મનદુરસ્તી:બાવડાબાજ બોડી બનાવવાની બેબાકળી બીમારી

ડૉ. પ્રશાંત ભીમાણી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે અમારો દીકરો આનય બારમા ધોરણમાં આવ્યો છે. છેક ગયા વર્ષ સુધી એ એટલો બધો સિરિયસલી ભણતો હતો કે અમારે કહેવું પડે કે ‘ભાઇ જરા રિલેક્સ થા.’ પણ, હવે પ્રોબ્લેમ બીજો થઇ ગયો છે. આનય સવારે પાંચ વાગે એંક્શિયસ થઇને ઊઠી જાય પણ ભણવા માટે નહીં, એક્સરસાઇઝ કરવા, પણ એ રોજના પાંચ કલાક જીમમાં વીતાવે છે. એણે ગયા વર્ષે જીદ કરીને ઘરે જ જીમ બનાવડાવ્યું છે. શરૂમાં અમને એવું હતું કે આ તો સારી આદત છે એટલે અમે એને પ્રોત્સાહન આપ્યું, પણ પછી તો જાણે એને મસલ્સ બનાવવાની ઘેલછા ઉપડી છે. આખો દિવસ પોતાની જાતને અરીસામાં જોયા કરે. ફરી-ફરીને જુએ. વિડીયો બનાવે અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા કરે છે. આપણને આશ્ચર્ય થાય પણ આનયના હજારો ફોલોઅર્સ છે. એ વળી પાછા વધતા જ જાય છે. એટલે આનયને પાછું વધારે શૂરાતન ચડે છે. વિદેશમાં જઇને એમ.બી.એ. કરવાનાં સપનાં જોતો આનય આ બાવડાબાજીના ચક્કરમાં બેબાકળો થઇ ગયો છે. એનું શું થઇ શકે, ડોક્ટર?’ અમિતભાઇ એક પિતા તરીકે ચિંતા કરી રહ્યા હતા. આજકાલ અનેક કિશોરો અને યુવાઓમાં સુદૃઢ શરીર બનાવવાનો જુવાળ ઉપડ્યો છે. અલબત્ત, આ સ્વસ્થ આદત હોય ત્યાં સુધી બરાબર છે. પણ, ધીમે ધીમે આ ઇચ્છાનું ઘેલછામાં રૂપાંતર થાય ત્યારે એક માનસિક વિકૃતિ જન્મ લે છે, જેને મનોવિજ્ઞાનમાં ‘બિગોરેક્સિઆ’ કહે છે. બિગોરેક્સિઆ એટલે એક એવી માનસિક સમસ્યા કે જેમાં વ્યક્તિને સતત પોતાના મસલ્સ બનાવવાના કે બોડી બનાવવાના જ વિચારો આવ્યા કરે. આને ‘મસલ ડીસમોર્ફિઆ’ પણ કહે છે. મોટે ભાગે આ યુવા છોકરાઓમાં કે પુરુષોમાં જોવા મળે છે. આમાં વ્યક્તિને સતત એવું લાગ્યા કરે છે કે મારું શરીર બરાબર દેખાતું નથી. એટલે વધુ પડતું વેઇટ લિફ્ટિંગ અને અનેક ઍૅબ્સ એક્સરસાઇઝ કર્યા જ કરે છે. સિક્સ પેક્સની ધૂન એટલી બધી સવાર હોય છે કે સોશિયલ મીડિયા ઉપર આખો દિવસ એવી જ પોસ્ટ જોયા કરે છે. બીજી બાજુ પોતાના શરીર માટે એવી હીનભાવના હોય છે કે મારું બોડી શેપમાં નથી. એટલે સતત એને શેપમાં રાખવાની અને મસલ્સ બનાવવાની ધૂન દિવસ-રાત મનમાં ચાલ્યા કરતી હોય છે. આજકાલ આવા કિશોરો મર્દાનગી અને શક્તિ પ્રદર્શન કરતા વિડીયો અને પોસ્ટ સૌથી વધુ જુએ છે. પોતાને એ બધા પરફેક્ટ બોડી સાથે સતત સરખાવ્યા કરે છે અને લઘુતાગ્રંથિથી પીડાયા કરે છે. એક સર્વે અનુસાર આવું ઓનલાઇન પ્રેશર અનુભવતા યુવાઓનું પ્રમાણ 70 ટકાની આસપાસ છે. આને કારણે વિવિધ પ્રોટીન પાઉડર કે મસલ્સ બિલ્ડિંગ ફૂડ ઓનલાઇન ઓર્ડર કર્યા કરે છે અને અરીસામાં પોતાના મસલ્સ જોયા જ કરે છે. ઓનલાઇન દુનિયાએ તેમજ ફિલ્મોએ પુરુષનું પડદા ઉપર એવું ચિત્રણ કરી મૂક્યું છે કે, જો મસલ્સ કે સિક્સ પેક્સ ન હોય તો એ હીરો જ ન કહેવાય. આ સ્ટીરીયોટાઇપને વળી છોકરા-છોકરીઓ બંને આદર્શ સ્થિતિ માનતા થઇ ગયા છે. આવા બોડી શેપની એબનોર્મલ ધૂનવાળાં લોકોને ખરેખર તો મનોચિકિત્સાની જરૂર હોય છે. આનયને સાઈકોથેરેપીનાં સેશન્સ આપવામાં આવ્યાં. એના અચેતન મનમાંથી લઘુતાગ્રંથિને દૂર કરવામાં આવી. પ્રોબ્લેમ એ હતો કે, આનય ભણવામાં એના ગ્રૂપના એવરેજ મિત્રોથી ઘણો આગળ હતો. એટલે ધીરે ધીરે એને પેલા ઈર્ષ્યાથી ભરેલા (કુ)મિત્રોએ પોતાના ગ્રૂપથી અળગો કરવા માંડ્યો. એમાં થતું રિજેક્શન નિવારવા એ બીજા બધા ‘માત્ર’ બોડી બનાવવાના ધંધે લાગેલા મિત્રો સમાન બનવા એમનું અનુકરણ કરવા લાગ્યો હતો. એણે જોયું હતું કે, બરાબર મસલ્સ અને સિક્સ પેકવાળા મિત્રોને સોશિયલ મીડિયા ઉપર વધુ લાઇક્સ મળે છે એટલે આનય એ બોડી બિલ્ડિંગની રેસમાં જાણે-અજાણે ઉતરી ગયો અને એ પણ પાછી પોતાની કરિઅરની ગાડી પાટા પરથી ઉતારીને. મનોચિકિત્સા દ્વારા ફરી પાછો એ મનથી અને શરીરથી સ્વસ્થ છે. હવે એ કસરત તો કરે છે પણ માત્ર ફિટ રહેવા, બોડી બતાવવા નહીં! વિનિંગ સ્ટ્રોક : ક્યારેક આપણને ફિઝિકલ જીમ કરતાં મેન્ટલ જીમની વધારે જરૂર હોય છે.

અન્ય સમાચારો પણ છે...