈએ. એટલે જ આર્ટ્સમાં અર્થશાસ્ત્ર, ઈતિહાસ અને તત્ત્વજ્ઞાનનો તલસ્પર્શી અભ્યાસ કરી રહેલા ખુશવંતને ઉઠાડી લાહોરની લૉ કોલેજમાં નાખી દીધા. ખુશવંત સિંહનું માનવું હતું કે લખવું એ એકાંતનું કાર્ય છે. તમે ટોળામાં કે લોકોની વચ્ચે ઊભા રહી લખી શકો નહીં. એકાંત એમને ખૂબ ગમતું. તેઓ ખુદની સાથે સમય પસાર કરી શકતા અને એ પણ આનંદથી. પત્નીના નિધન પછી તો એક લાંબો સમય તેમણે એકાંતમાં જ પસાર કર્યો હતો. ખુશવંત સિંહે એક લાંબું આયુષ્ય ભોગવ્યું. તંદુરસ્ત રહ્યા અને કામમાં રચ્યાપચ્યા રહ્યા. જેની અન્ય લેખકોને ઈર્ષ્યા થઈ આવે એવું તમામ કાર્ય તેમણે કર્યું. ઘડપણમાં પણ તેઓ સવારના ચારના ટકોરે ઊઠી જાય અને પછી કામ હાથમાં લે. જ્યાં સુધી સૂર્યાસ્ત ન થઈ જાય ત્યાં સુધી કામમાં પરોવાયેલા રહે. અઠવાડિયામાં બે કોલમ લખે. ક્યારેક ક્યારેક પુસ્તકનું અવલોકન લખી નાખે. જ્યારે આ પુસ્તકનું લેખનકાર્ય થતું હતું ત્યારે તેમણે એક નવલકથા પણ હાથમાં લીધી હતી. તેમની સવાર તાજા નારંગીના રસથી થાય. એ પી લીધા પછી, એક મોટા પ્યાલામાં કોરિયન ‘જિન્સેંગ’ ચા પીવે. બાદમાં, એક જે દરેક ભારતીયના ઘરમાં પીવાય છે એવી સાદી ચા પીવે અને બીજું હુંફાળું પાણી ગટગટાવી જાય, જેનાથી તેમનું પાચનતંત્ર નિયમિત દોડતું રહે. સવારના નાસ્તામાં ચાની સાથે હોલમીલ બ્રેડનો ટુકડો પેટમાં પધરાવતા. પ્રશ્ન થવો જોઈએ કે આટલી બધી ચા? ચાનું એમને અનહદ વ્યસન હતું. સવારમાં જ ખુશવંત સિંહ પાંચ ચા પી જતા હતા. બાદમાં દિવસ દરમિયાન ઉંમરના કારણે વિવિધ પ્રકારની ગોળીઓ ગળી શરીરનું એન્જિન દોડાવતા હતા. યુવાન ખુશવંત સિંહના માનસ પર બે લેખકોએ જબરદસ્ત અસર કરી હતી. એલ્ડસ હક્સલે અને સમરસેટ મોમ. તેઓ ખુદ પોતાના સમકાલીનોની તુલનાએ લેખક તરીકે સ્વયંને વધારે ગુણ આપતા નહોતા. એ વાત અલગ છે કે તેઓને સમકાલીન લેખકોની સમાનતાએ ખાસ્સા લબ્ધપ્રતિષ્ઠ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. કેટલેક અંશે આજે પણ છે. વિક્રમ શેઠ, અરુંધતિ રોય, અમિતાવ ઘોષનાં લખાણો તેમને ગમતા હતા. નવોદિતો દ્વારા એમને એક સવાલ વારંવાર પૂછવામાં આવતો હતો કે લખવું કેમ? ખુશવંત સિંહ પુસ્તકમાં તે અંગેનો ખૂબ વિસ્તૃત ઉત્તર આપે છે, ‘વ્યક્તિએ પ્રયત્ન કરીને સંપૂર્ણ પ્રામાણિક અને નીડર બનવું પડે. હંમેશાં જે મન-હૃદયમાં હોય તે કહી દેવું જોઈએ. આનાથી સમસ્યાઓનો સામનો કરવાનો આવે પરંતુ વ્યક્તિએ પીછેહઠ કરવી નહીં. લેખન ખૂબ મહેનત માગી લે તેવું કામ છે, માટે જેટલું વધારે વાંચન કરી શકાય તેટલું કરવું જોઈએ. પછી તે ક્લાસિક નૉવેલ્સ હોય કે પરીકથાઓ કે સાવ વાહિયાત કવિતાઓ. વાંચન જેટલું બને તેટલું વધુ વાંચન – તમને સારા અને ખરાબ લખાણ વચ્ચેના તફાવતને સમજવામાં શક્તિમાન બનાવશે. આ ઉપરાંત વ્યક્તિએ ડોળ કે ઢોંગ ક્યારેય ન કરવા; પ્રામાણિક રહેવું અને મુશ્કેલ અને ભારેખમ શબ્દો વાપરીને પોતે કંઈક છે તેવું બતાવવું નહીં. આ વાત વાચક સાથે સંધાન સાધવામાં બાધા ઉત્પન્ન કરે છે. બીજું, હંમેશાં વ્યક્તિએ પોતાને કરવાનું કામ કરીને તૈયાર રહેવું જોઈએ. લેખકની એક જવાબદારી હોય છે– પછી તે નિબંધકાર હોય કે નવલકથાકાર.’⬛cmayur835@gmail.com

અન્ય સમાચારો પણ છે...