તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીવાન-એ-ખાસ:કોરોના મહામારી, ચીન અને ડબ્લ્યુએચઓ

વિક્રમ વકીલ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડબ્લ્યુએચઓના વડાને વિવિધ વાઈરસો સપનામાં આવીને કહી જતા હશે કે, હવે ત્રાટકવાનો અમારો વારો છે. ડબ્લ્યુએચઓ આગાહીઓ કયા વૈજ્ઞાનિક આધારે કરે છે?

હવે જ્યારે કોરોના મહામારીનો બીજો ઘાતક વેવ લગભગ પૂરો થયો છે ત્યારે વિશ્વ આખું ત્રીજા વેવની ચિંતામાં જાગતું બેઠું છે. 2019ના ડિસેમ્બર મહિનામાં કોરોનાની શરૂઆત વુહાન શહેરમાં થઈ હતી ત્યારે તત્કાલિન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીધી શંકાની સોય ચીન તરફ ધરી હતી. એ વખતે ટ્રમ્પના વિરોધીઓ ચીનની તરફેણમાં તૂટી પડ્યા હતા. પછી તો વિશ્વના બધા દેશો મહામારીનો સામનો કરવામાં પડ્યા અને કોવિડ-19નું મૂળ ઉદ્્ગમ સ્થાન ભૂલાઈ ગયું. છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વનાં મીડિયામાં ફરીથી ચર્ચા શરૂ થઈ છે કે કોવિડ-19ના ઉદ્્ગમનું કારણ અને સ્થળ નહીં શોધાય ત્યાં સુધી વિશ્વ આખા પર કોરોનાનો ખતરો મંડાયેલો જ રહેશે. જ્યાં સુધી કોરોનાની મહામારીનું કારણ જાણી નહીં શકાય ત્યાં સુધી એને અટકાવવાના ઉપાયો પણ વાંઝણા જ રહેશે. ચીન જો આ મહામારી માટે જવાબદાર નહીં હોય તો કોઈ તટસ્થ કમિટી દ્વારા ઇન્કવાયરી કરાવતાં શા માટે ડરે છે? જે રોગને કારણે વિશ્વના કેટલાક દેશો શારીરિક અને આર્થિક રીતે પાયમાલ થઈ ગયા એનું કારણ જાણવું જરૂરી બને છે. ચીન સામે શંકા થવાનું બીજું કારણ એ છે કે, અગાઉનાં વર્ષોમાં પણ ચીનથી ફેલાયેલી મહામારી બાબતે ઢાંકપિછોડો કરવામાં આવ્યો છે. 2002-2003નાં વર્ષ દરમિયાન શ્વસનતંત્રનો ઘાતક રોગ ‘સાર્સ’નો ફેલાવો પણ ચીનથી જ થયો હતો, જેને 2021મી સદીની પ્રથમ મહામારી કહી શકાય. નવાઈની વાત એ છે કે ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ (ડબ્લ્યુએચઓ)ની ભૂમિકા પણ કોવિડની મહામારી વખતે શંકાશીલ રહી છે. ડબ્લ્યુએચઓના વડાઓએ ચીનને બચાવવાની વારંવાર કોશિશ કરી છે. આ ઉપરાંત કોરોનાની ટ્રીટમેન્ટ બાબતે પણ ડબ્લ્યુએચઓએ પોતાનું વલણ બદલ્યે રાખ્યું છે. શરૂઆતના તબક્કે આ સંસ્થાએ હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા ખૂબ જ ઉપયોગી છે એવી જાહેરાત કરી હતી. ત્યાર પછી કોરોના દર્દીના શરીરમાંથી મેળવવામાં આવતું પ્લાઝમા કોરોના દર્દીને સારો કરશે એવું તૂત પણ એણે ચલાવ્યું. રેમડેસિવિર ઇન્જેકશન બાબતે પણ કોઈ રિસર્ચ કર્યા વગર પહેલાં એનાં ગુણગાન ગાયાં અને પછી જાહેર કર્યું કે કોરાનાની બીમારીમાં રેમડેસિવિર ઇન્જેકશનો કામનાં નથી. વિશ્વની કોઈ સરકાર ડબ્લ્યુએચઓએ મારેલા લોચા બાબતે પ્રતિપ્રશ્ન કરતી નથી. ડબ્લ્યુએચઓએ જે કોરોનાના પ્રોટોકોલ નક્કી કર્યા છે એની સત્યતા પણ હજી સુધી વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ નથી. આપણે જોઇએ છીએ કે જેમણે નિયમિત માસ્ક પહેર્યાં હોય, સામાજિક અંતર જાળવ્યું હોય કે હાથ નિયમિત ધોયા હોય એવાઓ પણ કોરોનાનો ભોગ વધુ બની રહ્યાં છે. ડબ્લ્યુએચઓની ફરજ છે કે વિશ્વના વિવિધ દેશોના લોકોને હૂંફ મળે એ પ્રકારની જાહેરાતો કરે. એને બદલે ડબ્લ્યુએચઓએ હંમેશાં લોકોને ડરાવવાની કોશિશ કરી છે. હમણાં જ ડબ્લ્યુએચઓએ જાહેરાત કરી કે કોરોનાની જે ત્રીજી વેવ આવશે એ સૌથી વધુ ખતરનાક હશે અને એનાથી બાળકો પણ વધુ પ્રમાણમાં સંક્રમિત થશે. વિશ્વના કેટલાક નિષ્ણાતોએ આ બાબતે શંકા વ્યક્ત કરી છે. એમનું કહેવું છે કે, ત્રીજી વેવમાં બાળકો સંક્રમિત થશે એવી આગાહી કઈ રીતે થઈ શકે? ડબ્લ્યુએચઓએ બીજી પણ એક આગાહી કરી છે કે, આવનાર સમયમાં વધુ એક ખતરનાક વાઈરસ ત્રાટકવાનો છે. કેટલાંક મજાકમાં કહે છે કે ડબ્લ્યુએચઓના વડાને વિવિધ વાઈરસો સપનામાં આવીને કહી જતા હશે કે, હવે ત્રાટકવાનો અમારો વારો છે! ડબ્લ્યુએચઓ વિવિધ આગાહીઓ કયા વૈજ્ઞાનિક આધારે કરે છે એનો કોઈ ખુલાસો કરતું નથી અને એટલે જ ડબ્લ્યુએચઓની વિશ્વસનીયતા સાવ તળિયે જઈને બેઠી છે. ⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...