અભિનેતા:પપ્પા કહેતા,‘નોકરી છોડી દે, પણ તને ગમતું કામ ન છોડતો’

પ્રતિક ગાંધી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેં મારા જીવનમાં જે પણ સફળતા મેળવી છે, જે સિદ્ધિ મેળવી છે તે ફક્ત ને ફક્ત મારા પરિવારના સપોર્ટથી જ મેળવી શક્યો છું. માતા-પિતા, પત્ની, મારા કઝીન દરેકે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને હાલમાં પણ સપોર્ટ કરી રહ્યાં છે. તેમણે હંમેશાં મને હિંમત આપી છે. હું ચોથા ધોરણમાં હતો ત્યારથી મને માર્શલ આર્ટમાં રસ હતો. મારી એ નાની ઉંમરે પણ પપ્પાએ મને ના નહોતી પાડી અને મને મારું ગમતું માર્શલ આર્ટ કરવા દીધું હતું. ફક્ત આટલી જ વાત નથી, કોઈ પણ પ્રવૃત્તિ હોય પછી તે ડાન્સ હોય કે હાઈ જંપ, લોંગ જંપ, ક્રિકેટ કે ઘોડેસવારી હોય આવી દરેક પ્રવૃત્તિ જો હું કરી શક્યો હોઉં તો એ મારા પરિવારને કારણે જ. એમના સહકાર વિના આ કરવું શક્ય નહોતું. મારા પરિવારની મદદથી જ હું બહારની ઘણી બધી એક્ઝામ્સ પણ આપી શક્યો. આ ઉપરાંત મારા ભાઈની વાત કરું તો તે નવમા ધોરણમાં આવ્યો ત્યારે તેણે પપ્પાને કહ્યું કે તેને હવે આગળ ફાઈનઆર્ટ્સ કરવું છે. એ વખતે પણ પપ્પાએ તેને નિરાશ નહોતો કર્યો. મારે થીયેટર કરવું હતું ત્યારે પણ મને મારા ફેમિલીએ સાથ આપ્યો. કલા તો એક જીવનનો ભાગ છે અને મારા ઘરમાં હંમેશાં સંગીતનું વાતાવરણ રહ્યું છે. મને યાદ છે કે હું શરૂઆતમાં મુંબઈ આવ્યો ત્યારે મારી પાસે બિલકુલ કામ નહોતું. એ વખતે હું માસીને ઘેર રહેતો હતો. ત્યારે મારા કઝીને જ મને સંભાળ્યો. તેણે જ મને નાનાં-મોટાં કામ અપાવ્યાં. એ વખતે પણ પપ્પા કહેતા, હિંમત રાખ, બધું થશે, બસ તું અટકતો નહીં. આ ઉપરાંત હું કોર્પોરેટમાં હતો એ સમયે જોબનું પણ મારા પર સખત પ્રેશર રહેતું અને એ સાથે મારા પ્લેના શો પણ હોય. એવા સમયે પણ પપ્પાએ મને હંમેશાં હિંમત અને પ્રોત્સાહન આપ્યાં. પપ્પા મને કહેતા નોકરી છોડી દે, પણ તને ગમતું કામ ન છોડતો. શરૂઆતમાં મુંબઈ ફેમિલી સાથે આવ્યાં ત્યારે ભાડાનું ઘર હતું. મારી વાઈફ એ સમયે પ્રેગ્નન્ટ હતી. એ જ વખતે મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું. ત્યારે મને પહેલી સ્ક્રિપ્ટ ‘બે યાર’ મળી હતી. એવા સમયે પણ મારી પત્નીએ, પરિવારે મને હિંમત આપી અને હું અમદાવાદ જઈને 25 દિવસમાં શૂટ કરી શક્યો. કહેવાનો અર્થ કે પરિવાર ફિઝિકલી, મેન્ટલી બધી જ રીતે સાથે હોય તો જ આપણે જીવનમાં કંઈક અચીવ કરી શકીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...