સાયન્સ અફેર્સ:પૃથ્વી સૌરમંડળને છોડી શકે?

નિમિતા શેઠ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય કોઈ તારો સૂર્યની નજીક આવવા માંડે તો પણ પૃથ્વી સહિતના બધા ગ્રહોની ગતિ મૂંઝવણમાં પડી જાય

પૃથ્વી સૂર્યની ફરતે પોતાની કક્ષામાં 30 કિમી/સેકંડની ઝડપે ફરે છે. એટલે કે, દર કલાકે આશરે 1,08,000 કિલોમીટર અંતર કાપે છે. સરખામણી માટે, આ ઝડપને એક્સપ્રેસ હાઈવે પર 108 કિમી/કલાકની ઝડપે જતી કાર કરતાં હજાર ગણી કહી શકાય. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી સહિત સૌરમંડળના બધા ગ્રહોને તેની તરફ ખેંચીને રાખે છે. આ બળ એટલું મજબૂત નથી કે, ગ્રહો સૂર્ય તરફ ખેંચાઈને સીધા તેની અંદર પડી જાય. અને એટલું નબળું પણ નથી કે કોઈ ગ્રહ સૂર્યથી દૂર જવા માંડે. વળી ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ (law of inertia) છે : જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે, ગતિમાન પદાર્થ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ જ રાખે છે. આ કારણથી, તમામ ગ્રહ પોતાની ઝડપથી ફરતા જ રહે છે અને સૂર્ય તરફ ખેંચાયેલા પણ રહે છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વીની પરિક્રમા કરવાની ઝડપ એકબીજાના સમતોલનમાં રહેશે ત્યાં સુધી પૃથ્વી પોતાની કક્ષામાં ફર્યા કરશે. આનો બીજો મતલબ એમ થાય કે, જો પૃથ્વી પર બાહ્ય બળ લગાવવામાં આવે તો તેની ગતિની ઝડપ અને દિશા બન્ને બદલાઈ જાય. સંતુલન ખોરવાઇ જતાં પૃથ્વી તરત કક્ષા છોડીને નવા બળ તરફ પ્રયાણ કરવા લાગે. જોકે, આવું હજુ સુધી થયું નથી. થયું હોત તો તમે અત્યારે આ વાંચતા ન હોત. બીજી વાત, જો સૂર્યની ફરતે પરિક્રમા કરવાની પૃથ્વીની ઝડપ કોઈ કારણથી વધી જાય તો પણ બન્ને બળ વચ્ચે બેલેન્સ બગડી જાય અને પૃથ્વી કક્ષા છોડીને સૂર્યથી દૂર જવા માંડે. સ્પેસ એન્જિનિયર સેરિયોટી (Ceriotti) કહે છે, ‘પૃથ્વી સૌરમંડળથી દૂર જતી રહે તેની હાલ શક્યતા નથી. અવકાશમાંથી કોઈ દળદાર પદાર્થ આવીને સૌરમંડળમાં પ્રવેશી જાય, અને તે પૃથ્વીની નજીકથી પસાર થાય તો તેનું બળ પૃથ્વી પર લાગે. જેનાથી પૃથ્વીની કક્ષા બદલાઈ શકે. આગંતુક પદાર્થની ઝડપ, દળ અને પૃથ્વીથી તેનું અંતર આ ત્રણ બાબતના આધારે નક્કી કરી શકાય કે તે પૃથ્વીને સૂર્યમંડળની બહાર કેટલે દૂર મોકલી આપશે.’ એમ તો અન્ય કોઈ તારો સૂર્યની નજીક આવવા માંડે તો પણ પૃથ્વી સહિતના બધા ગ્રહોની ગતિ મૂંઝવણમાં પડી જાય અને પરિક્રમા કરવાની કક્ષા બદલાઈ જાય. જો તે તારો વધુ ભારે હોય તો આપણા સહિત બધા ગ્રહોને પોતાની સાથે લેતો જાય એવું પણ બને. નજીકના ભવિષ્યમાં આવું કશું થવાની શક્યતા શૂન્ય બરાબર છે, પણ શૂન્ય તો નહીં જ. ડરવાની જરૂર નથી, હજુ લાખો વર્ષ સુધી આવું નથી થવાનું. દસેક લાખ વર્ષ પછી ‘Gliese 710’ નામનો એક તારો સૂર્યથી ઘણો નજીક આવશે, તેમ વૈજ્ઞાનિકો કહે છે. જોકે, ‘નજીક’ આવવાનું ફક્ત અવકાશી અંતરોની સરખામણીમાં હશે, આટલી નજદીકી ગ્રહોની પરિક્રમણ કક્ષામાં કોઈ ફરક નહીં પાડી શકે. થોડાં હજાર વર્ષમાં કદાચ આપણે જ એવી ટેક્નોલોજી વિકસાવી લઈએ કે, ઈચ્છા થાય એ પ્રમાણે પૃથ્વીની ઝડપ અને તેની કક્ષા બદલી શકીએ! સૂર્યને છોડીને આપણને જે તારો વધુ યોગ્ય લાગે તેની આસપાસ પૃથ્વીને લઈ જઈએ. માણસ બનવાનો ફાયદો છે કે, કોઈપણ કલ્પના કરી શકીએ અને ક્યારેક તેને શક્ય પણ કરી દઈએ.⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...